मंगलवार, दिसंबर 03 2024 | 02:25:33 AM
Breaking News
Home / Choose Language / gujarati / પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુયાનાના ભારતીય સમુદાયને સંબોધન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુયાનાના ભારતીય સમુદાયને સંબોધન કર્યું

Follow us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુયાનાના જ્યોર્જટાઉનમાં આયોજિત એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઇરફાન અલી, પ્રધાનમંત્રી માર્ક ફિલિપ્સ, ઉપરાષ્ટ્રપતિ ભારત જગદેવ, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ રામોતર સહિત અન્ય લોકો ઉપસ્થિત હતા. જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો અને તેમના આગમન પર વિશેષ ઉષ્મા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં રાષ્ટ્રપતિ અને તેમના પરિવારનો ઉષ્મા અને આત્મીયતા દાખવવા બદલ આભાર માન્યો હતો. શ્રી મોદીએ કહ્યું હતું કે, “આતિથ્ય-સત્કારનો જુસ્સો આપણી સંસ્કૃતિના હાર્દમાં છે.” પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, તેમણે ભારત સરકારની એક પેડ મા કે નામ પહેલનાં ભાગરૂપે રાષ્ટ્રપતિ અને તેમનાં દાદીમા સાથે એક વૃક્ષ વાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે તે એક ભાવનાત્મક ક્ષણ હતી જે તે કાયમ માટે યાદ રાખશે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ગુયાનાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર, શ્રેષ્ઠતા ક્રમ પ્રાપ્ત કરવા બદલ તેઓ અત્યંત સન્માનની લાગણી અનુભવે છે. તેમણે આ ભાવ બદલ ગુયાનાના લોકોનો આભાર માન્યો હતો. શ્રી મોદીએ ગુયાનાના વિકાસમાં 1.4 અબજ ભારતીયો અને 3 લાખ મજબૂત ઇન્ડો-ગુયાનીઝ સમુદાયના સન્માનમાં આ એવોર્ડ અર્પણ કર્યો હતો.

એક જિજ્ઞાસુ પ્રવાસી તરીકે બે દાયકા અગાઉ ગુયાનાની પોતાની મુલાકાતની સુંદર યાદોને યાદ કરીને શ્રી મોદીએ એ બાબતે ખુશી વ્યક્ત કરી હતી કે, હવે તેઓ ભારતના પ્રધાનમંત્રી તરીકે નદીઓની ધરતી પર પાછા ફર્યા છે. ત્યારથી લઈને અત્યાર સુધીમાં પરિવર્તનનો સંગ્રહ થયો હોવાની નોંધ લેતા, તેમણે જણાવ્યું હતું કે ગુયાનાના લોકોનો પ્રેમ અને સ્નેહ સમાન છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, “તમે કોઈ ભારતીયને ભારતની બહાર લઈ જઈ શકો છો, પણ તમે ભારતને ભારતીયમાંથી બહાર ન લઈ જઈ શકો.” શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, આ પ્રવાસના તેમના અનુભવે તેની પુષ્ટિ કરી છે.

દિવસની શરૂઆતમાં ભારતીય આગમન સ્મારકની તેમની મુલાકાતને યાદ કરીને પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, તેનાથી આશરે બે સદી અગાઉ ઈન્ડો-ગુયાનીઝ લોકોનાં પૂર્વજોની લાંબી અને મુશ્કેલ યાત્રાને જીવંત કરવામાં આવી હતી. આ લોકો ભારતનાં વિવિધ વિસ્તારોમાંથી આવ્યાં છે એ વાતનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, તેઓ પોતાની સાથે સંસ્કૃતિઓ, ભાષાઓ અને પરંપરાઓની વિવિધતા લાવ્યા છે તથા સમયની સાથે ગુયાનાને પોતાનું ઘર બનાવ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ ભાષાઓ, વાર્તાઓ અને પરંપરાઓ આજે ગુયાનાની સંસ્કૃતિનો સમૃદ્ધ ભાગ છે. તેમણે સ્વતંત્રતા અને લોકશાહી માટેની લડાઈ માટે ભારત-ગુયાનીઝ સમુદાયની ભાવનાની પ્રશંસા કરી હતી. તેમણે નોંધ્યું હતું કે તેઓએ ગુયાનાને સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંનું એક બનાવવા માટે કામ કર્યું હતું, જે સાધારણ શરૂઆતથી ટોચ પર પહોંચવા તરફ દોરી ગયું હતું. શ્રી ચેડ્ડી જગનના પ્રયાસોની પ્રશંસા કરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, શ્રી જગને શ્રમિકોના પરિવારની સાધારણ પૃષ્ઠભૂમિમાં પોતાની શરૂઆતથી જ વૈશ્વિક દરજ્જાના નેતા તરીકેની શરૂઆત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, રાષ્ટ્રપતિ ઇરફાન અલી, ઉપરાષ્ટ્રપતિ ભારત જગદેવ, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ રામોતર આ તમામ ઇન્ડો-ગુયાનીઝ સમુદાયના રાજદૂત હતા. પ્રધાનમંત્રીએ એ બાબતની પણ નોંધ લીધી હતી કે, પ્રારંભિક ભારત-ગુયાના બૌદ્ધિકોમાંમાંથી એક જોસેફ રોમન, પ્રારંભિક ભારતીય-ગુયાના કવિઓમાંથી એક રામ જરીદાર લલ્લા, જાણીતા મહિલા કવિ શાના યરદાન અને કેટલાંક ભારતીય-ગુયાનાવાસીઓએ કલા, શિક્ષણ, સંગીત અને ચિકિત્સાના ક્ષેત્રોમાં મોટો પ્રભાવ પાડ્યો છે.

આપણી સમાનતાઓએ ભારત-ગુયાનાની મૈત્રીને મજબૂત પાયો નાંખ્યો હોવાનું જણાવતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, સંસ્કૃતિ, ખાણીપીણી અને ક્રિકેટ એ ત્રણ મહત્ત્વપૂર્ણ બાબતો છે, જે ભારતને ગુયાના સાથે જોડે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ વર્ષની દિવાળી વિશેષ હતી, કારણ કે શ્રી રામ લલ્લા 500 વર્ષ પછી અયોધ્યા પરત ફર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતના લોકોને પણ યાદ છે કે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે ગુયાનાથી પવિત્ર જળ અને શિલાઓ પણ મોકલવામાં આવી હતી. તેમણે એ વાતની પ્રશંસા કરી હતી કે, ભારત માતા સાથે તેમનું સાંસ્કૃતિક જોડાણ મજબૂત છે, જો કે તેઓ મહાસાગરોથી અલગ હોવા છતાં પણ મજબૂત છે અને દિવસની શરૂઆતમાં જ્યારે તેમણે આર્ય સમાજ સ્મારક અને સરસ્વતી વિદ્યા નિકેતન સ્કૂલની મુલાકાત લીધી હતી, ત્યારે તેઓ આ બાબતને અનુભવી શક્યા હતા. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, ભારત અને ગુયાના બંને દેશોને આપણી સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ પર ગર્વ છે તથા વિવિધતાને એવી વસ્તુ તરીકે જુએ છે, જેને માત્ર સમાવી શકાય તેવું નથી. તેમણે ઉમેર્યું કે બંને દેશો બતાવી રહ્યા છે કે સાંસ્કૃતિક વિવિધતા તેમની શક્તિ કેવી છે.

રાંધણકળાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ઇન્ડો-ગુયાનીઝ સમુદાય પણ વિશિષ્ટ ખાદ્ય પરંપરા ધરાવે છે, જેમાં ભારતીય અને ગુયાનીઝ એમ બંને પ્રકારનાં તત્ત્વો છે.

આપણા દેશોને મજબૂત રીતે બાંધતા ક્રિકેટ પ્રત્યેના પ્રેમ અંગે ચર્ચા કરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ માત્ર એક રમત નથી, પણ જીવન જીવવાની એક રીત છે, જે આપણી રાષ્ટ્રીય ઓળખમાં ઊંડાણપૂર્વક જોડાયેલી છે. તેમણે ઊમેર્યું કે, ગુયાનામાં આવેલું પ્રોવિડન્સ નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ અમારી મૈત્રીનું પ્રતીક છે. કન્હાઇ, કાલીચરણ, ચંદ્રપોલ આ તમામ ભારતમાં જાણીતા નામો છે એમ જણાવતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, ક્લાઇવ લોઇડ અને તેમની ટીમ ઘણી પેઢીઓથી પ્રિય રહી છે. તેમણે ઊમેર્યું કે, ગુયાનાના યુવા ખેલાડીઓનો પણ ભારતમાં બહોળો ચાહકવર્ગ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ઘણા ભારતીયોએ વર્ષની શરૂઆતમાં ત્યાં યોજાયેલા T-20 વર્લ્ડ કપની મજા માણી હતી.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, દિવસની શરૂઆતમાં ગુયાનીઝ સંસદને સંબોધન કરવાનું સન્માન તેમને મળ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, લોકશાહીની માતા ગણાતા દેશમાંથી આવીને તેમણે કેરેબિયન વિસ્તારમાં સૌથી વધુ જીવંત લોકશાહી દેશો સાથે આધ્યાત્મિક જોડાણની અનુભૂતિ કરી હતી. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત અને ગુયાના સહિયારો ઇતિહાસ ધરાવે છે, જે આપણને સંસ્થાનવાદી શાસન સામે સામાન્ય સંઘર્ષ, લોકતાંત્રિક મૂલ્યો માટે પ્રેમ અને વિવિધતા માટે આદર જેવા સહિયારાં સંબંધો ધરાવે છે. શ્રી મોદીએ વૃદ્ધિ અને વિકાસ, અર્થતંત્ર અને ઇકોલોજી પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ન્યાયી અને સર્વસમાવેશક વિશ્વ વ્યવસ્થામાં વિશ્વાસની આકાંક્ષાઓ પર ભાર મૂકતાં કહ્યું હતું કે, “આપણું સહિયારું ભવિષ્ય છે, જેનું આપણે નિર્માણ કરવા માગીએ છીએ.”

ગુયાનાનાં લોકો ભારતનાં શુભેચ્છકો છે એ બાબત પર ભાર મૂકીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “છેલ્લાં એક દાયકામાં ભારતની સફર વ્યાપક, ઝડપ અને સ્થિરતાની રહી છે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, માત્ર 10 વર્ષમાં ભારત દસમાં ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર હતું, જે પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે અને ટૂંક સમયમાં જ ભારત ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. યુવાનોની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે, તેમણે આપણને દુનિયાની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ બનાવી છે. શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત ઇ-કોમર્સ, એઆઇ, ફિનટેક, કૃષિ, ટેકનોલોજી અને અન્ય બાબતોનું વૈશ્વિક કેન્દ્ર છે. ભારતના મંગળ અને ચંદ્ર સુધીના અંતરિક્ષ મિશન પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હાઇવેથી લઇને આઇ-વે, એરવેઝથી લઇને રેલવે સુધી આપણે અત્યાધુનિક માળખાગત સુવિધાઓનું નિર્માણ કરી રહ્યા છીએ. ભારત મજબૂત સેવા ક્ષેત્ર ધરાવે છે એ વાતનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, હવે ભારત ઉત્પાદનમાં પણ મજબૂત બની રહ્યું છે અને ભારત દુનિયામાં બીજા નંબરનું સૌથી મોટું મોબાઇલ ઉત્પાદક બન્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “ભારતનો વિકાસ માત્ર પ્રેરણાદાયક જ નહીં, પણ સર્વસમાવેશક પણ રહ્યો છે.” તેમણે ઉમેર્યું હતું કે, ભારતનું ડિજિટલ જાહેર માળખું ગરીબોનું સશક્તીકરણ કરી રહ્યું છે અને સરકારે લોકો માટે 500 મિલિયન બેંક ખાતાં ખોલાવ્યાં છે તથા આ બેંક ખાતાઓને ડિજિટલ ઓળખ અને મોબાઇલ સાથે જોડ્યાં છે. તેમણે કહ્યું હતું કે, તેનાથી લોકોને તેમનાં બેંક ખાતાઓમાં સીધી સહાય મેળવવામાં મદદ મળી છે. શ્રી મોદીએ એમ પણ કહ્યું હતું કે, આયુષ્માન ભારત દુનિયાની સૌથી મોટી નિઃશુલ્ક સ્વાસ્થ્ય વીમા યોજના છે, જેનો લાભ 500 મિલિયનથી વધારે લોકોને મળશે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારે જરૂરિયાતમંદ લોકો માટે 30 મિલિયનથી વધારે મકાનોનું નિર્માણ કર્યું છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “ફક્ત એક દાયકામાં અમે 250 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે.” તેમણે ઉમેર્યું હતું કે, ગરીબોમાં પણ આ પહેલોથી મહિલાઓને સૌથી વધુ લાભ થયો છે અને લાખો મહિલાઓ પાયાનાં સ્તરે ઉદ્યોગસાહસિક બની રહી છે, જેનાથી રોજગારી અને તકોનું સર્જન થયું છે.

જ્યારે આ તમામ મોટા પાયે વૃદ્ધિ થઈ રહી છે, ત્યારે ભારત ટકાઉપણા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે એ વાત પર ભાર મૂકીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ફક્ત એક દાયકામાં ભારતની સૌર ઊર્જાની ક્ષમતામાં 30 ગણો વધારો થયો છે અને તે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલનું મિશ્રણ કરીને ગ્રીન મોબિલિટી તરફ આગેકૂચ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન, ગ્લોબલ બાયોફ્યુઅલ્સ એલાયન્સ, આપત્તિને અનુકૂળ માળખા માટે ગઠબંધન જેવી અન્ય પહેલો જેવી આબોહવામાં પરિવર્તનનો સામનો કરવા માટેની ઘણી પહેલોમાં કેન્દ્રીય ભૂમિકા ભજવી છે, જેમાં ગ્લોબલ સાઉથને સશક્ત બનાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતે આંતરરાષ્ટ્રીય બીગ કેટ એલાયન્સનું પણ ચેમ્પિયન બનાવ્યું છે અને ગુયાના, તેના જાજરમાન જગુઆર સાથે, પણ તેનો લાભ લેશે.

ગયા વર્ષે ભારતે પ્રવાસી ભારતીય દિવસના મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રપતિ ઇરફાન અલીની યજમાની કરી હતી તે વાતને યાદ કરીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ભારતે ભારતમાં પ્રધાનમંત્રી માર્ક ફિલિપ્સ અને ઉપરાષ્ટ્રપતિ ભારત જગદેવને પણ આવકાર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, તેમણે સંયુક્તપણે ઘણાં ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારને મજબૂત કરવા કામ કર્યું છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, અત્યારે બંને દેશો ઊર્જાથી ઉદ્યોગસાહસ, આયુર્વેદથી લઈને કૃષિ, માળખાગત સુવિધાથી માંડીને નવીનતા, હેલ્થકેરથી લઈને માનવ સંસાધન અને ડેટાથી લઈને વિકાસ સુધીના આપણા જોડાણનો વ્યાપ વધારવા સંમત થયા છે અને આ ભાગીદારી પણ આ ક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ મૂલ્ય ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, ગઈકાલે યોજાયેલી બીજી ઇન્ડિયા-કેરિકોમ સમિટ આ બાબતનો પુરાવો છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રનાં સભ્યો તરીકે બંને દેશો બહુપક્ષીયવાદમાં સુધારામાં માને છે અને વિકાસશીલ દેશો તરીકે તેઓ ગ્લોબલ સાઉથની તાકાતને સમજે છે. તેમણે ઉમેર્યું કે, તેઓએ વ્યૂહાત્મક સ્વાયતતા અને સમાવિષ્ટ વિકાસ માટે ટેકો માંગ્યો છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, બંને દેશો સ્થાયી વિકાસ અને આબોહવામાં ન્યાયને પ્રાથમિકતા આપે છે તથા વૈશ્વિક કટોકટીનું સમાધાન કરવા સંવાદ અને મુત્સદ્દીગીરી માટે સતત અપીલ કરે છે.

ડાયસ્પોરાને રાષ્ટ્રદૂત ગણાવતા શ્રી મોદીએ કહ્યું હતું કે, તેઓ ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોના રાજદૂત છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ઇન્ડો-ગુયાનીઝ સમુદાય બમણા આશિર્વાદ ધરાવે છે, કારણ કે તેમની પાસે ગુયાનાને તેમની માતૃભૂમિ અને ભારત માતા તેમની પૂર્વજોની ભૂમિ છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજે જ્યારે ભારત તકોની ભૂમિ છે, ત્યારે તેમાંથી દરેક આપણા બંને દેશોને જોડવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.

પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીયોને ભારત કો જાનીયે ક્વિઝમાં સહભાગી થવાની અપીલ કરતાં કહ્યું હતું કે, આ ક્વિઝ ભારત, તેનાં મૂલ્યો, સંસ્કૃતિ અને વિવિધતાને સમજવાની સારી તક છે. તેમણે લોકોને તેમના મિત્રોને પણ તેમાં ભાગ લેવા આમંત્રણ આપવા વિનંતી કરી.

શ્રી મોદીએ પ્રવાસી ભારતીયોને આવતા વર્ષે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન પ્રયાગરાજમાં આયોજિત થનારા મહાકુંભમાં પરિવારો અને મિત્રો સાથે ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. તેમણે એમ પણ ઉમેર્યું કે તેઓ અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લઈ શકે છે.

સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીયોને જાન્યુઆરીમાં ભુવનેશ્વરમાં આયોજિત થનારા પ્રવાસી ભારતીય દિવસના કાર્યક્રમમાં આવવા અને ભાગ લેવા અને પુરીમાં મહાપ્રભુ જગન્નાથના આશીર્વાદમાં ભાગ લેવા આમંત્રણ પણ આપ્યું હતું.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

ડો. મનસુખ માંડવિયાએ ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (સીબીટી)ની 236મી બેઠકની અધ્યક્ષતા કરી

ડૉ. કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ આજે ​​નવી …