મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં આપ સૌનું સ્વાગત છે, અભિનંદન છે. આપ સૌ આ સમયે યોગની ઉર્જા અને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની સ્મૃતિઓથી ભરેલા હશો. આ વખતે પણ 21 જૂનના દિવસે દેશ અને દુનિયાના કરોડો લોકોએ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’માં ભાગ લીધો. તમને યાદ છે, આજથી દસ વર્ષ પહેલા તેની શરૂઆત થઈ હતી. હવે દસ વર્ષમાં આ સિલસિલો દર વર્ષે વધુને વધુ ભવ્ય બની રહ્યો છે. આ એનો પણ સંકેત આપે છે કે વધુને વધુ લોકો તેમના રોજિંદા જીવનમાં યોગ અપનાવી રહ્યા છે. આ વખતે આપણે ‘યોગ દિવસ’ની ઘણી આકર્ષક તસવીરો જોઈ છે. વિશાખાપટ્ટનમના દરિયા કિનારે ત્રણ લાખ લોકોએ એક સાથે યોગ કર્યા. વિશાખાપટ્ટનમથી જ એક અદ્ભુત દ્રશ્ય સામે આવ્યું, બે હજારથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓએ 108 મિનિટ સુધી 108 સૂર્ય નમસ્કાર કર્યા. વિચારો કે કેટલી શિસ્ત અને સમર્પણ રહ્યું હશે. આપણા નૌકાદળના જહાજો પર પણ, યોગની ભવ્ય ઝલક જોવા મળી. તેલંગાણામાં ત્રણ હજાર દિવ્યાંગ સાથીઓએ સાથે મળીને યોગ શિબિરમાં ભાગ લીધો. તેમણે બતાવ્યું કે યોગ કેવી રીતે સશક્તિકરણનું માધ્યમ પણ છે.
દિલ્હીના લોકોએ યોગને સ્વચ્છ યમુનાના સંકલ્પ સાથે જોડ્યો અને યમુના કિનારે જઈને યોગ કર્યા. જમ્મુ અને કાશ્મીરના ચીનાબ બ્રિજ, જે વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે બ્રિજ છે, ત્યાં પણ લોકોએ યોગ કર્યો. હિમાલયના બર્ફીલા શિખરો અને ITBPના સૈનિકો, ત્યાં પણ યોગ જોવા મળ્યા, સાહસ અને સાધના સાથે સાથે ચાલ્યા. ગુજરાતના લોકોએ પણ એક નવો ઇતિહાસ રચ્યો. વડનગરમાં 2121 (એકવીસસો એકવીસ) લોકોએ સાથે મળીને ભુજંગાસન કર્યું અને એક નવો રેકોર્ડ બનાવ્યો. ન્યુ યોર્ક, લંડન, ટોક્યો, પેરિસ, વિશ્વના દરેક મોટા શહેરથી યોગની છબીઓ આવી અને દરેક છબીમાં એક વાત ખાસ રહી, શાંતિ, સ્થિરતા અને સંતુલન.
આ વખતની થીમ ખૂબ જ ખાસ પણ હતી. ‘Yoga for One Earth, One Health, અર્થાત ‘એક પૃથ્વી – એક આરોગ્ય’. આ ફક્ત એક સૂત્ર નથી, એક દિશા છે જે આપણને વસુધૈવ કુટુમ્બકમનો અનુભવ કરાવે છે. મને ખાતરી છે કે આ વર્ષના યોગ દિવસની ભવ્યતા વધુને વધુ લોકોને યોગ અપનાવવા માટે ચોક્કસ પ્રેરણા આપશે.
મારા પ્રિય દેશવાસીઓ,
જ્યારે કોઈ તીર્થયાત્રા પર જાય છે, ત્યારે એક જ ભાવ મનમાં આવે છે, “ચાલો, હુકમ થયો છે”. આ ભાવ આપણી ધાર્મિક યાત્રાઓનો આત્મા છે. આ યાત્રાઓ શરીરની શિસ્ત, મનની શુદ્ધિ, પરસ્પર પ્રેમ અને ભાઈચારાનો, ઈશ્વર સાથે જોડાવાનું એક માધ્યમ છે. આ ઉપરાંત, આ યાત્રાઓનું બીજું પણ એક મોટું પાસું છે. આ ધાર્મિક યાત્રાઓ સેવાની તકોનું એક મહાન અનુષ્ઠાન પણ છે. જ્યારે કોઈપણ યાત્રા થાય છે, ત્યારે જેટલા લોકો યાત્રા પર જાય છે તેના કરતાં પણ વધુ લોકો યાત્રાળુઓની સેવા કરવાના કાર્યમાં જોડાય છે. જગ્યા-જગ્યાએ ભંડાર અને લંગરનું આયોજન કરવામાં આવે છે. લોકો રસ્તાના કિનારે પાણીની પરબ લગાવે છે. સેવાની ભાવનાથી જ, મેડિકલ કેમ્પ અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવે છે. ઘણા લોકો પોતાના ખર્ચે તીર્થયાત્રાળુઓ માટે ધર્મશાળાઓની, અને રહેવાની વ્યવસ્થા કરે છે.
સાથીઓ, ઘણા સમય પછી કૈલાશ માનસરોવર યાત્રાનો ફરી શુભારંભ થયો છે. કૈલાશ માનસરોવર અર્થાત ભગવાન શિવનું ધામ. હિંદુ, બૌદ્ધ અને જૈન દરેક પરંપરામાં કૈલાશને શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર માનવામાં આવે છે.
સાથીઓ,
3 જુલાઈથી પવિત્ર અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે, અને શ્રાવણનો પવિત્ર મહિનો પણ થોડા જ દિવસો દૂર છે. હમણાં થોડા દિવસો પહેલા આપણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પણ જોઈ. ઓડિશા હોય, ગુજરાત હોય, કે દેશનો કોઈ બીજો ખૂણો, લાખો શ્રદ્ધાળું આ યાત્રામાં ભાગ લે છે. ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, આ યાત્રાઓ ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ના ભાવનું પ્રતિબિંબ છે. જ્યારે આપણે શ્રદ્ધાભાવથી, પૂરા સમર્પણથી અને પૂરા અનુશાસનથી આપણી ધાર્મિક યાત્રા સંપન્ન કરીએ છીએ, તો તેનું ફળ પણ મળે છે. હું યાત્રા પર જતા તમામ સૌભાગ્યશાળી શ્રદ્ધાળુઓને મારી શુભકામનાઓ આપું છું. જે લોકો સેવા ભાવનાથી આ યાત્રાઓને સફળ અને સુરક્ષિત બનાવવામાં લાગ્યા છે, તેમને પણ સાધુવાદ આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ,
હવે હું તમને દેશની બે એવી સિદ્ધિઓ વિશે કહેવા માંગુ છું, જે તમને ગર્વથી ભરી દેશે. આ સિદ્ધિઓની ચર્ચા વૈશ્વિક સંસ્થાઓ કરી રહી છે. WHO એટલે કે ‘વિશ્વ આરોગ્ય સંગઠન’ અને ILO એટલે કે International Labour Organizationએ દેશની આ સિદ્ધિઓની ભરપૂર પ્રશંસા કરી છે. પહેલી સિદ્ધિ આપણા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે. તમારામાંથી ઘણા લોકોએ આંખના એક રોગ વિશે સાંભળ્યું હશે- ટ્રેકોમા. આ રોગ બેક્ટેરિયાથી ફેલાય છે.
એક સમય હતો જ્યારે આ બીમારી દેશના ઘણા ભાગોમાં સામાન્ય હતી. ધ્યાન ના આપવામાં આવે, તો આ બીમારીથી ધીરે ધીરે આંખોની દૃષ્ટિ પણ જતી રહે છે. અમે સંકલ્પ કર્યો છે કે ટ્રેકોમાને જડથી નાબૂદ કરીશું અને મને આપ સૌને આ જણાવતા બહુજ ખુશી છે કે ‘વિશ્વ આરોગ્ય સંગઠન’ એટલે કે WHO એ ભારતને ટ્રેકોમા ફ્રી જાહેર કરી દીધો છે. હવે ભારત ટ્રેકોમા મુક્ત દેશ બની ગયો છે.
આ એ લાખો લોકોની મહેનતનું ફળ છે, જેમણે થાક્યા વિના, રોકાયા વિના, આ બીમારી સામે લડત લડી. આ સફળતા આપણાં આરોગ્ય કર્મચારીની છે. ‘સ્વચ્છ ભારત અભિયાન’થી પણ તેને નાબૂદ કરવામાં મોટી મદદ મળી. ‘જળ જીવન મિશન’નું પણ આ સફળતામાં મોટું યોગદાન રહ્યું. આજે, જ્યારે ઘર- ઘર નળ દ્વારા સ્વચ્છ પાણી પહોચી રહ્યું છે, ત્યારે આવી બીમારીઓનું જોખમ ઓછું થયું છે. ‘વિશ્વ આરોગ્ય સંગઠન’ WHO એ પણ આ વાતની પ્રશંસા કરી છે કે ભારતે રોગનો સામનો કરવાની સાથે સાથે તેના મૂળ કારણોને પણ દૂર કર્યા છે.
સાથીઓ,
આજે ભારતમાં મોટાભાગની વસ્તી કોઈને કોઈ સામાજિક સુરક્ષા લાભનો ફાયદો ઉઠાવી રહી છે અને હજુ હમણાં જ ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન -ILOનો મોટો મહત્વનો રિપોર્ટ આવ્યો છે. આ રિપોર્ટમાં કહ્યું છે કે ભારતની 64%થી વધારે વસ્તીને હવે કોઈને કોઈ સામાજિક સુરક્ષા લાભ જરૂર મળી રહ્યો છે. સામાજિક સુરક્ષા- આ દુનિયાની સૌથી મોટી કવરેજમાંથી એક છે. આજે દેશના લગભગ 95 કરોડ લોકો કોઈને કોઈ સામાજિક સુરક્ષા યોજનાનો લાભ મેળવી રહ્યા છે, જ્યારે, 2015 સુધી 25 કરોડથી પણ ઓછા લોકો સુધી સરકારી યોજનાઓ પહોચી શકતી હતી.
સાથીઓ,
ભારતમાં સ્વાસ્થ્યથી લઈને સામાજિક સુરક્ષા સુધી, દરેક ક્ષેત્રમાં દેશ સંતૃપ્તિની ભાવનાથી આગળ વધી રહ્યો છે. આ સામાજિક ન્યાયની પણ ઉત્તમ છબી છે. આ સફળતાઓએ એક વિશ્વાસ જગાવ્યો છે, કે આવનારો સમય વધુ સારો થશે, દરેક પગલે ભારત વધુ સશક્ત થશે.
મારા વ્હાલા દેશવાસીઓ,
જન- ભાગીદારીની શક્તિથી, મોટા મોટા સંકટોનો સામનો કરો શકાય છે. હું તમને એક ઓડિયો સંભાળવું છું, આ ઓડિયોમાં તમને એ સંકટની ભયાનકતાનો અંદાજ આવશે. એ સંકટ કેટલું મોટું હતું, પહેલા એ સાંભળો, સમજો.
મોરારજીભાઈ દેસાઇ
આખરે આ જે અત્યાચાર થયો બે વર્ષ સુધી, અત્યાચાર તો 5-7 વર્ષથી શરૂ થઈ ગયો હતો. પણ એ શિખર સુધી પહોચી ગયો છે બે વર્ષમાં, જ્યારે કટોકટી લોકો પર લાદવામાં આવી અને અમાનવીય વર્તાવ લોકોની સાથે કરવામાં આવ્યો. લોકોનો સ્વતંત્રતાનો હક છીનવી લીધો, વર્તમાન પત્રોને કોઈ સ્વતંત્રતા ન રહી. ન્યાયાલય બિલકુલ નિર્બળ બનાવી દીધા અને જે રીતે એક લાખથી વધુ લોકોને જેલમાં બંદ કરી દીધા, અને પછી પોતાની મનમાની સરકાર તરફથી થતી રહી. એનું ઉદાહરણ દુનિયાના ઇતિહાસમાં પણ મળવું મુશ્કેલ છે.
સાથીઓ,
આ અવાજ દેશના પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમાન મોરારજીભાઈ દેસાઇનો છે. તેમણે સંક્ષિપ્તમાં, પરંતુ બહુજ સ્પષ્ટ રીતે કટોકટી વિષે કહ્યું. તમે કલ્પના કરી શકો છો, એ વખત કેવો હતો! કટોકટી લગાવવાવાળાએ ના ફક્ત આપણાં સંવિધાનની હત્યા કરી પણ તેમનો ઇરાદો ન્યાયપાલિકાને પણ પોતાના ગુલામ બનાવી રાખવાનો હતો. આ દરમિયાન લોકોને મોટા પ્રમાણમાં પ્રતાડિત કરવામાં આવ્યા. એના આવા અનેક ઉદાહરણ છે, જેને ક્યારેય ભૂલી શકાય નહીં. જ્યોર્જ ફર્નાન્ડીઝ સાહેબને સાંકળથી બાંધવામાં આવ્યા હતા. અનેક લોકોને કઠોર ત્રાસ આપવામાં આવ્યો. ‘મીસા (MISA)ના અંતર્ગત કોઈની પણ એમજ ધરપકડ કરવામાં આવતી હતી. વિદ્યાર્થીઓને પણ હેરાન કર્યા. અભિવ્યક્તિની આઝાદીનું ગળું દબાવી દીધું.
સાથીઓ,
આ સમયમાં જે હજારો લોકોની ધરપકડ થઈ, એમના પર આવાજ અમાનવીય અત્યાચાર થયા. પરંતુ આ ભારતની જનતાનું સામર્થ્ય છે, તેઓ ઝુક્યા નહીં, તૂટ્યા નહીં અને લોકતંત્ર સાથે કોઈ બાંધછોડ તેમણે સ્વીકાર ના કરી. આખરે, જનતા જનાર્દનની જીત થઈ- આપાતકાલ દૂર કરવામાં આવ્યો અને આપાતકાલ લાદવાવાળા હારી ગયા. બાબુ જગજીવન રામજીએ આ બાબતે બહુજ સશક્ત રીતે પોતાની વાત રજૂ કરી હતી.
બાબુ જગજીવન રામ
બહેનો અને ભાઈઓ, ગયી ચૂંટણી, ચૂંટણી નહોતી. ભારતની જનતાનું એક મહાન અભિયાન હતું. એ વખતની પરિસ્થિતીને બદલવાની તાનાશાહીની ધારાને વાળવાની અને ભારતમાં પ્રજાતંત્રની જડને મજબૂત કરવાની.
અટલજીએ પણ પોતાની શૈલીમાં જે કઈ કહ્યું હતું, એ પણ આપણે જરૂર સાંભળવું જોઈએ-
અટલ બિહારી વાજપેયી
બહેનો અને ભાઈઓ, દેશમાં જે કઈ થયું, એને ફક્ત ચૂંટણી નહીં કહી શકાય. એક શાંતિપૂર્ણ ક્રાંતિ થઈ છે. લોકશક્તિની લહેરે લોકતંત્રની હત્યા કરવાવાળાના ઇતિહાસની કચરાપેટીમાં નાખી દીધો છે.
સાથીઓ,
દેશ પર કટોકટી લાદવાના પચાસ વર્ષ કેટલાક દિવસ પહેલા જ પૂરા થયા છે. આપણે દેશવાસીઓએ ‘સંવિધાન હત્યા દિવસ’ ઉજવ્યો છે. આપણે હંમેશા એ બધાજ લોકોને યાદ કરવા જોઈએ, જેમણે કટોકટીનો હિમ્મતભેર સામનો કર્યો. આનાથી આપણને આપણાં સંવિધાનને મજબૂત બનાવી રાખવા માટે નિરંતર સજાગ રહેવાની પ્રેરણા મળી છે.
મારા વ્હાલા દેશવાસીઓ,
તમે એક તસવીરની કલ્પના કરો. સવારનો તડકો પહાડોને સ્પર્શી રહ્યો છે, ધીરે ધીરે અજવાળું મેદાન તરફ આગળ વધી રહ્યું છે, અને એ જ રોશનીની સાથે આગળ વધી રહી છે ફૂટબોલ પ્રેમીઓની ટોળી. સિટી વાગે છે અને થોડી જ પળોમાં મેદાન તાળીઓ અને સૂત્રોથી ગુંજી ઊઠે છે. દરેક પાસ, દરેક ગોલ, સાથે લોકોનો ઉત્સાહ વધી રહ્યો છે. તમે વિચારી રહ્યા હશો કે આ કઈ સુંદર દુનિયા છે? સાથીઓ, આ છબી આસામના એક પ્રમુખ ક્ષેત્ર બોડોલેંડની વાસ્તવિકતા છે. બોડોલેંડ આજે પોતાના એક નવા રૂપ સાથે દેશની સામે ઊભો છે. અહિયાં યુવાનોમાં જે ઉર્જા છે, જે આત્મવિશ્વાસ છે, એ ફૂટબોલના મેદાનમાં સૌથી વધારે દેખાય છે. બોડો પ્રાદેશિક વિસ્તારમાં, બોડોલેંડ CEM કપનું આયોજન થઈ રહ્યું છે. આ માત્ર એક ટૂર્નામેન્ટ નથી, આ એકતા અને આશાનો ઉત્સવ બની ગઇ છે. 3 હજાર 700થી વધારે ટીમ, લગભગ 70 હજાર ખેલાડી અને એમાં વધારે સંખ્યામાં આપણી દીકરીઓની ભાગીદારી. આ આંકડા બોડોલેંડમાં મોટા પરીવર્તનની ગાથા સંભળાવી રહ્યા છે. બોડોલેંડ હવે દેશના ખેલ નકશામાં, સ્પોર્ટ્સના નકશા પર પોતાની ચમક વધુ વધારી રહ્યો છે.
સાથીઓ,
એક સમય હતો જ્યારે સંઘર્ષ જ અહિયાંની ઓળખ હતી. ત્યારે અહીના યુવાનો માટે રસ્તા મર્યાદિત હતા. પરંતુ આજે એમની આંખોમાં નવા સપના છે અને દિલમાં આત્મનિર્ભરતાનો જુસ્સો છે. અહિયાંથી નીકળેલા ફૂટબોલ ખેલાડી હવે મોટા સ્તરે પોતાની ઓળખ બનાવી રહ્યા છે. હાલીચરણ નારજારી, દુર્ગા બોરો, અપૂર્ણા નારજારી, મનબીર બસુમતારી – આ ફક્ત ફૂટબોલ ખેલાડીના નામ નથી- આ નવી પેઢીની ઓળખ છે.
જેમણે બોડોલેંડને મેદાનથી રાષ્ટ્રીય મંચ સુધી પહોંચાડ્યુ. આમાનાં ઘણાએ મર્યાદિત સંસાધનો સાથે અભ્યાસ કર્યો, કેટલાકે મુશ્કેલ પરિસ્થિતીમાં પોતાનો રસ્તો બનાવ્યો, અને આજે એમનું નામ લઈને દેશના કેટલાય નાના બાળકો પોતાના સપનાની શરૂઆત કરે છે.
સાથીઓ,
જો આપણે આપણાં સામર્થ્યનો વિસ્તાર કરવો છે તો સૌથી પહેલા આપણે આપણી ફિટનેસ અને સુખાકારી પર ધ્યાન આપવું પડશે. આમતો સાથીઓ, ફિટનેસ માટે સ્થૂળતા ઓછી કરવા માટેનું મારૂ એક સૂચન આપને યાદ છે ને! જમવામાં 10% તેલ ઓછું કરો, સ્થૂળતા ઘટાડો. જ્યારે તમે ફિટ હશો, તો જીવનમાં વધુમાં વધુ સુપર હિટ થશો.
મારા વ્હાલા દેશવાસીઓ,
આપણું ભારત જે રીતે આપણી ક્ષેત્રીય, ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતા માટે ઓળખાય છે એવી જ રીતે, કળા, શિલ્પ, અને કૌશલની વિવિધતા પણ આપણાં દેશની મોટી ખૂબી છે. તમે જે ક્ષેત્રમાં જશો, ત્યાની કોઈને કોઈ ખાસ અને local વસ્તુ વિષે તમને ખબર પડશે. આપણે અવારનવાર ‘મન કી બાત’માં દેશની આવી અનોખી પ્રોડક્ટ્સ વિષે વાત કરીએ છીએ. એવી જ એક પ્રોડક્ટ છે મેઘાલયની એરી સિલ્ક(Eri Silk). એને થોડા દીવસ પહેલા જ GI ટેગ મળ્યો છે. એરી સિલ્ક(Eri Silk) મેઘાલય માટે એક વારસા સમાન છે. અહિયાંની જનજાતિએ, ખાસ કરીને ખાસી(Khasi) સમાજના લોકોએ આનું પેઢીઓથી જતન પણ કર્યું છે, અને પોતાની કુશળતાથી સમૃદ્ધ પણ કર્યું છે. આ સિલ્કની ઘણી એવી ખાસિયત છે, જે તેને બાકી ફેબ્રિકથી જુદું પાડે છે. આની સૌથી ખાસ વાત છે એને બનાવવાની રીત, આ સિલ્ક કે જેને રેશમના કીડા બનાવે છે, આને પ્રાપ્ત કરવા માટે કીડાને મારવામાં નથી આવતા, માટે તેને, અહિંસા સિલ્ક પણ કહેવામા આવે છે. આજકાલ દુનિયામાં આવી પ્રોડક્ટની ડિમાંડ તેજીથી વધી રહી છે,
જેમાં હિંસા ના હોય, અને પ્રકૃતિ પર એનો કોઈ દુષ્પ્રભાવ ના પડે, માટે, મેઘાલયનું એરી સિલ્ક (Eri Silk) global માર્કેટ માટે એક પરફેક્ટ પ્રોડક્ટ છે. આની એક બીજી ખાસ વાત છે, આ સિલ્ક(silk) ઠંડીમાં ગરમ કરે છે, અને ગરમીમાં ઠંડક આપે છે. આની આ ખૂબી તેને મોટાભાગના સ્થળો માટે અનુકૂળ બનાવી દે છે. મેઘાલયની મહિલાઓ હવે સેલ્ફ હેલ્પ ગ્રુપના માધ્યમથી પોતાના આ વારસાને વધુ મોટા સ્કેલ પર આગળ વધારી રહી છે. હું મેઘાલયના લોકોને એરી સિલ્ક (Eri Silk)ને GI ટેગ મેળવવા બદલ અભિનંદન પાઠવું છું. હું તમને બધાને પણ આગ્રહ કરું છું, તમે પણ એરિ સિલ્કથી બનેલા કપડાં જરૂરથી ટ્રાય કરો અને હા – ખાદી, હેન્ડલૂમ હેન્ડિક્રાફ્ટ, વોકલ ફોર લોકલ આને પણ તમારે હમેશા યાદ રાખવાનું છે. ગ્રાહક ભારતમાં બનેલા પ્રોડક્ટજ ખરીદે, અને વેપારી ભારતમાં બનેલા પ્રોડક્ટ જ વેચે તો ‘ આત્મનિર્ભર ભારત અભિયાન’ ને નવી ઉર્જા મળશે.
મારા વ્હાલા દેશવાસીઓ,
મહિલા નેતૃત્વ વિકાસનો મંત્ર ભારતનું નવું ભવિષ્ય બનાવવા માટે તૈયાર છે. આપણી માતાઓ, બહેનો, દીકરીઓ આજે માત્ર પોતાના માટે નહીં, પણ આખા સમાજ માટે નવી દિશા બનાવી રહી છે. તમે તેલંગાણાની ભદ્રાચલમની મહિલાઓની સફળતા વિષે જાણશો તો તમને પણ સારું લાગશે. આ મહિલાઓ ક્યારેક ખેતરોમાં મજૂરી કરતી હતી. રોજી રોટી માટે આખો દિવસ મહેનત કરતી હતી.
આજે એ જ મહિલાઓ મિલેટ્સ, શ્રીઅન્નથી બિસ્કિટ બનાવી રહી છે. “ભદ્રાદ્રી મિલેટ મેજીક” નામના આ બિસ્કિટ હૈદરાબાદથી લંડન સુધી જઇ રહ્યા છે. ભદ્રાચલમની આ મહિલાઓએ Self Help Group સાથે જોડાઈને ટ્રેનીંગ લીધી.
સાથીઓ,
આ મહિલાઓએ બીજું પણ એક પ્રશંસનીય કામ કર્યું છે. તેમણે ‘ગિરિ સેનિટરી પેડ્સ’ બનાવવાનું શરૂ કર્યું છે. ફક્ત ત્રણ મહિનામાં 40,000 પેડ્સ તૈયાર કર્યા અને તેને સ્કૂલો અને આસપાસની ઓફિસોમાં પહોંચાડયા- એ પણ બહુજ સસ્તી કિંમતે.
સાથીઓ,
કર્નાટકના કલબુર્ગીની મહિલાની સિદ્ધિ પણ ખૂબજ પ્રસંશનીય છે. તેમણે જુવારની રોટલીને એક બ્રાન્ડ બનાવી દીધી. તેમણે જે કૉપરેટિવ બનાવી છે, એમાં તેમાં રોજ ત્રણ હજારથી વધારે રોટલીઓ બની રહી છે. આ રોટલીઓની સુગંધ હવે ફક્ત ગામડા સુધી સીમિત નથી રહી. બેંગલુરુમાં સ્પેશિયલ કાઉન્ટર ખૂલી ચૂક્યું છે. ઓનલાઈન ફુડ પ્લેટફોર્મ પર ઓર્ડર આવી રહ્યા છે. કલબુર્ગીની રોટલી હવે મોટા શહેરોના કિચન સુધી પહોચી રહી છે. એની બહુજ સારી અસર આ મહિલાઓ પર પડી છે, તેમની આવક વધી રહી છે.
સાથીઓ,
અલગ અલગ રાજ્યોની આ ગાથાઓમાં અલગ અલગ ચહેરાઓ છે. પરંતુ એમની ચમક એક જેવી છે. આ ચમક છે આત્મવિશ્વાસની, આત્મનિર્ભરતાની, એવો જ એક ચહેરો છે, મધ્યપ્રદેશની સુમા ઉડ્કે, સુમાજીનો પ્રયત્ન પ્રસંશનીય છે. તેમણે બાલાઘાટ જિલ્લાના કટંગી બ્લોકમાં, સેલ્ફ હેલ્પ ગ્રુપથી જોડાઈને મશરૂમની ખેતી અને પશુપાલનની ટ્રેનિંગ લીધી. એનાથી તેમને આત્મનિર્ભરતાનો રસ્તો મળી ગયો. સુમા ઉડ્કેની આવક વધી તો તેમણે તેમના કામનો વ્યાપ વધાર્યો. નાનકડા પ્રયત્નથી શરૂ થયેલી આ સફર હવે ‘દીદી કેન્ટીન’ અને ‘થર્મલ થેરેપી સેન્ટર’ સુધી પહોચ્યું છે. દેશના ખૂણે ખૂણામાં આવી અનેક મહિલાઓ, પોતાનું અને દેશનું ભાગ્ય બદલી રહી છે.
મારા વ્હાલા દેશવાસીઓ,
થોડા દિવસો પહેલા મને વિયતનામના ઘણાબધા લોકોએ જુદા જુદા માધ્યમથી પોતાના સંદેશા મોકલ્યા. આ સંદેશની દરેક પંક્તિમાં શ્રદ્ધા હતી, આત્મીયતા હતી. તેમની ભાવનાઓ મનને સ્પર્શી જાય તેવી હતી. એ લોકો ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો, ‘અવશેષો’ના દર્શન કરાવવા માટે ભારત પ્રત્યે પોતાનો આભાર પ્રગટ કરી રહ્યા હતા. એમના શબ્દોમાં જે ભાવ હતો, એ કોઈપણ ઔપચારીક ધન્યવાદથી વધારે હતા.
સાથીઓ,
મૂળ રૂપથી ભગવાન બુદ્ધના આ પવિત્ર અવશેષોની ખોજ આંધ્ર પ્રદેશમાં પાલનાડૂ જિલ્લાના નાગાર્જુનકોંડામાં થઈ હતી. આ જગ્યાનો બૌદ્ધ ધર્મ સાથે ગાઢ સંબંધ રહ્યો છે. કહેવાય છે કે ક્યારેક આ સ્થાન પર શ્રીલંકા અને ચીન સહિત દૂર દૂરથી લોકો આવતા હતા.
સાથીઓ,
ગયા મહિને ભગવાન બુદ્ધના આ પવિત્ર અવશેષોને ભારતથી વિયતનામ લઈ ગયા હતાં. ત્યાના 9 અલગ અલગ સ્થળોએ તેમને જનતાના દર્શન માટે રાખવામા આવ્યાં. ભારતની આ પહેલ એક રીતે વિયતનામ માટે રાષ્ટ્રીય ઉત્સવ બની ગઈ. તમે કલ્પના કરી શકો છો, લગભગ 10 કરોડની વસ્તીવાળા વિયતનામમાં દોઢ કરોડથી વધારે લોકોએ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોનાં દર્શન કર્યા. સોશિલ મીડિયા પર જે તસવીરો અને વિડીયો મે જોયા, તેમણે એ અનુભવ કરાવ્યો કે શ્રદ્ધાની કોઈ સીમા નથી હોતી. વરસાદ હોય, તીવ્ર તાપ હોય, લોકો કલાકો સુધી હરોળમાં ઊભા રહે છે. બાળકો, વૃદ્ધો, દિવ્યાંગો બધાજ ભાવ વિભોર હતાં. વિયતનામનાં રાષ્ટ્રપતિ, નાયબ-વડાપ્રધાન, વરિષ્ઠ મંત્રી, દરેક નતમસ્તક હતાં. આ યાત્રા પ્રત્યે ત્યાનાં લોકોમાં સમ્માનનો ભાવ એટલો ઊંડો હતો કે વિયતનામ સરકારે આને 12 દિવસ માટે આગળ વધારવાનો આગ્રહ કર્યો અને આનો ભારતે સહર્ષ સ્વીકાર કરી લીધો.
સાથીઓ,
ભગવાન બુદ્ધનાં વિચારોમાં એ શક્તિ છે, જે દેશો, સંસ્કૃતિઓ અને લોકોને એકસૂત્રમાં બાંધે છે. આના પહેલા ભગવાન બુદ્ધનાં પવિત્ર અવશેષ થાઈલેંડ અને મંગોલિયા લઈ જવામાં આવ્યાં હતાં, અને ત્યાં પણ શ્રદ્ધાનો જ ભાવ જોવા મળ્યો. મારો આપ સૌને પણ આગ્રહ છે કે
પોતાના રાજયોના બૌદ્ધ સ્થળોની યાત્રા જરૂર કરો. આ એક આધ્યાત્મિક અનુભવ થશે, સાથે જ આપણાં સાંસ્કૃતિક વારસા સાથે જોડાવાનો એક સુંદર અવસર પણ બનશે.
મારા વ્હાલા દેશવાસીઓ,
આ મહિને આપણે બધાએ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ઉજવ્યો. મને તમારા હજારો સંદેશાઓ મળ્યાં. ઘણા લોકોએ પોતાની આસપાસનાં એ સાથીઓ વિષે જણાવ્યુ જેઓ એકલા જ પર્યાવરણને બચાવવા માટે નીકળી પડ્યા હતાં અને પછી તેમની સાથે આખો સમાજ જોડાઈ ગયો. બધાનું આ જ યોગદાન, આપણી ધરતી માટે મોટી શક્તિ બની રહ્યું છે. પુણેનાં શ્રી રમેશ ખરમાલેજી, એમના કાર્યોને જાણીને, તમને બહુજ પ્રેરણા મળશે. જ્યારે સપ્તાહનાં અંતે લોકો આરામ કરે છે, ત્યારે રમેશજી અને તેમનો પરિવાર કોદાળી અને પાવડો લઈને નીકળી પડે છે. જાણો છો ક્યાં? જુન્નરની ટેકરીઓ તરફ. તડકો હોય કે ઊંચું ચઢાણ, એમનાં પગલાં અટકાતાં નથી. એ ઝાડીઓ સાફ કરે છે, પાણી રોકવા માટે trench ખોદે છે અને બિયારણ રોપે છે. તેમણે ફક્ત બે મહિનામાં 70 ટ્રેંચ બનાવી દીધા. રમેશજીએ ઘણા નાના તળાવ બનાવ્યા, સેંકડો ઝાડ લગાવ્યા. તેઓ એક ઓક્સિજન પાર્ક પણ બનાવી રહ્યા છે. પરિણામ એ આવ્યું કે હવે પક્ષી પાછા આવી રહ્યા છે, વન્યજીવનને નવીન શ્વાસો મળી રહ્યા છે.
સાથીઓ,
પર્યાવારણ માટે એક નવી પહેલ જોવા મળી છે, ગુજરાતના અમદાવાદ શહેરમાં. અહિયાં મહાનગર પાલિકાએ ‘મિશન ફોર મિલિયન ટ્રી’ અભિયાન શરૂ કર્યું છે. લક્ષ્ય છે – લાખો ઝાડ લગાવવાનું. આ અભિયાનની એક ખાસ વાત છે ‘સિંદુર વન’. આ વન ‘ઓપરેશન સિંદૂર’ના વીરોને સમર્પિત છે. સિંદૂરના છોડ એ વીરોની યાદમાં લગાવવામાં આવી રહ્યા છે, જેમણે દેશ માટે સર્વ સમર્પિત કર્યું.
અહિયાં એક બીજા અભિયાનને નવી ગતિ આપી રહ્યા છે ‘એક પેડ માં કે નામ’ આ અભિયાન હેઠળ દેશમાં કરોડો ઝાડ રોપવામાં આવ્યાં છે. તમે પણ તમારા ગામ કે શહેરમાં ચાલી રહેલા આવા અભિયાનમાં જરૂર ભાગ લો. ઝાડ લગાવો, પાણી બચાવો, ધરતીની સેવા કરો, કારણ કે જ્યારે આપણે પ્રકૃતિને બચાવીએ છીએ, ત્યારે આપણે સાચા અર્થમાં આવનારી પેઢીને સુરક્ષિત કરીએ છીએ.
સાથીઓ,
મહારાષ્ટ્રના એક ગામે પણ ઉત્તમ ઉદાહરણ રજુ કર્યું છે. છત્રપતિ સંભાજીનગર જિલ્લાની ગ્રામ પંચાયત છે ‘પાટોદા’. આ કાર્બન ન્યુટ્રલ ગ્રામ પંચાયત છે. આ ગામમાં કોઈ પોતાના ઘરની બહાર કચરો નથી નાખતું. દરેક ઘરમાથી કચરો ભેગો કરવાની પૂરી વ્યવસ્થા છે. અહિયાં ગંદા પાણીનો નિકાલ પણ થાય છે. સાફ કર્યા વિનાનું કોઈ પાણી નદીમાં નથી જતું. અહિયાં છાણાંથી અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અને એની રાખથી દિવંગતના નામ પર છોડ રોપવામાં આવે છે. આ ગામમાં થતી સાફ સફાઈ પણ જોવાલાયક હોય છે. નાની નાની આદતો જ્યારે સામૂહિક સંકલ્પ બની જાય છે, ત્યારે મોટું પરિવર્તન શક્ય બને છે.
મારા વ્હાલા સાથીઓ,
આ સમયે સૌની દ્રષ્ટિ ઈન્ટરનેશનલ સ્પેશ સેન્ટર પણ છે. ભારતે એક નવો ઇતિહાસ રચ્યો છે. મારી ગઇકાલે Group Captain શુભાન્શુ શુક્લ સાથે વાત પણ થઈ. તમે પણ મારી શુભાન્શુ સાથેની મારી વાતચીતને જરૂરથી સાંભળી હશે. હજુ શુભાન્શુને થોડા વધારે દિવસ ઈન્ટરનેશનલ સ્પેશ સેન્ટરમાં રહેવાનુ છે. આપણે આ મિશન વિષે વધારે વાત કરીશું, પણ, ‘મન કી બાત’ના આગલા એપિસોડમાં.
હવે સમય છે, આ એપિસોડમાં આપની પાસેથી વિદાય લેવાની. પરંતુ સાથીઓ, જતાં જતાં હું આપને એક ખાસ દિવસની યાદ અપાવવા માંગુ છું. 1 જુલાઈ એટલે કે પરમદિવસે અર્થાત 1 જુલાઇએ આપણે બે ખુબજ મહત્વપૂર્ણ પ્રોફેસનનું સમ્માન કરીએ છીએ, ડોકટર્સ અને સીએ. આ બંને સમાજના એક સ્તંભ છે, જે આપણાં જીવનને વધુ સુગમ બનાવે છે. ડોકટર આપણાં સ્વાસ્થ્યના રક્ષક છે અને સીએ (Chartered Accountant) આર્થિક જીવનના માર્ગદર્શક છે. મારી સૌ ડોકટર્સ અને ચાર્ટડ એકાઉન્ટન્ટસને ખૂબ ખૂબ શુભકામનાઓ.
સાથીઓ,
તમારા સૂચનોની હું હમેશાં રાહ જોઈશ. ‘મન કી બાત’ નો આગલો એપિસોડ તમારા આજ સૂચનોથી વધુ સમૃદ્ધ થશે. ફરી મળીશું, નવી વાતો સાથે, નવી પ્રેરણાઓ સાથે, દેશવાસીઓની નવી સિદ્ધિઓ સાથે. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
Matribhumi Samachar Gujarati

