સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ)નાં 79માં સત્રનાં પ્રમુખ મહામહિમ શ્રી ફિલેમોન યાંગ આજે (6 ફેબ્રુઆરી, 2025) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુને મળ્યાં હતાં.

રાષ્ટ્રપતિએ ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખનું સ્વાગત કરતા કહ્યું કે, યુએનજીએનું તેમનું રાષ્ટ્રપતિ પદ એવા સમયે આવ્યું છે જ્યારે આપણે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાના 80 વર્ષના મહત્વપૂર્ણ સિમાચિહ્નને મનાવી રહ્યા છીએ.
રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે, વર્ષ 2025માં સંયુક્ત રાષ્ટ્રની મહત્ત્વપૂર્ણ પરિષદો યોજાશે, જેમ કે વિકાસ માટે ધિરાણ પર ચોથી પરિષદ અને સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર પરિષદ વગેરે. તેમણે આ તમામ પ્લેટફોર્મ પર ભારતની સક્રિય અને રચનાત્મક ભાગીદારીની ખાતરી આપી હતી.
રાષ્ટ્રપતિએ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ સહિત મુખ્ય બહુપક્ષીય સંસ્થાઓમાં વહેલાસર અને વિસ્તૃત સુધારા માટેની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જેથી તેઓ સમકાલીન વૈશ્વિક વાસ્તવિકતાઓનું પ્રતિબિંબ બની શકે.
રાષ્ટ્રપતિએ શ્રી ફિલેમોન યાંગના દ્વારા સતત વિકાસ માટે વિજ્ઞાન અને ડેટા-સંચાલિત અભિગમ અને તેમના સમાવેશી દ્રષ્ટિકોણ પર ભાર મૂકવાની પ્રશંસા કરી. તેમણે સપ્ટેમ્બર 2024માં ન્યૂયોર્કમાં યોજાયેલી સમિટ ફોર ધ ફ્યુચરમાં “ભવિષ્ય માટે કરાર” અપનાવવામાં તેમના નેતૃત્વની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત “વસુધૈવ કુટુમ્બકમ”ની ફિલોસોફી દ્વારા સંચાલિત સંયુક્ત રાષ્ટ્ર સહિત વૈશ્વિક દક્ષિણનાં ઉદ્દેશોને ચેમ્પિયન બનાવવાનું ચાલુ રાખશે.

બંને નેતાઓએ ભારત અને કેમેરૂન વચ્ચે ગાઢ અને મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો પર પણ ચર્ચા કરી હતી. જે વર્ષોથી સતત વિકસિત થયા છે, ખાસ કરીને વિકાસલક્ષી ભાગીદારી અને ક્ષમતા નિર્માણમાં. રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે, ભારત આફ્રિકા સાથે વિશેષ જોડાણ ધરાવે છે અને વર્ષ 2023માં ભારતનાં રાષ્ટ્રપતિ પદ દરમિયાન જી-20માં સ્થાયી સભ્ય તરીકે આફ્રિકા સંઘનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
Matribhumi Samachar Gujarati

