ભારત આગામી સપ્તાહે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)નું દ્વિતીય વૈશ્વિક પરંપરાગત ચિકિત્સા શિખર સંમેલનનું આયોજન કરશે. આ સંમેલન પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના વૈશ્વિક ભવિષ્યને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

ક્ષેત્રીય આયુર્વેદ અનુસંધાન સંસ્થાન, અમદાવાદ દ્વારા આયોજિત આ સંવાદદાતા સંમેલનમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને વૈશ્વિક આરોગ્ય પ્રણાલી સાથે જોડવાના પ્રયત્નો, સંશોધન આધારિત અભિગમની આવશ્યકતા અને આધુનિક ટેકનોલોજી સાથેના સમન્વય અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
ક્ષેત્રીય આયુર્વેદ અનુસંધાન સંસ્થાન, અમદાવાદ જે કેન્દ્રીય આયુર્વેદિક વિજ્ઞાન અનુસંધાન પરિષદ (CCRAS)નું ઘટક સંસ્થાન છે, આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત થનારા આ વૈશ્વિક પરંપરાગત ચિકિત્સા શિખર સંમેલનનો મુખ્ય હેતુ પરંપરાગત ચિકિત્સા, સ્વાસ્થ્ય, જ્ઞાન અને વ્યવહાર વચ્ચે સંતુલન સ્થાપિત કરીને વૈશ્વિક સ્વાસ્થ્ય અને કલ્યાણને પ્રોત્સાહિત કરવાનો છે. આ સંમેલનમાં 100થી વધુ દેશોના નીતિનિર્માતાઓ, વૈજ્ઞાનિકો અને આરોગ્ય ક્ષેત્રના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ, તેમજ 5,000થી વધુ પ્રતિનિધિઓની ભાગીદારીની અપેક્ષા છે.
સંમેલનમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના સમન્વય સાથે આયુષ આહાર, હર્બલ ગાર્ડન, હિલ ઇન ઇન્ડિયા, યોગ ફ્યુસન પર આધારિત આયુષ એક્સ્પોનું આયોજન કરવામાં આવશે. ભારતની પ્રસિદ્ધ તથા મહત્તમ સંશોધિત ઔષધી વનસ્પતિ ‘અશ્વગંધા’ વિષયક વિશેષ સત્ર મુખ્ય આકર્ષણ રહેશે. આ ઉપરાંત 20થી વધુ દેશો સાથે પરંપરાગત ચિકિત્સાના વિકાસ પર કેન્દ્રિત દ્વિપક્ષીય બેઠકો યોજાશે જેમાં આ દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ ભાગ લેશે. સંમેલનમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને આધુનિક આરોગ્ય વ્યવસ્થામાં વૈજ્ઞાનિક પુરાવા આધારિત રીતે કેવી રીતે સંકલિત કરી શકાય, તે મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થશે.
આ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સમાં આયોજક સંસ્થાના વડા ડૉ. કિરણ વિનાયક કાલે, મદદનીશ નિયામક તેમજ અન્ય વરિષ્ઠ વૈજ્ઞાનિકોએ સંમેલનની તૈયારી અને કાર્યયોજનાના વિવિધ મુદ્દાઓ અંગે જાણકારી આપી હતી.
સંમેલનના અંતિમ દિવસે ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને WHOના ડાયરેક્ટર જનરલની ઉપસ્થિતિ અપેક્ષિત છે, જે આ વૈશ્વિક કાર્યક્રમને વિશેષ મહત્વ આપશે.
Matribhumi Samachar Gujarati

