છેલ્લા થોડા દિવસોથી બોટાદ જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિના અનુસંધાને ગ્રાહક બાબતો,ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ બોટાદ જિલ્લાની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ બોટાદ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત વિવિધ વિસ્તારોનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ લાઠીદડ ખાતે આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ઈકો કારમાં તણાઈ ગયેલા નાગરિકોના સ્વજનોને મળી તેમને સાંત્વના આપી હતી અને શક્ય મદદની ખાતરી આપી હતી. લાઠીદડ પાસે પાણીના વહેણમાં તણાયેલી ઈકો કારમાં સવાર યાત્રીકોને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું, જે અંતર્ગત શોધખોળ દરમિયાન મળેલા મૃતદેહો તેમના પરિવારજનોને સોંપાયા હતા. આ ગમગીન માહોલમાં મંત્રીશ્રીએ મૃતકોના પરિજનોને હિંમત પૂરી પાડી હતી.

મુલાકાત બાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રીશ્રીએ સમગ્ર રાહત કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. જિલ્લા વહીવટી તંત્રને અને સંલગ્ન અધિકારીઓને તાકીદે પગલા તેમજ ભવિષ્યમાં મુશળધાર વરસાદ કે કોઈ પણ કુદરતી આપત્તિ માટે તંત્રને સજ્જ રહેવા સૂચના આપવામાં આવી હતી. સાથોસાથ એમ્બ્યુલન્સ સેવા, દવાઓની ઉપલબ્ધિ, તાત્કાલિક આશ્રય સ્થળોની વ્યવસ્થા વગેરે મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. આ બેઠકમાં સંકલનના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારબાદ મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ બોટાદ શહેરના ભાવનગર રોડની મુલાકાત લીધી હતી. તેમની સાથે બોટાદના જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી પી.એલ.ઝણકાત, બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કે.એફ.બલોળીયા સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Matribhumi Samachar Gujarati

