Tuesday, January 13 2026 | 10:11:03 AM
Breaking News

અમદાવાદના પ્રથમ નવિનીકૃત એન-જેન (નેક્સ્ટ જેન) થીમ આધારિત ડાકઘરનું આઈ.આઈ.એમ. ખાતે ઉદ્ઘાટન

Connect us on:

ભારતીય ડાક ડિજિટલ વિચારસરણી, આધુનિક સુવિધાઓ અને યુવા ઊર્જા સાથે નવા ભારતની ગતિ સાથે પગલાં મિલાવી આગળ વધી રહ્યું છે. પરંપરાગત ડાક સેવાઓથી આગળ વધી હવે પોસ્ટ ઓફિસો એન-જેન (નેક્સ્ટ જેન) માટે સ્માર્ટ અને આધુનિક સેવા કેન્દ્ર તરીકે વિકસિત થઈ રહી છે. કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાના દૃષ્ટિકોણથી પ્રેરિત આ પહેલ હેઠળ પોસ્ટ ઓફિસોને જીવંત, વિદ્યાર્થી-કેન્દ્રિત અને પ્રૌદ્યોગિકી-સક્ષમ સ્થળો તરીકે પુનઃકલ્પિત કરવામાં આવી રહી છે. આ જ શ્રેણીમાં, ગુજરાતનું દ્વિતીય અને અમદાવાદનું પ્રથમ એન-જેન (નેક્સ્ટ જેન) થીમ આધારિત નવિનીકૃત આઈ.આઈ.એમ. પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન તારીખ 2 જાન્યુઆરી, 2026ના રોજ ગુજરાત પરિમંડળના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકર, આઈ.આઈ.એમ. અમદાવાદના નિદેશક પ્રો. ભારત ભાસ્કર તથા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યું.

આ અવસરે મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકરે જણાવ્યું કે આઈ.આઈ.એમ. અમદાવાદ પોસ્ટ ઓફિસને નવી પેઢી (એન-જેન)ની જીવનશૈલી, રસ અને અપેક્ષાઓને અનુરૂપ ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે, જેના પરિણામે તે એક જીવંત હેંગઆઉટ-કમ-સેવા કેન્દ્ર તરીકે વિકસ્યું છે. શાનદાર, આકર્ષક અને યુવા-કેન્દ્રિત દેખાવ અને અનુભૂતિ સાથે તૈયાર કરવામાં આવેલું આ એન-જેન પોસ્ટ ઓફિસ જાહેર સેવા વિતરણ પ્રણાલીમાં એક પરિવર્તનકારી છલાંગ દર્શાવે છે, જે ખાસ કરીને વિદ્યાર્થીઓ, યુવાઓ અને ડિજિટલ નેટિવ્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.

આઈ.આઈ.એમ. અમદાવાદના નિદેશક પ્રો. ભારત ભાસ્કરે ડાક વિભાગની એન-જેન પોસ્ટ ઓફિસ પહેલને દુરદર્શી અને સમયોચિત પગલું ગણાવી તેની પ્રશંસા કરી. તેમણે આશા વ્યક્ત કરી કે આ આધુનિક અને ટેકનોલોજી-સક્ષમ પોસ્ટ ઓફિસનો વધુમાં વધુ આઈ.આઈ.એમ ના વિદ્યાર્થીઓ લાભ લેશે તથા ડાક વિભાગની સેવાઓનો સક્રિય રીતે ઉપયોગ કરશે. સાથે જ, આઈ.આઈ.એમ. અમદાવાદના વિદ્યાર્થીઓ દ્વારા એન-જેન પોસ્ટ ઓફિસમાં દર્શાવવામાં આવેલી સક્રિય ભાગીદારીની પણ તેમણે પ્રશંસા કરી.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે યુવા-કેન્દ્રિત આ એન-જેન પોસ્ટ ઓફિસ યુવાઓને આધુનિક સુવિધાઓ પૂરી પાડશે. જેમાં વાઈ-ફાઈ, કેફેટેરિયા, મિની લાઇબ્રેરી, પી.ઓ.એસ./ક્યુ.આર. કોડ સ્કેન દ્વારા યુપીઆઈ આધારિત ડિજિટલ ચુકવણી, યુથ-કેન્દ્રિત આરામદાયક સીટિંગ સ્પેસ, વિદ્યાર્થીઓ માટે સ્પીડ પોસ્ટ તથા પાર્સલ સેવાઓ પર 10% વિશેષ છૂટ, જ્ઞાન પોસ્ટ, પાર્સલ પેકેજિંગ સેવા, આધાર સેવા, ફિલેટલી, ડાકઘર બચત યોજનાઓ, ડાક જીવન વીમા તેમજ આઈ.પી.પી.બી. જેવી નાણાકીય સેવાઓનો સમાવેશ થાય છે. તે ઉપરાંત, વિદ્યાર્થીઓ વચ્ચે પરસ્પર સંવાદ અને મનોરંજનને પ્રોત્સાહન આપવા માટે ચેસ અને લૂડો જેવી ઇન્ડોર ગેમ્સની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આઈ.આઈ.એમ.ના વિદ્યાર્થીઓને અમદાવાદના પ્રથમ એન-જેન થીમ આધારિત નવિનીકૃત આઈ.આઈ.એમ. પોસ્ટ ઓફિસને ડિઝાઇન કરવામાં આપેલા તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા. આ અનોખું પોસ્ટ ઓફિસ આઈ.આઈ.એમ. અમદાવાદના વિદ્યાર્થીઓએ ઇન્ડિયા પોસ્ટ સાથે મળીને “વિદ્યાર્થીઓનું, વિદ્યાર્થીઓ દ્વારા, વિદ્યાર્થીઓ માટે”ની ફિલોસોફી પર તૈયાર કર્યું છે. આ પોસ્ટ ઓફિસમાં સ્થાનિક સંસ્કૃતિ, યુવા સર્જનાત્મકતા અને આધુનિક ડિજિટલ સેવાઓનું સુંદર સંયોજન જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતનું પ્રથમ એન-જેન થીમ આધારિત નવનિર્મિત ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (આઈ.આઈ.ટી.) ગાંધીનગર પોસ્ટ ઓફિસનો શુભારંભ તારીખ 5 ડિસેમ્બર, 2025ના રોજ કરવામાં આવ્યો હતો. આ પરિવર્તન એક રાષ્ટ્રીય પહેલનો ભાગ છે, જેના અંતર્ગત શૈક્ષણિક પરિસરોમાં આવેલા 46 હાલના પોસ્ટ ઓફિસનું નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ જ કડીમાં, નવા વર્ષ દરમિયાન વધુ 54 પોસ્ટ ઓફિસને પણ આ મહત્વકાંક્ષી નવનિર્માણ કાર્યક્રમ હેઠળ સામેલ કરવામાં આવશે. આ પોસ્ટ ઓફિસમાં ડિજિટલ સુવિધાઓ, નવીનતા અને આકર્ષક વાતાવરણ દ્વારા યુવાઓને ડાક સેવાઓ સાથે જોડવાની તેમજ સેવાઓને વધુ સુલભ, સરળ અને પ્રાસંગિક બનાવવાની પરિકલ્પનાને સાકાર કરવામાં આવી રહી છે.

આ અવસરે નિદેશક ડાક પ્રશિક્ષણ કેન્દ્ર ડૉ. એસ. શિવરામ, ડાક સેવા નિદેશક શ્રી સુરેખ રેઘુનાથેન, પ્રવર ડાક અધિક્ષક અમદાવાદ શ્રી ચિરાગ મહેતા, આઈ.આઈ.એમ અમદાવાદ ના ડીન પ્રો. સતીશ દેવધર અને મુખ્ય પ્રશાસનિક અધિકારી કર્નલ (ડૉ.) જગદીશ સી. જોષી, પ્રવર અધિક્ષક શ્રી પિયુષ રજક, શ્રી શિશિર કુમાર, આઈ.પી.પી.બી.ના ચીફ મેનેજર શ્રી અભિજીત જિભકાટે, ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ શ્રી એસ. કે. વર્મા, શ્રી દીપક વાઢેર, સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી પી જે સોલંકી, સહાયક નિદેશક શ્રી વી. એમ. વહોરા, શ્રી અલ્પેશ શાહ, શ્રી રીતુલ ગાંધી, સહાયક અધિક્ષક શ્રી વિશાલ ચૌહાણ, શ્રી અલ્કેશ પરમાર, શ્રી આર. ટી. પરમાર, શ્રી હાર્દિક રાઠોડ, શ્રી એચ. જે. પરીખ, શ્રી ભાવિન પ્રજાપતિ, પોસ્ટમાસ્ટર સુશ્રી કૃતિબેન સહિત અનેક અધિકારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.

About Matribhumi Samachar

Check Also

પોસ્ટ ઓફિસમાં નવા આધાર નોંધણી તથા બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ સંપૂર્ણપણે નિઃશુલ્ક – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

નાગરિકોને તેમના નજીકના વિસ્તારમાં આધાર સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી સમગ્ર દેશમાં પોસ્ટ ઓફિસમાં આધાર સેવા …