Thursday, January 29 2026 | 10:43:30 AM
Breaking News

ઉપરાષ્ટ્રપતિએ પુડુચેરીમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના વારસાને જાળવી રાખવા અને ભવિષ્યની પેઢીઓને આપવાના મહત્વ પર ભાર મૂક્યો

Connect us on:

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને પુડુચેરીમાં એક નાગરિક સ્વાગત સમારોહને સંબોધિત કર્યો હતો અને સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ હાઉસિંગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, જે દરમિયાન તેમણે લાભાર્થીઓને 216 નવા બંધાયેલા આવાસોની ચાવીઓ સોંપી હતી, જે સર્વસમાવેશક અને ટકાઉ શહેરી વિકાસ માટે ભારત સરકારની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે.

આ નાગરિક સ્વાગત સમારોહ પુડુચેરી સિટિઝન્સ ફોરમના સભ્યો, ધાર્મિક નેતાઓ અને હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, વાણિજ્ય અને કારીગર સંગઠનો, બાર કાઉન્સિલ અને હોટેલ એસોસિએશનના પ્રતિનિધિઓ સહિત પુડુચેરીની વિવિધ સંસ્થાઓ દ્વારા ઉપરાષ્ટ્રપતિની પદ સંભાળ્યા પછીની પ્રથમ મુલાકાત નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે તેમણે અગાઉ પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે સેવા આપી હતી.

જનમેદનીને સંબોધતા, ઉપરાષ્ટ્રપતિએ લેફ્ટનન્ટ ગવર્નર તરીકેના તેમના અગાઉના કાર્યકાળને યાદ કર્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને અનન્ય સભ્યતા, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતી ભૂમિ ગણાવી હતી. અરિકામેડુના પ્રાચીન બંદરનો ઉલ્લેખ કરતા, જે રોમન વિશ્વ સાથે ભારતના દરિયાઈ સંપર્કોને પ્રતિબિંબિત કરે છે, તેમણે નોંધ્યું કે પુડુચેરી હંમેશા એક જીવંત સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિશ્વ માટે ખુલ્લું રહ્યું છે.

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને યાદ કરતા, શ્રી સી. પી. રાધાકૃષ્ણને ઐતિહાસિક કીઝૂર લોકમતનો ઉલ્લેખ કર્યો, જ્યાં જંગી બહુમતીએ પુડુચેરીના ભારતમાં વિલીનીકરણની તરફેણમાં મતદાન કર્યું હતું, જે લોકોની ગાઢ દેશભક્તિ અને સ્વતંત્રતા માટેની ઝંખનાને પ્રતિબિંબિત કરે છે. તેમણે સ્વાતંત્ર્ય સેનાનીઓના વારસાને જાળવી રાખવાની અને ભવિષ્યની પેઢીઓને આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

હાઉસિંગ પ્રોજેક્ટ વહેલો પૂરો થવા બદલ સંતોષ વ્યક્ત કરતા ઉપરાષ્ટ્રપતિએ અવલોકન કર્યું કે ઘર એ માત્ર ભૌતિક માળખું નથી, પરંતુ પરિવારો માટે ગૌરવ, સુરક્ષા અને સારા ભવિષ્યનો સ્ત્રોત છે. લેફ્ટનન્ટ ગવર્નર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમના દ્વારા આ પ્રોજેક્ટનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ઉપરાષ્ટ્રપતિએ કુમારાગુરુ પલ્લમ સાઇટ પર સોંપવામાં આવેલા મકાનોની મુલાકાત પણ લીધી હતી અને લાભાર્થી સાથે વાતચીત કરી હતી, જેમણે પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવા બદલ તેમનો આભાર માન્યો હતો.

ભારત સરકારની કલ્યાણકારી પહેલો પર પ્રકાશ પાડતા, ઉપરાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને પીએમ-કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓનો ઉલ્લેખ કર્યો અને નોંધ્યું કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મિકેનિઝમ દ્વારા પારદર્શિતા અને સહાયની અસરકારક ડિલિવરી સુનિશ્ચિત કરવામાં આવી છે.

તેમણે “સૌ માટે આવાસ” ના મિશન માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વની પ્રશંસા કરી અને પ્રોજેક્ટના અસરકારક અમલીકરણમાં પુડુચેરી સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

ત્યારબાદ, ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને પુડુચેરીમાં પેટિટ સેમિનારે સીબીએસઈ (CBSE) સ્કૂલના સિનિયર સેકન્ડરી બ્લોકનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે સંસ્થાના તેના 181 વર્ષ જૂના વારસા પર બનેલા સર્વગ્રાહી શિક્ષણ અને મૂલ્ય-આધારિત શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી.

શિક્ષણને એકમાત્ર અવિનાશી સંપત્તિ તરીકે દર્શાવતા, ઉપરાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને ગહનતા, પ્રામાણિકતા અને સામાજિક જવાબદારી સાથે જ્ઞાન પ્રાપ્ત કરવા વિનંતી કરી હતી. તેમણે અવલોકન કર્યું કે વિકસિત ભારત @2047 માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા નહીં, પરંતુ જ્ઞાન, ચરિત્ર અને સામાજિક જવાબદારીના એકીકરણ દ્વારા નિર્મિત થશે.

તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રજૂ કરાયેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ની પરિવર્તનકારી અસર પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેણે ભારતની શિક્ષણ પ્રણાલીને ગોખણીયા જ્ઞાનથી દૂર કરી ટીકાત્મક વિચારસરણી, સર્જનાત્મકતા અને સર્વગ્રાહી વિકાસ તરફ વાળી છે.

દિવસના ઉત્તરાર્ધમાં, શ્રી સી. પી. રાધાકૃષ્ણને પુડુચેરીમાં ભારતીયાર મેમોરિયલ ખાતે મહાકવિ સુબ્રમણ્યમ ભારતીયારની પ્રતિમાનું અનાવરણ કર્યું અને આ મહાન કવિને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી જેમણે નિર્ભય શબ્દો, ક્રાંતિકારી વિચારો અને તમિલ તથા ભારત માટેના અસીમ પ્રેમથી રાષ્ટ્રને જાગૃત કર્યું હતું.

હૃદયથી આનંદ વ્યક્ત કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે જે ધરતી પર મહાકવિ સુબ્રમણ્યમ ભારતી મુક્ત વિચાર અને સર્જનાત્મક તેજ સાથે લગભગ એક દાયકા સુધી રહ્યા હતા, તે જ ભૂમિ પર તેમની પ્રતિમાનું અનાવરણ કરવું એ ખૂબ જ ગૌરવની વાત છે. તેમણે નોંધ્યું કે પુડુચેરીમાં ભારતીયારના વર્ષો, જે ઊંડી દાર્શનિક પૂછપરછ અને જ્ઞાનની શોધ દ્વારા ચિહ્નિત થયેલ છે, તે આધુનિક તમિલ સાહિત્યના સુવર્ણ યુગ તરીકે વ્યાપકપણે ગણાય છે.

આ કાર્યક્રમમાં પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તિરુ કે. કૈલાશનાથન; મુખ્યમંત્રી તિરુ એન. રંગસામી; લોક પ્રતિનિધિઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

About Matribhumi Samachar

Check Also

ડાક વિભાગે ઉજવ્યો 77મો ગણતંત્ર દિવસ, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ગાંધીનગર મુખ્ય ડાકઘર માં ફરકાવ્યો રાષ્ટ્રીય ધ્વજ

77મો ગણતંત્ર દિવસ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના બધા જ ડાકઘરોમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને ઉત્સાહપૂર્વક ઉજવાયો. આ …