ગુજરાતનાં પ્રવાસે આવેલા કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે બીજા દિવસે આણંદ ખાતે અમૂલ પ્લાન્ટ, અમદાવાદમાં બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ અને સાબરમતી મેટ્રો હબની મુલાકાત લીધી હતી.
અમૂલ ડેરી પ્લાન્ટની કામગીરી, તેના સહકારી માળખાની વિગતવાર જાણકારી મેળવી હતી. જેમાં ડેરીની સ્થાપનાથી લઈને વિશ્વસ્તરે ફેલાયેલા વ્યવસાય વિશે માહિતી આપવામાં આવી હતી.

આ મુલાકાત અંગે પીઆઇબી, તિરુવનંતપૂરમનાં નાયબ નિયામક અથીરા થમ્પીએ જણાવ્યુ હતું કે, અમૂલ ડેરીની સ્થાપના, તેનું સહકારી માળખું, કાર્ય પદ્ધતિ, પશુપાલકો અને પશુઓની લેવાતી કાળજી અંગે પત્રકાર મંડળે તલસ્પર્શી માહિતી મેળવી છે. એક બ્રાન્ડ તરીકે અમૂલને બધાં જાણે છે પણ તેની કામગીરી અંગે જાણીને નવાઈ લાગી છે.

પ્રતિનિધિ મંડળે અમદાવાદમાં ભારતની પ્રથમ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. જ્યાં ચીફ પ્રોજેક્ટ મેનેજર રાજેશ અગ્રવાલ, (કાળુપુર સેક્શન) એ કામગીરીનો અહેવાલ તેમજ પ્રોજેક્ટની ઝીણવટભરી માહિતી આપી હતી. આ પ્રોજેક્ટમાં અમદાવાદની ઓળખ સમા સીદી સૈયદની જાળી, ઝૂલતા મિનારા અને પતંગને કેવી રીતે સાંકળી લેવામાં આવ્યા છે એની જાણકારી પણ આપી હતી.
ત્યાર બાદ તેમણે સાબરમતી હબની મુલાકાત લીધી હતી. જ્યાં ચીફ પ્રોજેક્ટ મેનેજર અરુણ કુમાર સિંઘે ત્રણેય માધ્યમને કેવી રીતે સાંકળી લીધા છે, તે દેખાડ્યું હતું. તેમજ સ્ટેશન ઈમારતની ડિઝાઇન, સોલાર પાવર પેનલ, પાર્કિંગ સહિતની સુવિધાઓ અંગેની માહિતી આપી હતી.


મહિલા પત્રકારોએ પીઆઈબી, અમદાવાદ કચેરીમાં ગુજરાતનાં એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી પ્રકાશ મગદુમની સાથે મુલાકાત બાદ વિડિયો કોન્ફરન્સ દ્વારા ડાયરેક્ટર જનરલ,(વેસ્ટર્ન રિજન) શ્રીમતિ સ્મિતા વત્સ શર્મા સાથે વાત કરી પોતાની મુલાકાત અંગેની ચર્ચા કરી હતી. ત્યાર બાદ તેમણે અમદાવાદ શહેરનાં પ્રખ્યાત માણેકચોક અને લૉ ગાર્ડન બજારની મુલાકાત લીધી હતી.

આ પ્રતિનિધિમંડળ આવતી કાલે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે ત્યાર બાદ ગિફ્ટ સિટી તેઓ વડનગર હેરિટેજ સ્થળ, બીએસએફ કેમ્પ, નડાબેટ, ધોરડો ખાતે રણ ઉત્સવ, ધોળાવીરા અને સ્મૃતિવનની મુલાકાત પણ કરશે.

Matribhumi Samachar Gujarati

