ભારતીય માનક બ્યૂરો (BIS)એ સુરતના પલસાણા-હઝીરા હાઈવે પર આવેલી મેસર્સ પ્યોરલુબ પેટ્રોકેમ પર 28 જુલાઈ, 2025ના રોજ દરોડો પાડી, ISI માર્ક વિના ડીઝલ એન્જિન NOx રિડક્શન એજન્ટ AUS32નું ઉત્પાદન અને વેચાણ કરવા બદલ કાર્યવાહી કરી છે.
દરોડા દરમિયાન, BIS અધિકારીઓએ કંપની પાસેથી 3,220 લિટર ડીઝલ એન્જિન- NOx રિડક્શન એજન્ટ AUS 32 જપ્ત કર્યું હતું. મેસર્સ પ્યોરલુબ પેટ્રોકેમ પાસે આ ઉત્પાદન માટે BIS લાઇસન્સ ન હતું. ભારત સરકારના રસાયણ અને ઉર્વરક મંત્રાલયના S.O. 922 (E) તારીખ 26.02.2024ના નિર્દેશ મુજબ, ડીઝલ એન્જિન-NOx રિડક્શન એજન્ટ AUS 32 માટે ISI માર્ક ફરજિયાત કરવામાં આવ્યો છે. જેનો અર્થ એ છે કે કોઈપણ ઉત્પાદક કે વેપારી માન્ય લાઇસન્સ વિના ISI માર્કવાળા AUS32નું ઉત્પાદન, વેચાણ અથવા સંગ્રહ કરી શકશે નહીં.
આ પ્રકારનું કૃત્ય ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17નું ઉલ્લંઘન ગણાય છે. આ એક દંડનીય અપરાધ છે, જેમાં બે વર્ષ સુધીની જેલ અથવા ઓછામાં ઓછા ₹ 2,00,000/- નો આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

BIS દ્વારા જણાવાયું છે કે ઘણા ઉત્પાદકો સામાન્ય જનતાને છેતરવા માટે માન્ય લાઇસન્સ વિના ISI માર્કવાળા ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. આવા ISI માર્કના દુરુપયોગથી થતી છેતરપિંડી અને સંભવિત સુરક્ષા જોખમોથી લોકોને બચાવવા માટે BIS દ્વારા સમયાંતરે દરોડા પાડવામાં આવે છે.
જો કોઈ વ્યક્તિ પાસે ભારતીય માનક બ્યૂરોના માનકચિહ્નના દુરુપયોગની અથવા ફરજિયાત પ્રમાણન હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈ માહિતી હોય, તો તેઓને પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, સુરત શાખા કાર્યાલય, પ્રથમ માળ, દૂરસંચાર ભવન, કરીમાબાદ એડમીન બિલ્ડિંગ, ઘોડ દોડ રોડ, સુરત – 395001. ફોન: 0261 – 2990071. ઇમેઇલ: [email protected] અથવા [email protected] પર ઇ-મેઇલ દ્વારા ફરિયાદ કરી શકે છે:
આ પ્રકારની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
આ પ્રકારના દરોડા ગ્રાહકોના હિતનું રક્ષણ કરવા અને બજારમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનો ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે મહત્ત્વપૂર્ણ છે.
Matribhumi Samachar Gujarati

