Tuesday, December 09 2025 | 02:34:19 PM
Breaking News

નવસારી ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ‘પી.એમ.કિસાન ઉત્સવ સમારોહ ‘ કાર્યક્રમ યોજાયો

Connect us on:

પી.એમ.કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત  નવસારી ખાતે ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા કક્ષાનો ‘ પી.એમ.કિસાન ઉત્સવ દિવસ ‘ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે કૃષિલક્ષી વિવિધ યોજના હેઠળ નવસારી ખેડૂત લાભાર્થીઓને સહાય  વિતરણ  કરવામાં આવ્યા હતા. આ અવસરે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ઈકો ફ્રેન્ડલી ગણેશ મંડળ સ્પર્ધાનું જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

પોતાના સંબોધનમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે  જણાવ્યું હતું કે,  કિસાન સન્માન નિધિથી ખેડૂતોને મોટી રાહત મળી છે. દેશના અન્નદાતાઓનો સતત વિકાસ એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપી આ સંકલ્પને સાકાર કરી રહી છે.  આજે પ્રધાનમંત્રીના વરદ હસ્તે ડી.બી.ટીના માધ્યમથી રજીસ્ટર થયેલ ખેડૂતોને સન્માન નિધિનો 20મો હપ્તો આપવામાં આવે છે જે ખેડૂતને આત્મનિર્ભર બનાવવાની અસરકારક પહેલ સાબિત થઈ છે.

તેમણે કૃષિ લક્ષી યોજનાઓની વિગત આપતાં કહ્યું કે, ખેડૂત જગતનો તાત છે અને આ જગતના તાતને યોગ્ય સન્માન મળે તે માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. તેમજ સંનિષ્ઠ અને પ્રામાણિક પ્રયત્નો કર્યા છે.

મંત્રીશ્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને ‘જળ સંરક્ષણ – જન ભાગીદારી” અભિયાનમાં જોડાવા અપીલ કરી  ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરવાનું માર્ગદર્શન આપ્યું હતું. સાથે નવસારી શહેરને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળતા આર્થિક વિકાસના વેગ સાથે નાગરિકોની સુખાકારીમાં વધારો થશે તેમ ઉમેર્યુ હતું. આ ઉપરાંત નવસારી જિલ્લામાં  ઈકો ફ્રેન્ડલી મૂર્તિ , પ્રાકૃતિક કૃષિ, સ્વચ્છ ભારત મિશન, રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવા અનેક વિષયોને શ્રી સી.આર. પાટીલે પોતાના સંબોધનમાં આવરી લઈને સરકારના કલ્યાણકારી અભિગમથી સૌને વાકેફ કર્યા હતા.

ભારતના ઉત્તર પ્રદેશના વારાણસીથી રાષ્ટ્રીય કક્ષાનો પ્રધાનમંત્રીના હસ્તે યોજાયેલ  પી.એમ કિસાન સન્માન સમારોહ કાર્યક્રમ ઉપસ્થિત લોકોએ વર્ચ્યુઅલી  નિહાળ્યો હતો.

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના હસ્તે PM કિસાન સન્માન નિધિના 20મા હપ્તા પેટે નવસારી જિલ્લામાં 1.39 થી વધુ ખેડૂતોને રૂ. 28 કરોડથી વધુની સહાય ડી.બી.ટી ના માધ્યમથી બેન્ક ખાતામાં જમા કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે  જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઈ, નવસારીના ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ, ગણદેવી ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, કલેક્ટર, નવસારી મહાનગરપાલિકા કમિશ્નર અને  જિલ્લાના અધિકારીઓ સહિત નવસારી જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

About Matribhumi Samachar

Check Also

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ₹1500 કરોડના વિવિધ વિકાસ …