Wednesday, May 06 2026 | 09:06:42 PM
Breaking News

ડાક વિભાગે ‘પોસ્ટલ લાઇફ ઈન્સ્યોરન્સ’ની 142મી વર્ષગાંઠ ઉજવી, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે પોલિસી બોન્ડનું વિતરણ કર્યું

Connect us on:

ડાક વિભાગે પત્ર અને પાર્સલ સેવાઓ સાથે-સાથે જીવન વીમાના ક્ષેત્રમાં પણ એક સશક્ત, વિશ્વસનીય અને જનકલ્યાણકારી સંસ્થાના રૂપમાં પોતાની વિશિષ્ટ ઓળખ સ્થાપિત કરી છે. પરંપરાગત સેવાઓથી આગળ વધીને, ડાક વિભાગે દાયકાઓથી જીવન વીમાના ક્ષેત્રમાં સતત સેવાઓ પૂરી પાડી નાગરિકોના જીવનમાં આર્થિક સ્થિરતા, સામાજિક સુરક્ષા અને નાણાકીય સંરક્ષણનો મજબૂત આધાર ઊભો કર્યો છે. ઉપરોક્ત વિચાર ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પોસ્ટલ લાઇફ ઈન્સ્યોરન્સના ગૌરવશાળી 142મા વર્ષમાં પ્રવેશના અવસરે, તારીખ 2 ફેબ્રુઆરી, 2026ના રોજ ક્ષેત્રીય કાર્યાલય, અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં વ્યક્ત કર્યા. આ અવસરે તેમણે વીમાધારકોને પોસ્ટલ લાઇફ ઈન્સ્યોરન્સ પોલિસી બોન્ડ, પરિપક્વતા દાવા તથા દાવા ચુકવણી સોંપી તેમના સુખી ભવિષ્યની શુભેચ્છા પાઠવી.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે જીવન વીમો આધુનિક યુગમાં આવશ્યક હોવા સાથે નાણાકીય સુરક્ષા અને રોકાણનું એક વિશ્વસનીય માધ્યમ પણ છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં હાલમાં પોસ્ટલ લાઇફ ઈન્સ્યોરન્સ અને ગ્રામિણ પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સની કુલ 2.08 લાખથી વધુ પોલિસીઓ અમલમાં છે. એક નવીન પહેલ અંતર્ગત ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના 708 ગામોમાં તમામ પાત્ર વ્યક્તિઓને વીમા આવરી લઈને તેમને ‘સંપૂર્ણ વીમા ગ્રામ’ તરીકે વિકસાવવામાં આવ્યા છે. ડાકઘરોમાં લોકોની ઉંમર અને જરૂરિયાત અનુસાર જીવન વીમાની વિવિધ યોજનાઓ ઉપલબ્ધ છે, જેમાં સુરક્ષા (આજીવન વીમો), સંતોષ, સુવિધા, સુમંગલ, યુગલ સુરક્ષા તથા ચિલ્ડ્રન પોલિસીનો સમાવેશ થાય છે. ઓછા પ્રીમિયમ અને ઊંચા બોનસ આ પોલિસીઓની વિશિષ્ટતા છે, જે તેને ભારતમાં અન્ય જીવન વીમા સંસ્થાઓથી અલગ ઓળખ આપે છે. બચત લાભ અને જીવન વીમા કવર ઉપરાંત આ પોલિસીઓ ગ્રાહકોને લોન સુવિધા પણ પ્રદાન કરે છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ સેવાને નવીન ટેક્નોલોજી અપનાવીને ઑનલાઇન બનાવવામાં આવી છે. પોલિસીધારકો માટે ઈ-પીએલઆઈ બોન્ડની સુવિધા પણ ઉપલબ્ધ છે, જે ડિજિલોકર પર ઉપલબ્ધ છે. હવે ડાક વિભાગ દ્વારા પોલિસી બોન્ડ જારી થયા બાદ તરત જ પોલિસી બોન્ડ ડાઉનલોડ કરી શકાય છે. નવીન રીતે, પ્રીમિયમ હવે ઓનલાઈન અને આઈપીપીબી મોબાઇલ એપ્લિકેશન દ્વારા જમા કરી શકાય છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે માહિતી આપતાં જણાવ્યું કે પોસ્ટલ લાઈફ ઇન્સ્યુરન્સની શરૂઆત વર્ષ 1884માં ડાક વિભાગના કર્મચારીઓ માટે એક કલ્યાણકારી યોજના તરીકે કરવામાં આવી હતી અને વર્ષ 1888માં તેને ટેલિગ્રાફ વિભાગના કર્મચારીઓ માટે વિસ્તૃત કરવામાં આવી હતી. વર્ષ 1894માં, પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સએ પી એન્ડ ટી વિભાગની મહિલા કર્મચારીઓને એવા સમયમાં જીવન વીમા કવર પૂરું પાડ્યું હતું, જ્યારે કોઈ અન્ય વીમા કંપની મહિલાઓને જીવન વીમો આપતી નહોતી. પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સના લાભ કેન્દ્ર તથા રાજ્ય સરકારોના કર્મચારીઓ, જાહેર ઉપક્રમો, સરકારી સહાય પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓ, રાષ્ટ્રીયકૃત બેંકો, સંરક્ષણ સેવાઓ તેમજ અર્ધલશ્કરી દળોના કર્મચારીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર 2017માં પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સનો લાભ વધારીને વ્યાવસાયિકો (જેમ કે ઇજનેર, ડોક્ટર, બેંકર, વકીલ, આર્કિટેક્ટ, પત્રકાર વગેરે) તેમજ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)માં સૂચિબદ્ધ કંપનીઓના કર્મચારીઓને પણ આપવામાં આવ્યો. તારીખ 1 ડિસેમ્બર, 2022થી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ યુનિવર્સિટી/સંસ્થાના તમામ સ્નાતક/ડિપ્લોમાધારકો પણ પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સનો લાભ લઈ શકે છે.

પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ અંતર્ગત મળતા લાભોની ચર્ચા કરતાં પ્રવર અધિક્ષક શ્રી ચિરાગ મહેતાએ જણાવ્યું કે રોકાણની સુરક્ષા પર સરકારની ગેરંટી, આવકવેરા ધારા 80 હેઠળ કરમાં છૂટ, દેશના કોઈપણ ડાકઘરમાં પ્રીમિયમ જમા કરવાની સુવિધા તેમજ આગોતરા પ્રીમિયમ પર છૂટ આપવામાં આવે છે. પોલિસી પર બોનસનો દર રૂપિયા 48 પ્રતિ હજારથી લઈને રૂપિયા 76 પ્રતિ હજાર સુધી છે. પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સના અંતર્ગત રૂપિયા 20 હજારથી લઈને રૂપિયા 50 લાખ સુધીનો વીમો કરાવવાની સુવિધા દેશભરના ડાકઘરોમાં ઉપલબ્ધ છે.

સહાયક નિદેશક શ્રી વી.એમ. વહોરાએ જણાવ્યું કે ભારતીય ડાક વિભાગ દ્વારા લેપ્સ પોલિસીઓ માટે એક વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઇવ 14 જાન્યુઆરી, 2026થી 14 એપ્રિલ, 2026 સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન, જેમની જીવન વીમા પોલિસીઓ લેપ્સ થઈ ગઈ છે તેવા વીમાધારકોને પોલિસી રિવાઇવ કરાવતા ડિફૉલ્ટ ચાર્જમાં વિશેષ છૂટ આપવામાં આવી રહી છે. આ પહેલનો હેતુ નાગરિકોને તેમની જીવન વીમા પોલિસીઓના લાભો સતત પ્રાપ્ત રહે તે માટે અવસર આપવાનો તેમજ તેમની નાણાકીય સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો છે.

આ અવસરે પ્રવર અધિક્ષક શ્રી ચિરાગ મહેતા, ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ શ્રી એસ.કે. વર્મા, સહાયક નિદેશક શ્રી વી.એમ. વહોરા, શ્રી અલ્પેશ શાહ, શ્રી રિતુલ ગાંધી, સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી પી.જે. સોલંકી, સહાયક લેખા અધિકારી શ્રી ચેતન સૈન, શ્રી રામસ્વરૂપ મંગાવા, સહાયક અધિક્ષક શ્રી જીનેશ પટેલ, શ્રી આર.ટી. પટેલ, શ્રી રોનક શાહ, શ્રી ભાવિન પ્રજાપતિ, નિરીક્ષિક સુશ્રી પાયલ પટેલ, શ્રી યોગેન્દ્ર રાઠોડ, શ્રી ભાવેશ રાવલ, શ્રી દર્શન શ્રીમાલી, શ્રી દીપક પરમાર, શ્રી ચિરાયુ વ્યાસ સહિત અનેક અધિકારી-કર્મચારીઓ તથા વીમાધારકો હાજર રહ્યા. કાર્યક્રમનું સંચાલન શ્રી અભિષેક પીઠડિયા દ્વારા કરવામાં આવ્યું.

About Matribhumi Samachar

Check Also

પહેલ: ગુજરાત સરકારના પેન્શનરો માટે ખુશખબર – ૧ મે થી ૩૧ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન પોસ્ટમેન દ્વારા ઘરે બેઠા નિઃશુલ્ક બનાવાશે ડિજિટલ જીવન પ્રમાણપત્ર (હયાતી)

પેન્શનધારકોના જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે ગુજરાત સરકારે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે મળીને મહત્વપૂર્ણ …