કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નવા વર્ષના પહેલા દિવસે પોતાના બંને મંત્રાલયોના અધિકારીઓને સંકલ્પ લેવડાવ્યા, તેની સાથે જ નવું વર્ષ 2026 કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રાલયો માટે નવી ઊર્જા અને સંકલ્પ સાથે શરૂ થયું.
કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે મંત્રાલયોના તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના આહ્વાન મુજબ “સરકાર ફાઈલોમાં નહીં, જનતાની લાઈફમાં દેખાવી જોઈએ” ના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. શ્રી ચૌહાણે કહ્યું કે દેશની 70 ટકાથી વધુ વસ્તી કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રાલયો સાથે જોડાયેલી છે, તેથી આપણું દરેક પગલું ખેડૂતો અને ગ્રામીણ લોકોના કલ્યાણ માટે હોવું જોઈએ. તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યા કે ટીમ ભાવનાથી કામ કરીને સાપ્તાહિક લક્ષ્યાંકો નક્કી કરો અને આખા વર્ષની કાર્ય યોજના પણ તૈયાર કરો, જેથી કામમાં ઝડપ અને પરિણામોમાં સ્પષ્ટતા લાવી શકાય.

કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે કહ્યું કે પ્રધાનમંત્રીજીએ સુધારાની જે દિશા આપી છે, તેને અનુરૂપ પ્રક્રિયાઓનું સરળીકરણ કરીને જનતાને રાહત આપવી એ મંત્રાલયની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. તેમણે અધિકારીઓને કહ્યું કે એવી કાર્યપ્રણાલી અપનાવવામાં આવે, જેથી કોઈપણ વ્યક્તિને પોતાના કામ માટે વિભાગોના ધક્કા ખાવા ન પડે.
શ્રી ચૌહાણે કહ્યું કે ભારતની વિચારધારા આદર્શ અને ઉન્નત છે- પ્રધાનમંત્રીજીએ ગુલામીના અંશોને ભૂંસી નાખવાનું જે આહ્વાન કર્યું છે, તે જ ભાવનાથી ગ્રામીણ ભારતને વિકસિત કરવામાં આવશે. તેમણે અધિકારીઓને કહ્યું કે સીડ એક્ટ અને પેસ્ટિસાઇડ એક્ટની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવે જેથી સંસદ સત્રમાં આ બિલો રજૂ કરી શકાય અને ખેડૂતોને સીધી રાહત મળે.
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહે એવા પણ નિર્દેશ આપ્યા કે યોજનાઓની રકમ જાહેર કરતા પહેલા રાજ્યો સાથે સંપૂર્ણ વિચાર-વિમર્શ કરવામાં આવે, જેથી પારદર્શિતા અને સાચો ઉપયોગ સુનિશ્ચિત થઈ શકે. રાજ્યોના કૃષિ વિકાસ માટે સમયબદ્ધ રોડમેપ તૈયાર કરવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા હતા.
શ્રી ચૌહાણે “વિકસિત ભારત – જી રામ રામ જી” યોજના હેઠળ આદર્શ ગામોના વિકાસ પર ભાર મૂકતા કહ્યું કે ગ્રામીણ ભારતના સર્વોત્તમ વિકાસ કાર્યો હવે દેશ માટે પ્રેરણાસ્ત્રોત બનશે. તેમણે કહ્યું કે કૃષિ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં સ્વસ્થ સ્પર્ધા વિકસાવવામાં આવે તથા ICAR એ આ વર્ષથી ગ્રેડિંગ સિસ્ટમ લાગુ કરવી જોઈએ, જેનાથી શ્રેષ્ઠતાની ભાવનાને પ્રોત્સાહન મળે.
કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓને આહ્વાન કર્યું કે તેઓ નવા વર્ષમાં દ્રઢ સંકલ્પ અને લક્ષ્યબદ્ધ દ્રષ્ટિકોણ સાથે કાર્ય કરે, જેથી ખેડૂતો અને ગ્રામીણ લોકોના જીવનમાં વાસ્તવિક પરિવર્તન લાવી શકાય.
Matribhumi Samachar Gujarati

