Friday, January 09 2026 | 08:28:51 PM
Breaking News

પ્રધાનમંત્રી 5 જાન્યુઆરીનાં રોજ દિલ્હીમાં રૂ. 12,200 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 જાન્યુઆરીનાં રોજ બપોરે 12:15 વાગ્યે દિલ્હીમાં આશરે 12,200 કરોડ રૂપિયાથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી સવારે 11.15 વાગે નમો ભારત ટ્રેનમાં સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યૂ અશોક નગર આરઆરટીએસ સ્ટેશન સુધીની સફર પણ કરશે.

પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવામાં નોંધપાત્ર એવી આશરે રૂ. 4,600 કરોડનાં મૂલ્યનાં સાહિબાબાદ અને ન્યૂ અશોક નગર વચ્ચે દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ નમો ભારત કોરિડોરનાં 13 કિલોમીટરનાં પટ્ટાનું પ્રધાનમંત્રી ઉદઘાટન કરશે. આ ઉદઘાટન સાથે જ દિલ્હીને તેની પ્રથમ નમો ભારત કનેક્ટિવિટી મળશે. તેનાથી દિલ્હી અને મેરઠ વચ્ચેની મુસાફરીમાં નોંધપાત્ર ઘટાડો થશે તથા બેજોડ સુરક્ષા અને વિશ્વસનીયતાની સાથે-સાથે હાઈ-સ્પીડ અને આરામદાયક મુસાફરી મારફતે લાખો લોકોને લાભ થશે.

પ્રધાનમંત્રી આશરે રૂ. 1,200 કરોડનાં મૂલ્યનાં દિલ્હી મેટ્રોનાં ચોથા તબક્કાનાં જનકપુરી અને ક્રિષ્ના પાર્ક વચ્ચેનાં 2.8 કિલોમીટરનાં પટ્ટાનું ઉદઘાટન પણ કરશે. આ દિલ્હી મેટ્રો ફેઝ-4નો પહેલો પટ્ટો હશે, જેનું ઉદઘાટન કરવામાં આવશે. પશ્ચિમ દિલ્હીના ક્રિષ્ના પાર્ક, વિકાસપુરીના કેટલાક ભાગો, જનકપુરી જેવા અન્ય વિસ્તારોને લાભ થશે.

પ્રધાનમંત્રી આશરે રૂ. 6,230 કરોડનાં મૂલ્યનાં દિલ્હી મેટ્રોનાં ચોથા તબક્કાનાં 26.5 કિલોમીટરની લંબાઈ ધરાવતા રિથલા-કુંડલી સેક્શનનો શિલાન્યાસ કરશે. આ કોરિડોર દિલ્હીમાં રિથાલાને હરિયાણામાં નાથુપુર (કુંડલી) સાથે જોડશે, જેનાથી દિલ્હી અને હરિયાણામાં ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો થશે. રોહિણી, બવાના, નરેલા અને કુંડલી, રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક ઝોનની સુલભતામાં સુધારો કરવા માટેના મુખ્ય ક્ષેત્રોમાં સામેલ છે. એક વખત કાર્યરત થયા પછી તે વિસ્તૃત રેડ લાઇન મારફતે દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં પ્રવાસની સુવિધા આપશે.

પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં રોહિણી ખાતે સેન્ટ્રલ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (કેરિ) માટે આશરે રૂ. 185 કરોડનાં ખર્ચે નિર્માણ પામનારી નવી અત્યાધુનિક ઇમારતનો શિલાન્યાસ પણ કરશે. આ કેમ્પસ અત્યાધુનિક હેલ્થકેર અને મેડિસિન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરશે. નવી ઇમારતમાં એડમિનિસ્ટ્રેટિવ બ્લોક, ઓપીડી બ્લોક, આઇપીડી બ્લોક અને ડેડિકેટેડ ટ્રીટમેન્ટ બ્લોક હશે, જે દર્દીઓ અને સંશોધકો માટે એકસમાન સંકલિત અને સાતત્યપૂર્ણ હેલ્થકેર અનુભવ સુનિશ્ચિત કરશે.

About Matribhumi Samachar

Check Also

પોસ્ટ ઓફિસમાં નવા આધાર નોંધણી તથા બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ સંપૂર્ણપણે નિઃશુલ્ક – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

નાગરિકોને તેમના નજીકના વિસ્તારમાં આધાર સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી સમગ્ર દેશમાં પોસ્ટ ઓફિસમાં આધાર સેવા …