
આજના ઝડપી ગતિના યુગમાં, જ્યાં સંવાદના મોટાભાગના સાધનો ડિજિટલ પ્લેટફોર્મ સુધી સીમિત થઈ ગયા છે, ત્યાં પણ પત્રલેખનની પરંપરા આજે પણ પોતાની પ્રાસંગિકતા અને ગૌરવ જાળવી રાખે છે. હાથથી લખાયેલ પત્ર મનની ઊંડાઈમાંથી નીકળેલી લાગણીઓને જીવંત સ્વરૂપે રજૂ કરે છે અને વાચકના હૃદય સાથે સીધો સંવાદ સ્થાપે છે. ઉપરોક્ત વિચાર ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ‘યુનિવર્સલ પોસ્ટલ યુનિયન આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધા–2025’ની વિજેતા વિદ્યાર્થીનીને સન્માનિત કરતી વખતે વ્યક્ત કર્યા. આ પ્રસંગે અમદાવાદ સ્થિત એચ.બી. કાપડિયા પ્રાથમિક શાળાની ધોરણ 8ની વિદ્યાર્થીની વિશ્વાબા એ. વાઘેલાને સમગ્ર ગુજરાત પરિમંડળમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરવા બદલ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા રૂપિયા 5,000/- નો ચેક તથા પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે યુનિવર્સલ પોસ્ટલ યુનિયન દ્વારા “કલ્પના કરો કે તમે સમુદ્ર છો. કોઈને પત્ર લખીને સમજાવો કે તમારું યોગ્ય સંરક્ષણ કેમ અને કેવી રીતે કરવું જોઈએ” વિષય પર આયોજિત આ આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધામાં ગુજરાત પરિમંડળના વિવિધ શાળાઓના કુલ 995 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગુજરાત પરિમંડળમાં વડોદરા પરિક્ષેત્રના પ્રાંજલ પી. અગ્રવાલે પ્રથમ સ્થાન, રાજકોટ પરિક્ષેત્રની એરફોર્સ સ્કૂલ, જામનગરની સોનલ આર. ડેરે દ્વિતીય સ્થાન અને અમદાવાદ મુખ્યાલય પરિક્ષેત્રની એચ.બી. કાપડિયા પ્રાથમિક શાળા, અમદાવાદની વિશ્વાબા એ. વાઘેલાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત આ સ્પર્ધા માત્ર બાળકોની સર્જનાત્મકતા અને લેખન ક્ષમતાને પ્રોત્સાહન આપવાનું માધ્યમ બની નથી, પરંતુ તેમના અંદર પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ અને સંવેદનશીલતા વિકસાવવામાં પણ સહાયક સાબિત થઈ છે. બાળકોએ પોતાના પત્રો દ્વારા સમુદ્ર સંરક્ષણ, પર્યાવરણીય સંતુલન અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો સશક્ત સંદેશ આપ્યો છે. યુનિવર્સલ પોસ્ટલ યુનિયન તથા ભારતીય ડાક વિભાગ દ્વારા આયોજિત આ પહેલ યુવાનોને ખાસ કરીને જેન-Z ને સામાજિક અને વૈશ્વિક વિષયો પર વિચાર કરવા તથા પત્રલેખન દ્વારા પોતાની ભાવનાઓ અભિવ્યક્ત કરવા માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરો પાડે છે. આ સ્પર્ધા તેમને પોતાના વિચારોને સર્જનાત્મક, સંવેદનશીલ અને અસરકારક શબ્દોમાં રજૂ કરવાની એક સુવર્ણ તક પ્રદાન કરે છે.
અમદાવાદ જીપીઓના સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી અલ્પેશ શાહે જણાવ્યું કે ભારતીય ડાક વિભાગ દ્વારા દર વર્ષે 9 થી 15 વર્ષના બાળકો માટે ‘યુનિવર્સલ પોસ્ટલ યુનિયન આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધા’નું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધામાં રાજ્ય અથવા પરિમંડળ સ્તરે પસંદ થયેલા શ્રેષ્ઠ ત્રણ પ્રતિભાશાળી પ્રતિભાગીઓને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય પુરસ્કાર તરીકે રૂપિયા 25,000/-, રૂપિયા 10,000/- અને રૂપિયા 5,000/-ની ઈનામ રકમ પ્રમાણપત્ર સાથે પ્રદાન કરવામાં આવે છે.
આ પ્રસંગે અમદાવાદ જીપીઓના સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી અલ્પેશ આર. શાહ, સહાયક નિદેશક શ્રી વી.એમ. વહોરા, શ્રી એમ.એમ. શેખ, શ્રી રિતુલ ગાંધી, સહાયક અધિક્ષક શ્રી જિનેશ પટેલ, શ્રી રમેશ પટેલ, શ્રી રોનક શાહ, શ્રી ભાવિન પ્રજાપતિ, સહાયક લેખા અધિકારી શ્રી રામસ્વરૂપ મંગાવા, નિરીક્ષિક સુશ્રી પાયલ પટેલ, યોગેન્દ્ર રાઠોડ, દિક્ષિત રામી સહિત અનેક અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.
Matribhumi Samachar Gujarati

