Saturday, January 10 2026 | 11:57:12 PM
Breaking News

ભાવનગર ખાતે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરાઈ

Connect us on:

“એક પૃથ્વી- એક સ્વાસ્થ્ય માટે યોગ‌” થીમ હેઠળ‌ ભાવનગરમાં આજે 11માં  આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સિદસર રોડ પર આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. જેમા વિશાળ સંખ્યામાં ભાવેણાવાસીઓએ યોગાભ્યાસ કર્યો‌ હતો.

આ પ્રસંગે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, 21મી જૂનના દિવસે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે વિશાખાપટ્ટનમ ખાતે યોગ દિવસની ઉજવણી કરીને સમગ્ર વિશ્વને યોગ તરફ વળવા આહવાન કર્યું છે ત્યારે ભાવેણા સહિત આપણું ગુજરાત અને દેશ આજે યોગમય બન્યા છે. આજે વિશ્વમાં લાખો લોકો યોગની ઉજવણીમાં સહભાગી બન્યા છે. તેમણે ઉમેર્યુ કે,  ભાવનગર જિલ્લામાં અંદાજે 2 લાખ‌ જેટલા નાગરિકોએ યોગ કરીને યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા છે. દેશભરમાં અંદાજે 10‌ લાખ જેટલી વિવિધ જગ્યાઓએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું કે, યોગ લોકોને આરોગ્યપ્રદ જીવનશૈલીની પ્રેરણા પૂરી પાડે છે. આપણે સૌ નિયમિત યોગાભ્યાસ થકી જીવનને સાર્થક બનાવવા સંકલ્પબદ્ધ બનીએ. આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યોગની ઉજવણીના ભાગરૂપે મેદસ્વિતા મુક્ત ગુજરાત બંને તેનું આહ્વાન કર્યું છે. “યોગ મટાડે રોગ” આ‌ સૂત્રને સાકાર કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રોજિંદા જીવનમાં યોગને અપનાવવા, સ્વસ્થ રહેવા અને ભારત દેશને મેદસ્વિતા મુક્ત બનાવવવા અનુરોધ કર્યો‌ હતો.

આ વેળાએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રચારક શ્રી જિજ્ઞેશભાઇ પટેલે વિવિધ આસનો અને પ્રાણાયામનું નિદર્શન કરી યોગ કરાવ્યાં હતાં. રોજિંદા જીવનમાં યોગ અપનાવવામાં આવે તો યોગી, નિરોગી બનવાની સાથે પ્રેરણાત્મક ઉર્જા મળતી હોવાનું તેમણે જણાવ્યું હતું.

યોગ દિવસની ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશાખાપટ્ટનમ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગર ખાતે યોગાભ્યાસમાં સામેલ થઈ પ્રવચન કર્યા હતા. જેનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌ લોકોએ નિહાળ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી ડૉ.મનિષ કુમાર બંસલ, રિજિયોનલ કમિશ્નર શ્રી ડી. એમ. સોલંકી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. હર્ષદ પટેલ, મદદનીશ કલેકટર શ્રી પ્રતિભા દહીયા, નિવાસી અધિક કલેકટરશ્રી એન. ડી. ગોવાણી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વિક્રમસિંહ પરમાર, બહેરા-મૂંગા શાળા દિવ્યાંગ બાળકો, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, મેડીકલ એસોસિએશન, અધિકારીઓ-કર્મચારીઓ, યોગ ટ્રેનરો, યોગ પ્રેમીઓ સહિત વિશાળ સંખ્યામાં ભાવેણાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

About Matribhumi Samachar

Check Also

NBAએ રેડ સેન્ડર્સના ખેડૂતોને ₹45 લાખ આપ્યા, જેનાથી તેમની આવક બમણી થઈ અને રેડ સેન્ડર્સના ટકાઉ ઉપયોગને પ્રોત્સાહન મળ્યું

NBAએ રેડ સેન્ડર્સના ખેડૂતોને ₹45 લાખનું વિતરણ કર્યું, જેનાથી બેવડી આવક શક્ય બની અને રાષ્ટ્રીય જૈવવિવિધતા …