Wednesday, August 12 2026 | 08:20:58 PM
Breaking News

મહેસાણાની પ્રથમ નેક્સ્ટ-જેન થીમ આધારિત પોસ્ટ ઓફિસનું ગણપત યુનિવર્સિટીમાં ઉદ્ઘાટન, પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ અને પ્રો-ચાન્સેલર ડૉ. મહેન્દ્ર શર્માએ કર્યો શુભારંભ

Connect us on:

 

 

એન-જેન પોસ્ટ ઓફિસમાં ડાક સેવાઓ સાથે યુવાનો માટે વાઈ-ફાઈકૅફેટેરિયામિની લાઇબ્રેરી તથા યુપીઆઈ આધારિત ડિજિટલ પેમેન્ટની પણ સુવિધા – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ગણપત યુનિવર્સિટીમાં એન-જેન પોસ્ટ ઓફિસ દ્વારા યુવાનોની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ ડાક સેવાઓની વધુ સુગમ પહોંચ – પ્રો-ચાન્સેલર ડૉ. મહેન્દ્ર શર્મા

 

ડાક વિભાગની યુવા કેન્દ્રિત અને આધુનિક સેવાઓને શૈક્ષણિક પરિસરો સુધી પહોંચાડવાની દિશામાં કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાજીના વિઝનથી પ્રેરિત પહેલ અંતર્ગત ગુજરાતના છઠ્ઠા અને મહેસાણા ના પ્રથમ એન-જેન (નેક્સ્ટ-જેન) થીમ આધારિત નવીનીકરણ કરાયેલ ગણપત વિદ્યાનગર પોસ્ટ ઓફિસનું 12 ઓગસ્ટ, 2026ના રોજ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ તથા ડૉ. મહેન્દ્ર શર્મા, ગ્રુપ પ્રો-ચાન્સેલર, ગણપત યુનિવર્સિટી, મહેસાણા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયા પોસ્ટની ફ્લેગશિપ એન-જેન પહેલ અંતર્ગત વિકસાવવામાં આવેલું આ પોસ્ટ ઓફિસ વિદ્યાર્થીઓએ ઇન્ડિયા પોસ્ટ સાથે મળીને “વિદ્યાર્થીઓનું, વિદ્યાર્થીઓ દ્વારા, વિદ્યાર્થીઓ માટે”ની ફિલોસોફી પર ડિઝાઇન કર્યું છે. અહીં ભારતીય ડાકની વિશ્વસનીયતા, વ્યાપક પહોંચ, આધુનિક સેવાઓ, યુવા જોડાણ અને સમૃદ્ધ વારસાનો સુંદર સમન્વય જોવા મળે છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે, એન-જેન પોસ્ટ ઓફિસ પહેલ વિદ્યાર્થીઓ અને ડિજિટલ નેટિવ્સને કેન્દ્રમાં રાખીને ઇન્ડિયા પોસ્ટને આધુનિક અને યુવા કેન્દ્રિત સેવા નેટવર્કમાં પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે એન-જેન પોસ્ટ ઓફિસ યુવાનોને આધુનિક સુવિધાઓ પ્રદાન કરશે, જેમાં વાઈ-ફાઈ, કૅફેટેરિયા, મિની લાઇબ્રેરી, યુપીઆઈ આધારિત ડિજિટલ પેમેન્ટ, યુવા કેન્દ્રિત કમ્ફર્ટ સીટિંગ સ્પેસ, વિદ્યાર્થીઓ માટે સ્પીડ પોસ્ટ અને પાર્સલ સેવાઓ પર 10%ની વિશેષ છૂટ, જ્ઞાન પોસ્ટ, આંતરરાષ્ટ્રીય પાર્સલ બુકિંગ, પાર્સલ પેકેજિંગ સેવા, ફિલેટલી અને પોસ્ટ ઓફિસ બચત સેવાઓ, ડાક જીવન વીમા તથા આઈપીપીબી જેવી નાણાકીય સેવાઓનો સમાવેશ થાય છે. ગણપત યુનિવર્સિટીનું આ એન-જેન પોસ્ટ ઓફિસ જનરેશન-Z ની જીવનશૈલી, રુચિઓ અને અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને આધુનિક ડિઝાઇન, આકર્ષક વાતાવરણ અને હાઈ-ટેક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે.

પ્રો-ચાન્સેલર ડૉ. મહેન્દ્ર શર્માએ ગણપત યુનિવર્સિટી કેમ્પસમાં ડાક વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી એન-જેન પોસ્ટ ઓફિસ પહેલને યુવાનોને ડાક સેવાઓ સાથે જોડવાની એક નવીન પહેલ ગણાવતા જણાવ્યું હતું કે, આધુનિક અને ટેક્નોલોજી-સક્ષમ વાતાવરણ વિદ્યાર્થીઓની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ સેવાઓની વધુ સુગમ પહોંચ સુનિશ્ચિત કરશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ પોસ્ટ ઓફિસ 18 હજારથી વધુ વિદ્યાર્થીઓને ડાક વિભાગની સેવાઓનો નવો અનુભવ પ્રદાન કરશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાનારા વિવિધ સેમિનાર અને કૉન્ફરન્સના ડેલિગેટ્સ માટે પણ અહીંથી દેશ-વિદેશમાં શૈક્ષણિક સામગ્રી મોકલવામાં સરળતા રહેશે.

મહેસાણા મંડળના અધિક્ષક ડાકઘર શ્રી એસ. કે. વર્માએ જણાવ્યું હતું કે, ગણપત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો તેમજ રહેવાસીઓને તેમની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ સુવિધાજનક, ઝડપી, ટેક્નોલોજી-સક્ષમ અને આધુનિક ડાક સેવાઓ પૂરી પાડશે.

ગણપત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મહેસાણાના પ્રથમ એન-જેન થીમ આધારિત પોસ્ટ ઓફિસની ડિઝાઇન તૈયાર કરવામાં તેમના યોગદાન બદલ પોસ્ટમાસ્ટર જનરલ અને પ્રો-ચાન્સેલર દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આઈઆઈટી ગાંધીનગર, આઈઆઈએમ અમદાવાદ, સરદાર વલ્લભભાઈ પટેલ એનઆઈટી સુરત, આનંદ કૃષિ યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી અને ગણપત યુનિવર્સિટી, મહેસાણા સહિત કુલ છ એન-જેન પોસ્ટ ઓફિસ શરૂ થઈ ચૂક્યા છે.

આ પ્રસંગે પ્રો-વાઇસ ચાન્સેલર ડૉ. ગિરીશ પટેલ, ડીન સંદીપસિંહ આર. સિસોદિયા, એસોસિયેટ ડીન આર્કિટેક્ટ આદિત્ય બી. વ્યાસ, ડાક અધિક્ષક એસ. કે. વર્મા, સહાયક નિદેશક વી. એમ. વહોરા, સહાયક ડાક અધિક્ષક રમેશ રબારી, ધવલ સુથાર, વિશાલ બ્રહ્મભટ્ટ, ડાક નિરીક્ષક ચેતન સુથાર, વિનુભાઈ ભરવાડ, પોસ્ટમાસ્ટર અશ્વિનભાઈ ચૌધરી, પરેશ મિસ્ત્રી, ભરત પ્રજાપતિ, મુકેશ ચૌધરી, એમ. આઈ. ફકીર સહિતના અધિકારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

About Matribhumi Samachar

Check Also

પોસ્ટમાસ્ટર જનરલ અને વરિષ્ઠ સાહિત્યકાર કૃષ્ણ કુમાર યાદવના જન્મદિવસ નિમિત્તે સ્વદેશી સમાજ સેવા સમિતિ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જન્મદિવસ અને વર્ષગાંઠ જેવા મહત્વપૂર્ણ પ્રસંગોએ વૃક્ષારોપણ કરીને સમાજને નવી દિશા આપી શકાય છે – …