પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બરના રોજ આંધ્રપ્રદેશ અને તમિલનાડુની મુલાકાત લેશે.
સવારે લગભગ 10:00 વાગ્યે, પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશના પુટ્ટપર્થી ખાતે ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના પવિત્ર મંદિર અને મહાસમાધિની મુલાકાત લઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. સવારે લગભગ 10:30 વાગ્યે, પ્રધાનમંત્રી ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના જીવન, ઉપદેશો અને શાશ્વત વારસાને સમર્પિત એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટોનો સેટ બહાર પાડશે. તેઓ આ કાર્યક્રમ દરમિયાન સભાને પણ સંબોધિત કરશે.
ત્યારબાદ, પ્રધાનમંત્રી તમિલનાડુના કોઈમ્બતુર જશે, જ્યાં તેઓ બપોરે 1:30 વાગ્યે દક્ષિણ ભારત પ્રાકૃતિક કૃષિ સમિટ 2025નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી દેશભરના 9 કરોડ ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે ₹18,000 કરોડથી વધુના PM-KISANના 21મા હપ્તાનું અનાવરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સભાને પણ સંબોધિત કરશે.
19 થી 21 નવેમ્બર, 2025 દરમિયાન યોજાનારી દક્ષિણ ભારત પ્રાકૃતિક કૃષિ સમિટ 2025નું આયોજન તમિલનાડુ પ્રાકૃતિક ખેતી હિતકારક ફોરમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સમિટનો ઉદ્દેશ્ય ટકાઉ, પર્યાવરણને અનુકૂળ અને રસાયણમુક્ત કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો અને ભારતના કૃષિ ભવિષ્ય માટે એક વ્યવહારુ, જળવાયુ-અનુકુળ અને આર્થિક રીતે ટકાઉ મોડેલ તરીકે કુદરતી અને પુનર્જીવિત ખેતી તરફના પરિવર્તનને વેગ આપવાનો છે.
આ સમિટ ખેડૂત-ઉત્પાદક સંગઠનો અને ગ્રામીણ ઉદ્યોગસાહસિકો માટે બજાર જોડાણો બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે, તેમજ ઓર્ગેનિક ઇનપુટ્સ, કૃષિ-પ્રક્રિયા, પર્યાવરણને અનુકૂળ પેકેજિંગ અને સ્વદેશી તકનીકોમાં નવીનતાઓ પ્રદર્શિત કરશે. આ કાર્યક્રમમાં તમિલનાડુ, પુડુચેરી, કેરળ, તેલંગાણા, કર્ણાટક અને આંધ્રપ્રદેશના 50,000થી વધુ ખેડૂતો, પ્રાકૃતિક ખેતીના વ્યવસાયિકો, વૈજ્ઞાનિકો, ઓર્ગેનિક ઇનપુટ સપ્લાયર્સ, વિક્રેતાઓ અને હિસ્સેદારો ભાગ લેશે.
Matribhumi Samachar Gujarati

