Saturday, May 30 2026 | 07:35:12 AM
Breaking News

ઇન્ડિયા પોસ્ટ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા આયોજિત ‘જનરલ ઇન્શ્યોરન્સ સુપર ધુરંધર’ અભિયાનમાં ઉત્તમ પ્રદર્શન કરીને ઉત્તર ગુજરાત પરિક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે ઉભી કરી મજબૂત ઓળખ

Connect us on:

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે દેશના દરેક ખૂણામાં, ખાસ કરીને ગ્રામીણ ભારત સુધી બેંકિંગ સેવાઓ પહોંચાડવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ‘આપકા બેંક, આપકે દ્વાર’ ની સંકલ્પનાને સાકાર કરતાં ‘વિત્તીય સમાવેશ’ અને ‘ડિજિટલ ઈન્ડિયા’ મિશનને નવી ગતિ આપવામાં આઇપીપીબી સતત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ વિચારો ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ક્ષેત્રીય કાર્યાલય, અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વ્યક્ત કર્યાં. ડાક વિભાગ દ્વારા 01 જાન્યુઆરી 2026 થી 31 માર્ચ 2026 દરમિયાન આયોજિત ‘જનરલ ઇન્શ્યોરન્સ સુપર ધુરંધર’ અભિયાનમાં ઉત્તર ગુજરાત ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરતાં રાષ્ટ્રીય સ્તરે પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે આ સિદ્ધિ બદલ ગ્રામીણ ડાક સેવકો, બ્રાંચ પોસ્ટમાસ્ટરો, પોસ્ટમેન સહિત મંડળ અધિક્ષકો, ઉપમંડલીય નિરીક્ષકો અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના મેનેજરોને અભિનંદન આપ્યા. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ સિદ્ધિ અધિકારીઓ અને કર્મચારીઓની મહેનત, સમર્પણ, ટીમવર્ક અને અસરકારક કાર્યપદ્ધતિનું પરિણામ છે. અભિયાન દરમિયાન ગ્રાહકો સુધી વીમા સેવાઓની પહોંચ વધારવા, જનજાગૃતિ ફેલાવવા અને સેવા ગુણવત્તામાં સુધારા પર વિશેષ ધ્યાન અપાયું હતું. આઇપીપીબીના ચીફ મેનેજર શ્રી અભિજીત જિભકાટે એ  અભિયાન વિશે વિગતવાર માહિતી આપી.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આઇપીપીબી દ્વારા પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો હવે ચાલતા-ફરતા બેંક તરીકે કાર્ય કરી રહ્યા છે. સીઈએલસી હેઠળ ઘરે બેઠા 5 વર્ષ સુધીના બાળકોના આધાર બનાવવાની તથા મોબાઇલ નંબર અપડેટ કરવાની સુવિધા, ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ, ડીબિટી, બિલ પેમેન્ટ, એઇપીએસ દ્વારા ખાતામાંથી રૂપિયા ઉપાડવા, વાહન વીમા, આરોગ્ય વીમા, અકસ્માત વીમા, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના જેવી વિવિધ સેવાઓ આઇપીપીબી દ્વારા પોસ્ટમેન ના માધ્યમ થી ઘરે બેઠા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આઇપીપીબી ખાતા દ્વારા ડાકઘરની સુકન્યા સમૃદ્ધિ યોજના, આર.ડી, પીપીએફ અને ડાક જીવન વીમામાં પણ ઓનલાઈન જમા કરી શકાય છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ અભિયાનમાં ઉત્તર ગુજરાત ક્ષેત્રે ₹1,50,85,834 ના લક્ષ્ય સામે ₹1,53,75,607 નું પ્રીમિયમ એકત્ર કરી 101.92% સિદ્ધિ મેળવી અને સફળતાપૂર્વક અભિયાનમાં ક્વોલિફાઇ થયું. હાલ ઉત્તર ગુજરાત ક્ષેત્રમાં 8.43 લાખથી વધુ આઇપીપીબી ખાતાઓ કાર્યરત છે, જેમાં આ નાણાકીય વર્ષમાં 1.43 લાખથી વધુ નવા ખાતાઓ ખોલવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 1 લાખથી વધુ લોકોએ જનરલ ઇન્શ્યોરન્સ લીધો, જેમાંથી માત્ર ‘સુપર ધુરંધર’ અભિયાનમાં જ 23,500 લોકોએ લાભ લીધો.

સહાયક નિદેશક શ્રી રિતુલ ગાંધીએ જણાવ્યું કે ઉત્તર ગુજરાત ક્ષેત્ર હેઠળ આવેલા 6 મંડળમાંથી 5 મંડળ—અમદાવાદ સિટી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા—એ 100% લક્ષ્યાંક પ્રાપ્ત કરીને અભિયાનમાં સફળ રહ્યા. આ મંડળોએ 100% કરતાં વધુ ઉપલબ્ધિ નોંધાવીને ક્ષેત્રની કુલ સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

આઇપીપીબીના ચીફ મેનેજર શ્રી અભિજીત જિભકાટે એ જણાવ્યું કે દેશના કુલ 63 પોસ્ટલ રીજનમાંથી માત્ર 15 રીજન જ આ અભિયાનમાં સફળ રહ્યા, જેમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર પણ સામેલ છે. આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરવામાં પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા શરૂ કરાયેલ “પોસ્ટલ વોરિયર” અભિયાન ખૂબ જ પ્રેરણાદાયક અને અસરકારક સાબિત થયું.  આ અભિયાનના માધ્યમ થી  ડાક કર્મચારીઓમાં સ્પર્ધાની ભાવના, ટીમવર્ક અને લક્ષ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવામાં આવી, જેના પરિણામે જનરલ ઇન્શ્યોરન્સ સેવાઓની પહોંચ વ્યાપક સ્તરે વધી અને ઉત્કૃષ્ટ પ્રદર્શન શક્ય બન્યું.

આ અવસર પર પ્રવર ડાક અધિક્ષક શ્રી ચિરાગ મહેતા, આઈપીપીબી ચીફ મેનેજર શ્રી અભિજીત જિભકાટે, સિનિયર મેનેજર સુશ્રી પ્રિયંકા કુમારી, સિનિયર પોસ્ટમાસ્ટર અમદાવાદ જીપીઓ શ્રી સંદીપ કુશવાહ, સહાયક નિદેશક શ્રી વી. એમ. વહોરા, શ્રી અલ્પેશ શાહ, શ્રી રિતુલ ગાંધી, સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી પી. જે. સોલંકી, સહિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા.

About Matribhumi Samachar

Check Also

પોસ્ટલ સેવાઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે કર્યા સન્માનિત

‘ડાક સેવા, જન સેવા’ હેઠળ પોસ્ટલ સેવાઓને અંતિમ છોર સુધી પહોંચાડવા પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે …