Wednesday, January 28 2026 | 03:13:33 PM
Breaking News

‘ડાક સેવા–જન સેવા’ના મૂળ મંત્રને અનુરૂપ કાર્ય કરતાં ભારતીય ડાક વિભાગ દેશના દૂરના વિસ્તારો સુધી સેવાઓ પહોંચાડવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

Connect us on:

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં ડાક સેવાઓની સમીક્ષા કરીલક્ષ્યોની સમયબદ્ધ પ્રાપ્તિ પર ભાર મૂક્યો

ભારતીય ડાક વિભાગ ‘ડાક સેવા–જન સેવા’ના મૂળ મંત્રને અનુરૂપ કાર્ય કરતાં દેશના ગ્રામ્ય તેમજ દૂરના વિસ્તારો સુધી વિશ્વસનીય સેવાઓ પહોંચાડવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. નવીનતમ ટેકનોલોજી અને નવતર પહેલોના માધ્યમથી ડાક વિભાગ સમાજના તમામ વર્ગો સુધી પોતાની વ્યાપક પહોંચ સુનિશ્ચિત કરી રહ્યું છે. સુરક્ષિત રોકાણ વિકલ્પો અને આકર્ષક વ્યાજ દરોના કારણે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ આજે પણ સામાન્ય જનતા વચ્ચે અત્યંત લોકપ્રિય બની રહી છે. ઉપરોક્ત વિચાર ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે 15 ડિસેમ્બર, 2025ના રોજ ‘મેઘદૂતમ્’ સભાખંડ, પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદ ખાતે યોજાયેલી નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન અત્યાર સુધી થયેલ કાર્યોની સમીક્ષા બેઠક દરમિયાન વ્યક્ત કર્યા. આ બેઠકમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના વિવિધ મંડળોના અધ્યક્ષઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન ઉત્તર ગુજરાતના વિવિધ મંડળો  તથા પોસ્ટ ઓફિસમાં ટપાલ સેવાઓની શ્રેણીવાર સમીક્ષા કરવામાં આવી, જેમાં મેઇલ ઓપરેશન્સ, પાર્સલ, ઇન્ટરનેશનલ મેઇલ, સેવિંગ્સ બેંક, પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ તથા ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ, ફિલેટેલી તેમજ આધાર, પાસપોર્ટ જેવી નાગરિક કેન્દ્રિત સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો. સમીક્ષા દરમિયાન પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વર્તમાન નાણાકીય વર્ષમાં નક્કી કરાયેલા લક્ષ્યોની સમયબદ્ધ પ્રાપ્તિ તથા વ્યવસાયિક વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે નિષ્ઠા, ઉત્સાહ અને સમર્પણ સાથે કાર્ય કરવા માટે સૌને પ્રેરણા આપી.

સમીક્ષા બેઠક દરમિયાન વિવિધ મંડળોના અધિકારીઓએ પોત-પોતાના ક્ષેત્રોમાં કરવામાં આવી રહેલા કાર્યો અંગે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ સમક્ષ પ્રસ્તુતિ કરી, જેના પર વિસ્તૃત ચર્ચા તથા વિશ્લેષણ કરવામાં આવ્યું. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના ડાકઘરોમાં નાણાકીય સમાવેશ અંતર્ગત વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં અંદાજે 5.83 લાખ નવા બચત ખાતાં, 18,600 સુકન્યા સમૃદ્ધિ ખાતાં તેમજ 75,000 ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ખાતાં ખોલવામાં આવ્યા છે. પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સમાં 160 કરોડ રૂપિયા અને ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સમાં 34 કરોડ રૂપિયાની કુલ પ્રીમિયમ રકમ જમા થઈ છે. પોસ્ટલ કામગીરીથી 65 કરોડ રૂપિયાથી વધુની આવક પ્રાપ્ત થઈ છે. પોસ્ટ ઓફિસ મારફતે 1.97 લાખ લોકોએ આધાર સેવાઓનો લાભ લીધો છે અને 42,500 લોકોએ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર મારફતે પાસપોર્ટ બનાવડાવ્યા છે. ઘરબેઠાં 27,024 પેન્શનધારકોના ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં અત્યાર સુધીમાં 1002 ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’, 691 ગામોને ‘સંપૂર્ણ વીમા ગ્રામ’ તથા 227 ગામોને ‘સંપૂર્ણ બચત ગ્રામ’ તરીકે વિકસિત કરવામાં આવ્યા છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ડાક સેવાઓમાં સતત નવીનતા આવી રહી છે. પોસ્ટ ઓફિસ આધુનિક સેવાઓ અને ડિજિટલ પહેલોના માધ્યમથી નાગરિકોને વધુ સુવિધા અને લાભ પ્રદાન કરી રહ્યા છે. કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાજીના દૃષ્ટિકોણ અનુસાર ગુજરાતનું પ્રથમ જન-Z પોસ્ટ ઓફિસ આઈઆઈટી ગાંધીનગરમાં શરૂ કરવામાં આવ્યું છે, જેને યુવાનો તરફથી વિશેષ પ્રશંસા મળી છે. પોસ્ટ ઓફિસમાં એડવાન્સ્ડ પોસ્ટલ ટેક્નોલોજી શરૂ થતાં ડિજિટલ ચુકવણીમાં નોંધપાત્ર વધારો થયો છે, જે ‘ડિજિટલ ઈન્ડિયા’ અને ‘કેશલેસ ઇકોનોમી’ની કલ્પનાને આગળ વધારવામાં સહાયક છે. ઉપરાંત, ઇન્ડિયા પોસ્ટ અને ઓએનડીસી (ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ) માયસ્ટોરે સમગ્ર દેશમાં પાર્સલ પેકેજિંગ, બુકિંગ અને ડિલિવરી સેવાઓમાં ક્રાંતિ લાવવા માટે ભાગીદારી કરી છે. તેના અંતર્ગત અમદાવાદ જીપીઓમાં પાયલોટ ધોરણે નાના ઉત્પાદકો અને સોશિયલ સેલર્સ માટે નિઃશુલ્ક વેરહાઉસિંગની સુવિધા આપવામાં આવી રહી છે. ડિજિટલીકરણના આ યુગમાં સ્પીડ પોસ્ટ અને પાર્સલ સેવાઓ હવે રિયલ-ટાઈમ ટ્રેકિંગ તથા ઓટીપી આધારિત ડિલિવરી સાથે વધુ સુરક્ષિત, સ્માર્ટ અને નાગરિક-મૈત્રીપૂર્ણ બની ગઈ છે. વિદ્યાર્થીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પુસ્તકો અને અભ્યાસ સામગ્રી ઓછી કિંમતમાં મોકલવા માટે ‘જ્ઞાન પોસ્ટ સેવા’ શરૂ કરવામાં આવી છે, તેમજ તેમને સ્પીડ પોસ્ટ પર 10% વિશેષ છૂટ પણ આપવામાં આવી રહી છે. પોસ્ટ ઓફિસમાં પિકઅપ એન્ડ ઇન્ડક્શન, પાર્સલ પેકેજિંગ સેવા અને ડિજિટલ ચુકવણી જેવી ગ્રાહક-મૈત્રીપૂર્ણ સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ડાક સેવાઓમાં નવીનતા સાથે તેની કાર્યક્ષમતા અને પહોંચ વધારવા, નાણાકીય સમાવેશ, ડિજિટલીકરણ, પાર્સલ, સ્પીડ પોસ્ટ, આંતરરાષ્ટ્રીય મેઇલ તથા નાગરિક-કેન્દ્રિત સેવાઓને પ્રોત્સાહન આપવા, પ્રૌદ્યોગિકીનું એકીકરણ કરવા અને માર્કેટિંગ વ્યૂહરચનાને વધુ મજબૂત બનાવવા પર ખાસ ભાર મૂક્યો.

આ બેઠકમાં પ્રવર અધિક્ષક અમદાવાદ સિટી મંડળ શ્રી ચિરાગ મેહતા, પ્રવર અધિક્ષક રેલ ડાક સેવા શ્રી પીયૂષ રજક, પ્રવર અધિક્ષક ગાંધીનગર મંડળ શ્રી શિશિર કુમાર, અમદાવાદ જીપીઓના સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી અલ્પેશ આર. શાહ, અધિક્ષક સાબરકાંઠા મંડળ સુશ્રી મંજુલાબેન પટેલ, અધિક્ષક પાટણ મંડળ શ્રી એચ.સી. પરમાર, અધિક્ષક બનાસકાંઠા મંડળ શ્રી આર. એ. ગોસ્વામી, સહાયક નિદેશક શ્રી વારિસ વહોરા, શ્રી એમ. એમ. શેખ, શ્રી રિતુલ ગાંધી, સહાયક અધિક્ષક શ્રી રમેશ પટેલ, શ્રી ભાવિન પ્રજાપતિ, નિરીક્ષક સુશ્રી પાયલ પટેલ સહિત તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

About Matribhumi Samachar

Check Also

ડાક વિભાગે ઉજવ્યો 77મો ગણતંત્ર દિવસ, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ગાંધીનગર મુખ્ય ડાકઘર માં ફરકાવ્યો રાષ્ટ્રીય ધ્વજ

77મો ગણતંત્ર દિવસ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના બધા જ ડાકઘરોમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને ઉત્સાહપૂર્વક ઉજવાયો. આ …