
77મો ગણતંત્ર દિવસ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના બધા જ ડાકઘરોમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને ઉત્સાહપૂર્વક ઉજવાયો. આ અવસરે ગાંધીનગર મુખ્ય ડાકઘરમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને અધિકારીઓ તથા કર્મચારીઓને ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ આપી. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય ગાન, રાષ્ટ્રીય ગીત વંદે માતરમ, દેશભક્તિ ગીતો અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણની ભાવના સાથે દેશભક્તિમય વાતાવરણ જોવા મળ્યું. આ અવસરે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે સુકન્યા સમૃદ્ધિ યોજના, ડાક જીવન વીમા અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો અને તેમને પાસબુક તથા પૉલિસી બૉન્ડ વિતરણ કર્યા. સાથે જ શ્રેષ્ઠ કાર્ય કરનારા ડાક કર્મચારીઓને સન્માનિત કરીને પ્રોત્સાહિત પણ કર્યા.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પોતાના સંબોધનમાં કહ્યું કે, 77મો ગણતંત્ર દિવસ ભારતના લાંબા બંધારણીય પ્રવાસ અને લોકશાહીની શક્તિની યાદ અપાવે છે. તે વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ અને ભારતની વિવિધતામાં એકતા ની ભાવના ને પણ ઉજાગર કરે છે. સ્વતંત્ર ભારતમાં ડાક વિભાગે સમાજ અને રાષ્ટ્રને જોડવામાં અનોખી ભૂમિકા ભજવી છે. ‘ડાક સેવા, જન સેવા’ ના દ્રષ્ટિકોણ સાથે ભારતીય ડાક વિભાગ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચ અને લોક કલ્યાણકારી યોજનાઓથી લોકોને જોડે છે. ડિજિટલ ઇન્ડિયા, આર્થિક સમાવેશન, કેશલેસ અર્થવ્યવસ્થા સાથે વિકાસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા ડાક સેવાઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે. બદલાતા યુગમાં યુવાનોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે એન-જેન (નેક્સ્ટ જેન) ડાકઘરોનું નવિકરણ કરવામાં આવી રહ્યું છે. શ્રી યાદવે કહ્યું કે, ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં સમાવિષ્ટ મૂળભૂત શબ્દો અને તેમના ગહન અર્થોને સ્વીકારવા આજે જરૂરી છે, જે “અમે ભારતના લોકો” થી શરૂ થાય છે. આ વાક્ય આપણા લોકશાહીના આત્મા, આપણા પ્રજાસત્તાકના પાયાનું પ્રતિનિધિત્વ કરે છે અને આપણા રાષ્ટ્રીય જીવનના મુખ્ય મૂલ્યોને મૂર્તિમંત કરે છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે કહ્યું કે, ગણતંત્ર દિવસ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ બંધારણ, લોકશાહી અને રાષ્ટ્ર પ્રત્યેના આપણા કર્તવ્યોની સ્મૃતિનો દિવસ છે. તે દરેક નાગરિકને બંધારણની મહત્વતા સમજવા અને તેની રક્ષા કરવાની જવાબદારી યાદ અપાવે છે. આજના દિવસે ભારતે બંધારણના માધ્યમથી લોકશાહી પ્રણાલી અપનાવી અને નાગરિકોના કલ્યાણ, સમાનતા અને સર્વાંગી વિકાસનો સંકલ્પ કર્યો હતો. રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે ડાકઘરોમાં આયોજિત વિશેષ કાર્યક્રમોનો પણ ઉલ્લેખ કર્યો.
ગાંધીનગર મંડળના સિનિયર સુપરિટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસિસ શ્રી શિશિર કુમારે પોતાના સંબોધનમાં સ્વતંત્ર ભારતમાં ડાક સેવાઓની ઐતિહાસિક અને વર્તમાન ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે ડાક વિભાગનો દરેક કર્મચારી રાષ્ટ્રના નિર્માણ પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર છે અને તેમના કાર્ય દ્વારા જ મજબૂત, સંયુક્ત અને પ્રગતિશીલ ભારતનો પાયો મજબૂત બને છે.
અમદાવાદમાં શાહિબાગ સ્થિત સ્પીડ પોસ્ટ બિલ્ડિંગમાં પણ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં હાજરી આપી અને ક્ષેત્રીય કાર્યાલય તેમજ રેલવે મેલ સર્વિસના કર્મચારીઓને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે સન્માનિત કર્યા હતા.
આ અવસરે સિનિયર સુપરિટેન્ડન્ટ શ્રી પિયુષ રજક, શ્રી શિશિર કુમાર, સહાયક નિદેશક શ્રી વી. એમ. વહોરા, શ્રી રિતુલ ગાંધી, ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ શ્રી દીપક વાઢેર, આઈપીપીબી મેનેજર શ્રી નિરંજન ભક્તા, સહાયક અધીક્ષક સુશ્રી પ્રેયલ શાહ, શ્રી આર એ શેખ, શ્રી પરાગ વાસનિક, શ્રી એસ એન ઘોરી, શ્રી ડી પી મોરે, શ્રી હેમંત કંતાર, શ્રી નીતિન શેન્દ્રે, શ્રી દક્ષેશ ચૌહાણ, શ્રી જીનેશ પટેલ, શ્રી રોનક શાહ, શ્રી ભાવિન પ્રજાપતિ, પોસ્ટલ ઇન્સ્પેક્ટર શ્રી વી. કે. પ્રજાપતિ, સુશ્રી પાયલ પટેલ, સુ શ્રી સોનલ દેસાઈ, શ્રી યોગેન્દ્ર રાઠોડ, શ્રી ચિરાગ સુથાર, પોસ્ટમાસ્ટર શ્રી ડી. એમ. રાઠોડ સહિત તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા અને ઉત્સાહપૂર્વક ગણતંત્ર દિવસની ઉજવણી કરી.
Matribhumi Samachar Gujarati

