Sunday, December 14 2025 | 06:35:33 PM
Breaking News

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (બીબીએસએસએલ)ની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી

Connect us on:

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (બીબીએસએસએલ)ની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય સહકારિતા મંત્રીઓ શ્રી કૃષ્ણપાલ અને શ્રી મુરલીધર મોહોલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે સહકાર મંત્રાલયનાં સચિવ ડૉ. આશિષ કુમાર ભૂતાની, સહકાર મંત્રાલયનાં અધિક સચિવ શ્રી પંકજ કુમાર બંસલ અને બીબીએસએસએલનાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઉપસ્થિત રહ્યાં હતાં.

બેઠકને સંબોધતા શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (બીબીએસએસએલ) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના “સહકાર સે સમૃદ્ધિ”ના વિઝનને સાકાર કરવામાં અને ખેડૂતોને સશક્ત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બીબીએસએસએલએ ભારતના પરંપરાગત બીજના સંગ્રહ અને જાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. બેઠકમાં શ્રી અમિત શાહે બીબીએસએસએલને વર્ષ 2025-26 સુધીમાં વધારાની 20,000 સહકારી મંડળીઓ સાથે જોડાવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો. શ્રી શાહે જણાવ્યું હતું કે, બીબીએસએસએલએ આ પ્રકારનાં બીજનાં ઉત્પાદન પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેમાં ઓછાં પાણી અને જંતુનાશકોની જરૂર પડે છે. તેમણે એ બાબત પર પણ ભાર મૂક્યો હતો કે, નાના ખેડૂતો સૌથી વધુ સંભવિત ઉપજ હાંસલ કરે અને તેમના પાકની પાકતી મુદત વધારવામાં આવે એ સુનિશ્ચિત કરવા પ્રયાસો કરવા જોઈએ.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર પ્રધાને જણાવ્યું હતું કે બીબીએસએસએલ ભારતના પરંપરાગત પૌષ્ટિક બીજના સંગ્રહ અને જાળવણી તરફ ઝડપથી કામ કરી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઇફ્કો અને ક્રિભકોએ આપણાં સ્વદેશી અને હાઇબ્રિડ બિયારણનાં પોષક મૂલ્યનું મૂલ્યાંકન કરવું જોઈએ. શ્રી શાહે ઉમેર્યું હતું કે, બીબીએસએસએલની પ્રાથમિકતા પરંપરાગત રીતે પોષકતત્વો ધરાવતાં બિયારણોને પ્રોત્સાહન આપવાની અને જાળવવાની છે, જેનો હવે ઓછો ઉપયોગ થઈ રહ્યો છે તેમજ કઠોળ અને તેલીબિયાંનું પોષણ મૂલ્ય ઘટાડ્યા વિના તેનું ઉત્પાદન પણ વધારવું જોઈએ.

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ નોંધ્યું હતું કે, ઇફ્કો અને ક્રિભકોએ તેમની પ્રયોગશાળાઓને આ ક્ષેત્રમાં અનુકરણીય અને શ્રેષ્ઠ બનાવવા આતુર રહેવું જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, તમામ સહકારી સંસ્થાઓએ ખેડૂતોને પ્રમાણિત બીજ સાથે ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશભરનાં 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 20,000થી વધારે વિવિધ સહકારી મંડળીઓ બીબીએસએસએલનાં શેરધારકો છે. તેમણે ઉમેર્યું હતું કે, બીબીએસએસએલએ બિયારણના ઉત્પાદન, સંશોધન અને સંવર્ધન માટે કામ કરતી તમામ સરકારી યુનિવર્સિટીઓના વૈજ્ઞાનિકો અને પ્રયોગશાળાઓનો ઉપયોગ કરવો જોઈએ. કેન્દ્રીય સહકારિતા મંત્રીએ બીજનું ઉત્પાદન વધારવા સાથે સંબંધિત લક્ષ્યાંકો હાંસલ કરવા માટે 10 વર્ષનો રોડમેપ તૈયાર કરવા અને તેની નિયમિત સમીક્ષા કરવા પર ભાર મૂક્યો હતો.

રવી વર્ષ 2024 દરમિયાન, બીબીએસએસએલ 6 રાજ્યોમાં 5,596 હેક્ટર વિસ્તારમાં ફાઉન્ડેશન અને સર્ટિફાઇડ બિયારણનું ઉત્પાદન કરી રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત 8 પાકોની 49 જાતોમાંથી અંદાજે 1,64,804 ક્વિન્ટલ બિયારણનું ઉત્પાદન થવાની ધારણા છે. બીબીએસએસએલએ વર્ષ 2032-33 સુધીમાં કુલ ₹18,000 કરોડનું ટર્નઓવર હાંસલ કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે. તેની કામગીરી શરૂ થઈ ત્યારથી, બીબીએસએસએલે ચાર પાકો – ઘઉં, મગફળી, ઓટ્સ અને બર્સીમમાંથી 41,773 ક્વિન્ટલ બિયારણોનું વેચાણ/વિતરણ કર્યું છે, જેની બજાર કિંમત આશરે ₹41.50 કરોડ છે.

About Matribhumi Samachar

Check Also

CBDT ડેટા-આધારિત અભિગમ દ્વારા બોગસ ડિડક્શનના દાવાઓ સામે કરદાતાઓને ‘નજ’ (NUDGE) કરે છે

તાજેતરમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ ઘણા વચેટિયાઓ (intermediaries) સામે કાર્યવાહી કરી છે, જેઓ આવકવેરા અધિનિયમ હેઠળ …