કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રીશ્રી ગિરિરાજસિંહના અધ્યક્ષસ્થાને સુરત સર્કિટ હાઉસ ખાતે પીએમ મિત્ર પાર્કની કામગીરી સંદર્ભે કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. તેમણે પાર્ક માટે જમીન લેવલિંગ, પાણી અને વિજળી સપ્લાય, કોમન એફલુઅન્ટ ચેનલ, સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બોઈલર સ્ટીમ,પ્લગ અને પ્લે સુવિધાઓની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.
બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સુરત કાપડ ઉદ્યોગનું હબ છે. દુનિયામાં કાપડ ક્ષેત્રે સુરતની આગવી ઓળખ ઉભી થઇ છે. આ ઉદ્યોગ લાખો લોકોના રોજગારીનું માધ્યમ બન્યો છે, ત્યારે વર્ષ 2030 સુધીમાં દેશના કાપડ ઉદ્યોગના ટર્નઓવરને 350 બિલિયન ડોલર સુધી પહોંચાડવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે.
ગુજરાતના નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે 1141 એકરમાં સાકાર થનાર મેગા ઈન્ટીગ્રેટેડ એપરલ પાર્ક દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં રોજગારીની નવી તકોનું સર્જન કરવાની સાથે ગુજરાતના અને દેશના ટેક્સટાઈલ ઉદ્યોગને વેગવંતો બનાવશે. આ પાર્ક એક જ સ્થળે, એક જ છત્ર નીચે સ્પિનિંગ, વિવીંગ, પ્રોસેસિંગ/ડાઈંગ અને પ્રિન્ટિંગથી લઈને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સુધીની ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ વેલ્યુ ચેઈન બનાવશે.
મંત્રીશ્રીએ પાર્કના નિર્માણમાં થઈ રહેલી પ્રગતિનો અહેવાલ દર 15 દિવસે આપવાની સૂચના આપી હતી. તેમણે પીએમ મિત્ર પાર્કને ઝડપભેર સાકાર કરવાના પ્રધાનમંત્રીશ્રીના વિઝન અનુસાર ઝડપભેર કામગીરીને વેગ આપવા તેમજ કોઈ પણ અડચણોને નિવારવા તેમજ પાર્કના નિર્માણ માટે જરૂરિયાતોને પૂર્ણ કરવા કેન્દ્ર સરકાર તત્પર છે એમ જણાવ્યું હતું.
GIDCના જોઈન્ટ એમ.ડી. શ્રી સુરભિ ગૌતમે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પીએમ મિત્ર પાર્કની નિર્માણની કામગીરી તેમજ પાર્ક માટે વિજળી, પાણી, લેન્ડ લેવલિંગ, રોડ કનેક્ટિવિટીમાં થયેલી પ્રગતિની વિગતો આપી હતી.
બેઠકમાં મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, ડેપ્યુટી મેયર ડો.નરેન્દ્ર પાટિલ, સ્થાયી સમિતિના ચેરમેન શ્રી રાજન પટેલ, રાજ્યના ઇન્ડસ્ટ્રીઝ કમિશનરશ્રી સંદીપ સાગલે, GIDCના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.