‘સરકારી સેવાઓ તમારા દ્વારે’ હેઠળ ડાક ચોપાલ ખાતે નાગરિક-કેન્દ્રિત સેવાઓ થશે ઉપલબ્ધ – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ
ભારતીય ડાક વિભાગ દ્વારા 26 જાન્યુઆરી, 2025 ના રોજ ગુજરાત પરિમંડલમાં 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં દરેક પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્ર દવજ ફરકાવવાની સાથે ‘ડાક ચોપાલ’નું પણ આયોજન કરવામાં આવશે. અમદાવાદના ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ પહેલનો ઉદ્દેશ્ય સમાજના છેવાડાના વર્ગ સુધી આવશ્યક સરકારી અને નાગરિક-કેન્દ્રિત સેવાઓ પહોંચાડવાનો છે, જેનો લાભ ગુજરાતના લોકો અને તમામ લાભાર્થીઓને મળશે. કેન્દ્રીય સેવાઓની સાથે, રાજ્ય કક્ષાની વિવિધ સામાજિક અને કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ એક છત નીચે મળી શકશે. ‘સરકારી સેવાઓ તમારા દ્વારે’ હેઠળ, નાણાકીય સેવાઓ, વીમા, પેમેન્ટ બેંક સેવાઓ, ડીબીટી, ઈ-કોમર્સ અને નિકાસ સેવાઓ સહિત તમામ નાગરિક-કેન્દ્રિત સેવાઓ વિશે જાગૃતિ ફેલાવીને લોકોને લાભ આપવામાં આવશે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે પોસ્ટ ઓફિસો હવે ફક્ત પરંપરાગત ડાક સેવાઓ પૂરી પાડવા પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણમાં એક મહત્વપૂર્ણ કડી પણ બની ગઈ છે. ડાક વિભાગે તેના કાર્યોનો વિસ્તાર કર્યો છે અને ડિજિટલ માધ્યમો દ્વારા તેની સેવાઓને વધુ સુલભ બનાવી છે. આવી સ્થિતિમાં, ગણતંત્ર દિવસના શુભ અવસર પર, સમાજના છેવાડાના વ્યક્તિ સુધી ડિજિટલ ઇન્ડિયા, નાણાકીય સમાવેશ અને અંત્યોદયની સંકલ્પના સાથે જોડવા માટે ગુજરાતના વિવિધ સ્થળોએ ડાક ચોપાલનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ નાગરિકોને સરકારી યોજનાઓ સાથે સીધા જોડવાનો એક અસરકારક માર્ગ સાબિત થશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે બદલાતા વાતાવરણમાં ડાક સેવાઓની બદલાતી ભૂમિકા પર પ્રકાશ પાડતા જણાવ્યું કે પત્રો અને પાર્સલ ઉપરાંત, ડાક વિભાગ બચત બેંક, પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, પાસપોર્ટ સેવા કેન્દ્ર, આધાર નોંધણી અને અપડેટ, કોમન સર્વિસ સેન્ટર, ડાક ઘર નિર્યાત કેન્દ્ર જેવા ઘણા જનમુખી કાર્યો કરવામાં આવી રહ્યા છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા, પોસ્ટમેન આજે મોબાઇલ બેંક તરીકે કાર્ય કરી રહ્યા છે. CELC હેઠળ, ઘરે બેઠા બાળકો માટે આધાર કાર્ડ બનાવવું, મોબાઇલ અપડેટ, ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ, DBT, બિલ ચુકવણી, AEPS દ્વારા બેંક ખાતામાંથી ચુકવણી, વાહન વીમો, આરોગ્ય વીમો, અકસ્માત વીમો, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વગેરે જેવી વિવિધ સેવાઓનો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા પોસ્ટમેનના માધ્યમથી ઘરે બેઠા પૂરી પાડવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત પોસ્ટલ સર્કલ હેઠળ કુલ ૮,૮૮૮ પોસ્ટ ઓફિસનો સમાવેશ થાય છે. તેમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદ માં ૨,૨૬૨ પોસ્ટ ઓફીસો, દક્ષિણ ગુજરાત પરિક્ષેત્ર, વડોદરા માં ૩,૬૨૯ પોસ્ટ ઓફિસો અને સૌરાષ્ટ્ર-કચ્છ પરિક્ષેત્ર, રાજકોટ માં ૨,૯૯૭ પોસ્ટ ઓફિસો આવેલી છે. ડાક ચોપાલ દ્વારા આટલા વ્યાપક સ્તરે, લોકો સરકારી યોજનાઓ સાથે સીધા જોડાઈ શકશે અને તેમની જરૂરિયાતો મુજબ માહિતી મેળવી શકશે.
Matribhumi Samachar Gujarati


