ભારતનાં બંધારણ અને નાગરિકોનાં કાયદાકીય અધિકારો વિશે જાગૃતિ લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા, ન્યાય વિભાગ એક વર્ષ સુધી ચાલનારા રાષ્ટ્રવ્યાપી અભિયાન “હમારા સંવિધાન હમારા સન્માન” (એચએસ 2)નાં સફળ આયોજનની ઉજવણી માટે તારીખ 24 જાન્યુઆરી, 2025નાં રોજ ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં એક કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે.
‘હમારા સંવિધાન હમારા સન્માન’ અભિયાનની શરૂઆત ભારતનાં માનનીય ઉપરાષ્ટ્રપતિએ તારીખ 24 જાન્યુઆરી, 2024નાં રોજ નવી દિલ્હીમાં ડૉ. બી. આર. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે કરી હતી. આ અભિયાન 2047 સુધીમાં વિકસિત ભારતનાં વિઝનને આકાર આપવામાં સક્રિય યોગદાન આપવા માટે દરેક નાગરિકને આહ્વાન કરી રહ્યું છે. આ અભિયાનને પ્રજાસત્તાક તરીકે ભારતનાં 75માં વર્ષ અને તેના બંધારણનાં સ્વીકારની 75મી વર્ષગાંઠની ઉજવણીનાં ભાગરૂપે શરૂ કરવામાં આવ્યું હતું.
આ અભિયાનમાં નોંધપાત્ર ભાગીદારી જોવા મળી હતી, જેમાં 1.3 લાખથી વધુ નાગરિકોએ ઉત્સાહપૂર્વક MyGov પ્લેટફોર્મ પર પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. જે રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ગ્રામ વિધી ચેતના પહેલ હેઠળ દેશભરની લો સ્કૂલનાં વિદ્યાર્થીઓએ દત્તક લીધેલા ગામોમાં કાનૂની જાગૃતિની પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું અને આશરે 21,000થી વધુ લાભાર્થીઓ સુધી પહોંચીને જમીની સ્તરે ભાગીદારી સુનિશ્ચિત કરી હતી. વધુમાં, નારી ભાગીદારી અને વંચિત વર્ગ સન્માન પહેલે દૂરદર્શન અને ઇગ્નૂની ભાગીદારીમાં ન્યાય વિભાગ દ્વારા આયોજિત અસરકારક વેબિનારનાં માધ્યમથી 70 લાખથી વધુ દર્શકોને અસરકારક રીતે જોડ્યા હતા. જેણે કાનૂની અને સામાજિક બાબતોમાં મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપ્યું હતું. યુવાનોને પ્રેરણા આપવા નવ ભારત નવ સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ ઇન્ટરેક્ટિવ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી, જેમાં તેમની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને વધુ સારા ભવિષ્ય માટે જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
આ અભિયાન એક વર્ષ સુધી ચાલ્યું અને ભારતનાં વિભિન્ન ભાગો સુધી પહોંચ્યું, જેમાં બિકાનેર (રાજસ્થાન), પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ) અને ગુવાહાટી (આસામ)નાં પ્રાદેશિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમોમાં 5,000થી વધુ નાગરિકોએ વ્યક્તિગત રૂપે ભાગ લીધો, જ્યારે 8 લાખથી વધુ નાગરિકોએ આ પહેલનાં પેટા-અભિયાનમાં સક્રિયપણે ભાગ લીધો હતો જેમકે સબકો ન્યાય હર ઘર ન્યાય, નવ ભારત નવ સંકલ્પ અને વિધિ જાગૃતિ અભિયાન સામેલ છે.
હાલનો કાર્યક્રમ પ્રયાગરાજમાં પરમાર્થ ત્રિવેણી પુષ્પ, અરેલ ઘાટ ખાતે યોજાશે, જ્યાં આ અભિયાનની સફળતા અને તેની સિદ્ધિઓને માન આપવા માટે કેટલીક મુખ્ય પ્રવૃત્તિઓ યોજાશે. આ મહત્વપૂર્ણ પ્રસંગ સંગમ નગરી પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળા સાથે મેળ ખાય છે. જે વિશ્વનાં સૌથી મોટા અને સૌથી મહત્વપૂર્ણ આધ્યાત્મિક મેળાવડાઓમાંનો એક છે. જ્યાં લાખો લોકો ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનાં સંગમમાં સ્નાન કરવા માટે એકઠા થાય છે. પ્રયાગરાજમાં HS2 અભિયાનનાં સમાપન સમારંભ સાથે આ ઐતિહાસિક ધાર્મિક કાર્યક્રમનો સમન્વય વિશેષ મહત્વ ધરાવે છે. જે ભારતનાં સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, આધ્યાત્મિક પરંપરાઓ અને બંધારણીય મૂલ્યોનાં એકમંચ પર આવવાનું પ્રતીક છે.
કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ:
સિદ્ધિ પુસ્તિકાનું વિમોચનઃ કાયદા અને ન્યાય માટેનાં માનનીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) “હમારા સંવિધાન હમારા સન્માન” અભિયાનની સફરનું દસ્તાવેજીકરણ કરતી એચિવમેન્ટ પુસ્તિકાનું વિમોચન કરશે, જેમાં સમગ્ર વર્ષ દરમિયાન યોજાયેલી તેની શરૂઆત, પ્રાદેશિક કાર્યક્રમો, સ્પર્ધાઓ અને વિવિધ પ્રવૃત્તિઓ સામેલ છે.
ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસનાં 2025 કેલેન્ડરનું વિમોચન: અભિયાનની થીમ્સ અને પ્રવૃત્તિઓને પ્રતિબિંબિત કરતું 2025નાં કેલેન્ડરનું પણ વિમોચન કરવામાં આવશે.
HS2 કેમ્પેઇન પર ફિલ્મ રિલીઝઃ ઓડિયો-વિઝ્યુઅલ્સ દ્વારા તેના હાર્દને કેપ્ચર કરતી HS2 અભિયાનની એક વર્ષની સફરને દર્શાવતી ફિલ્મનું અનાવરણ કરવામાં આવશે.
“હમારા સંવિધાન હમારા સન્માન” અભિયાન ભારતીય બંધારણ, તેના ઇતિહાસ અને આજનાં વિશ્વમાં તેની પ્રાસંગિકતા વિશે જાગૃતિ ફેલાવવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ રહ્યું છે. પ્રયાગરાજમાં સમાપન કાર્યક્રમમાં આ મહત્ત્વપૂર્ણ પહેલનું ભવ્ય સમાપન થશે અને દેશભરમાં નાગરિકોને જોડવાનાં સામૂહિક પ્રયાસોની ઉજવણી સાથે “હમારા સંવિધાન હમારા સ્વાભિમાન”ની ઉજવણી કરશે.
આ કાર્યક્રમમાં કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તથા સંસદીય બાબતોનાં રાજ્ય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનાં અતિથિ વિશેષ તરીકે પરમાર્થ નિકેતનનાં પ્રમુખ અને આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીજી છે. જ્યારે આ પ્રસંગે આદરણીય અતિથિ તરીકે પરમાર્થ નિકેતનનાં આંતરરાષ્ટ્રીય નિયામક પૂજ્ય સાધ્વી ભગવતી સરસ્વતીજી છે. આ કાર્યક્રમમાં સચિવ (ન્યાય) શ્રી રાજ કુમાર ગોયલ અને ન્યાય વિભાગનાં સંયુક્ત સચિવ નિરજ કુમાર ગાયગીની હાજરી પણ રહેશે.
પ્રાદેશિક કાર્યક્રમોની શ્રૃંખલામાં આ ચોથો કાર્યક્રમ પ્રયાગરાજનાં અરેલ ઘાટ નજીક આવેલા પરમાર્થ નિકેતન ત્રિવેણી પુષ્પ ખાતે મહાકુંભની ભવ્યતા વચ્ચે યોજાઈ રહ્યો છે. હમારા સંવિધાન હમારા સ્વાભિમાન અભિયાનની શરૂઆત કરશે. જેનો ઉદ્દેશ બંધારણ, તેના મૂલ્યો અને તમામ નાગરિકો માટે કાનૂની અધિકારોનાં મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે.
Matribhumi Samachar Gujarati

