Wednesday, December 10 2025 | 10:52:24 AM
Breaking News

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં મોતી બાગમાં નવનિર્મિત વર્કિંગ વુમન હોસ્ટેલ ‘સુષ્મા ભવન’નું અને પશુચિકિત્સા હોસ્પિટલનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું

Connect us on:

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (એનડીએમસી) દ્વારા વિકસાવવામાં આવેલા નવનિર્મિત વર્કિંગ વિમેન્સ હોસ્ટેલ બ્લોક, સુષ્મા ભવનનું ઉદઘાટન કર્યું હતું. તેમણે નવી દિલ્હીનાં મોતી બાગમાં અત્યાધુનિક પશુચિકિત્સા હોસ્પિટલનું પણ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. આ સમારંભમાં દિલ્હીનાં લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વી કે સક્સેના અને નવી દિલ્હીનાં સાંસદ સુશ્રી બાંસુરી સ્વરાજ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

પોતાના સંબોધનમાં શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સુષ્માજીનાં નામ પરથી આ ઇમારતમાં રહેતી બહેનો એક એવા નેતા સાથે સંકળાયેલી છે, જે ભારતમાં મહિલા સશક્તીકરણ, જાગૃતિ અને સંઘર્ષ માટે હંમેશા પ્રેરણારૂપ રહી છે. તેમણે કહ્યું કે એક દ્રઢ નિશ્ચયી વિપક્ષી નેતાના રૂપમાં તેમનો વારસો જેમણે પાછલી સરકારના કાર્યકાળ દરમિયાન 12 લાખ રૂપિયાના ભ્રષ્ટાચાર અને કૌભાંડોનો પર્દાફાશ કર્યો હતો. શ્રી શાહે નોંધ્યું હતું કે, સુષ્માજીએ લોકશાહીમાં વિરોધપક્ષનાં નેતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકાનું ઉદાહરણ આપ્યું હતું અને મહિલા સશક્તીકરણ માટે રાષ્ટ્રવ્યાપી અભિયાનને પ્રજ્વલિત કર્યું હતું. તેમણે કહ્યું કે તમામ વિપક્ષી નેતાઓએ સુષ્માજીની કાર્યશૈલીથી શીખવું જોઈએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સરકારમાં વિદેશ મંત્રી તરીકે તેમણે કરુણા અને કાર્યદક્ષતા સાથે લોકોની ચિંતાઓનું સમાધાન કરીને નોંધપાત્ર ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને ભારતીય મુત્સદ્દીગીરી પર અમિટ છાપ છોડી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે એનડીએમસીએ સુષ્મા ભવનના નિર્માણ દ્વારા આશરે 500 કાર્યકારી મહિલાઓને સલામત રહેવાની સુવિધા પ્રદાન કરી છે. તેમણે કહ્યું હતું કે, આ ભવનનું ઉદઘાટન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં શહેરી વિકાસનાં વિઝનને પ્રદર્શિત કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2014માં કાર્યભાર સંભાળ્યા પછી પ્રધાનમંત્રી મોદીએ ભારતનાં શહેરી પરિદ્રશ્યમાં પરિવર્તન લાવવા માટે એક મજબૂત નીતિગત પાયો નાંખ્યો છે. શ્રી શાહે નોંધ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ વૈશ્વિક સ્તરની સુવિધાઓનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને તેને શહેરી વિકાસ નીતિનાં કેન્દ્રીય પાસા તરીકે સામેલ કરી હતી. વળી, પ્રધાનમંત્રી મોદીજીએ શહેરી વિકાસની વ્યુહરચનામાં પેરી-અર્બન ગામડાંઓને – જેની અગાઉ અવગણના કરવામાં આવી હતી – ને સમાવીને એક મહત્ત્વના નીતિવિષયક તફાવતને પણ હાથ ધર્યો હતો, જેણે છેલ્લા એક દાયકામાં શહેરોને સારો એવો નવો આકાર આપ્યો છે. ગૃહ મંત્રીએ ઇ-ગવર્નન્સ પર પ્રધાનમંત્રી મોદીના ધ્યાન અંગે જણાવ્યુ હતુ. જેનું ઉદાહરણ સ્માર્ટ સિટીઝ મિશન દ્વારા આપવામાં આવ્યું હતું, જ્યાં ડેટા-સંચાલિત અભિગમનો ઉપયોગ કરીને વિકાસ માટે 100 શહેરોની ઓળખ કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ નવીન પદ્ધતિએ તમામ શહેરોમાં સમાન વૃદ્ધિ સુનિશ્ચિત કરવાની સાથે-સાથે ભવિષ્યલક્ષી પરિપ્રેક્ષ્ય સાથે વિકાસને સુલભ પણ કર્યો છે.

શ્રી અમિત શાહે ઘણાં શહેરોમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર્સની સ્થાપના કરીને, આ કેન્દ્રો સાથે વિસ્તૃત સીસીટીવી નેટવર્કને જોડીને, શહેરી સુરક્ષામાં મોદી સરકારની નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, ભવિષ્યમાં આ કેમેરાનો ઉપયોગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત બહુહેતુક યોજનાઓ માટે થશે. શ્રી શાહે અમૃત યોજના, મેટ્રો નેટવર્કનું વિસ્તરણ 1,000 કિલોમીટરથી વધારે કરવા, ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા અને સ્થાયી સૌર ઊર્જા માટે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના સહિત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી કેટલીક પરિવર્તનકારી પહેલોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સ્વચ્છતા અને પર્યાવરણીય સંરક્ષણને શહેરી વિકાસ નીતિનું અભિન્ન અંગ બનાવવામાં આવ્યું છે, જે સ્વચ્છ ભારત અભિયાન, શહેરી કચરા વ્યવસ્થાપન નીતિ, ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ અને સોલર રૂફટોપ પ્રોજેક્ટ જેવી પહેલો તરફ દોરી જશે. શ્રી શાહે ઉમેર્યું હતું કે, આઝાદીનાં 75 વર્ષમાં પ્રથમ વખત શેરી વિક્રેતાઓને નિયુક્ત જગ્યાઓ પ્રદાન કરીને અને પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના મારફતે લોનની સુલભતા પ્રદાન કરીને તેમને સન્માનજનક જીવન જીવવા સક્ષમ બનાવીને પ્રધાનમંત્રી શ્રી મોદીએ તેમનાં માટે સન્માનજનક આજીવિકા સુનિશ્ચિત કરી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, મોદી સરકારે નોકરીને લગતી હતાશા સામે ઝઝૂમી રહેલા યુવાનોને સ્કિલ ઇન્ડિયા મિશન દ્વારા સ્વરોજગારની તકો સાથે જોડીને સશક્ત બનાવ્યા હતા. તેમણે નોંધ્યું હતું કે, સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધા અને ક્લાઇમેટ સ્માર્ટ સિટી ફ્રેમવર્ક જેવી પહેલોએ શહેરો વચ્ચે સ્વસ્થ સ્પર્ધાને પ્રોત્સાહન આપ્યું હતું, જે તેમને વિકાસનાં ઉચ્ચ માપદંડો તરફ દોરી ગઈ હતી. શ્રી અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, શહેરી વિકાસ નીતિનાં વિવિધ પાસાંઓને સંકલિત કરીને સરકારે લાંબા ગાળાનાં વિઝન સાથે ભવિષ્યની જરૂરિયાતો પૂર્ણ કરવા વિસ્તૃત રોડમેપ તૈયાર કરીને તેને પરિણામલક્ષી બનાવી છે. આ દૂરંદેશી અભિગમનો ઉદ્દેશ ભારતીય શહેરોને વિશ્વનાં અગ્રણી વૈશ્વિક શહેરોમાં સ્થાન આપવાનો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લાં 10 વર્ષમાં દિલ્હીનાં વિકાસ માટે રૂ. 68,000 કરોડનાં માળખાગત પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યાં છે. મોદી સરકારે સડક વિકાસ માટે 41000 કરોડ, રેલવેને લગતા પ્રોજેક્ટોમાં રૂ. 15000 કરોડ અને એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં સેવાઓ વધારવા માટે રૂ. 12000 કરોડનું રોકાણ કર્યું છે. તેમણે કહ્યું હતું કે, દિલ્હી-મેરઠ એક્સપ્રેસ-વે પર રૂ. 8,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને હવે, કોઈ પણ વ્યક્તિ 45 મિનિટમાં દિલ્હીથી મેરઠ પહોંચી શકે છે. દિલ્હીથી મુંબઈ સુધીની 24 કલાકની મુસાફરી 12 કલાકમાં પૂર્ણ કરવા માટે હાઈ-સ્પીડ કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. દ્વારકા એક્સપ્રેસ વે 7500 કરોડના ખર્ચે, 11000 કરોડના ખર્ચે ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે, 7715 કરોડના ખર્ચે અર્બન એક્સટેન્શન રોડ, રૂ.920 કરોડના ખર્ચે પ્રગતિ મેદાન ઇન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ કોરિડોર અને રૂ.૩૦,૦ કરોડના ખર્ચે દિલ્હી-મેરઠ આરઆરટીએસ રેલ કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ભારત મંડપમમાં 7000 સીટનું કન્વેન્શન સેન્ટર અને 3000 સીટનું એમ્ફિથિયેટર બનાવવામાં આવ્યું હતું. 5400 કરોડના ખર્ચે યશોભૂમિ કન્વેન્શન સેન્ટર, 250 કરોડના ખર્ચે દ્વારકા ગોલ્ફ કોર્સ અને 92 કરોડના ખર્ચે તૈયાર થયેલ દ્વારકા સ્પોર્ટસ કોમ્પલેક્ષ. તેમણે જણાવ્યું હતું કે, પીએમ-ઉદય યોજના હેઠળ 1731 કોલોનીઓને નિયમિત કરવાની પ્રક્રિયા શરૂ કરીને 40 લાખ ગરીબોને માલિકી હક્ક આપવાની યોજના, ઝૂંપડપટ્ટીવાસીઓને ફ્લેટ આપવાની યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી હેઠળ 29 હજાર મકાનો અને આશરે રૂ. 354 કરોડના ખર્ચે 3000 ઇડબલ્યુએસ ફ્લેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. દિલ્હી યુનિવર્સિટીમાં નવી વીર સાવરકર કોલેજ, પ્રધાનમંત્રી સંગ્રહાલય, પોલીસ સ્મારક, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર અને એક્સ્પો સેન્ટરનો વિકાસ, ઓક્સિજન પાર્ક અને ઘણી લીલી પહેલ પણ કરવામાં આવી છે.

શ્રી અમિત શાહે દિલ્હીમાં 50,000 ચોરસ યાર્ડમાં રૂ. 45 કરોડના ખર્ચે શીશ મહેલના નિર્માણ અંગેના આક્ષેપોનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, રાજધાનીના લોકો આ ખર્ચ માટે જવાબદારીની માગણી કરી રહ્યા છે. તેમણે નોંધ્યું હતું કે, 10 વર્ષમાં દિલ્હીનાં માળખાગત સુવિધાનાં વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક મળી હોવા છતાં, વિકાસને પ્રાથમિકતા આપવાને બદલે શીશ મહેલનાં નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

About Matribhumi Samachar

Check Also

સ્કોપોસિસ 2025 – અમદાવાદ ખાતે 10 ડિસેમ્બરનાં રોજ એક આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન

ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL), અમદાવાદ 8 થી 12 ડિસેમ્બર, 2025 દરમિયાન ઓપ્ટિક્સ અને ફોટોનિક્સ પર …