
જનસેવાથી ડિજિટલ સેવા સુધી, નવીનતા દ્વારા બદલાતા ભારત સાથે કદમ મિલાવી રહ્યું છે ડાક વિભાગ — પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
ઉત્તર ગુજરાતમાં ડાકઘરોને નાણાકીય રીતે આત્મનિર્ભર બનાવવા શરૂ કરાયેલા ‘પોસ્ટલ વોરિયર્સ અભિયાન’ની પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે કરી સઘન સમીક્ષા
‘ડિજિટલ ઇન્ડિયા’ના વિઝનને અનુરૂપ, ઇન્ડિયા પોસ્ટ પોતાના વિશાળ નેટવર્કને ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડીને સેવા વિતરણને વધુ સરળ, ઝડપી, સુરક્ષિત અને પારદર્શક બનાવવાની દિશામાં સતત આગળ વધી રહ્યું છે. ડિજિટલ ટેક્નોલોજીના સમાવેશથી પોસ્ટ ઓફિસોમાં સેવાઓની કાર્યક્ષમતામાં વધારો થયો છે અને ગ્રાહકોને વિવિધ સુવિધાઓ વધુ સરળતા અને સુગમતાથી ઉપલબ્ધ થઈ રહી છે. જનસેવાથી ડિજિટલ સેવા સુધી, બદલાતા ભારત સાથે ડાક વિભાગ સતત કદમ મિલાવી રહ્યું છે. સુરક્ષિત રોકાણ, નિશ્ચિત વળતર અને આકર્ષક વ્યાજદરને કારણે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ આજે પણ લોકોમાં વિશ્વાસ અને લોકપ્રિયતાનો મુખ્ય આધાર બની રહી છે. ઉક્ત ઉદ્ગાર ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ‘મેઘદૂતમ’ સભાખંડ, ક્ષેત્રીય કાર્યાલય, અમદાવાદ ખાતે આયોજિત મંડળાધ્યક્ષો અને ઉપમંડળાધ્યક્ષોની નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન અત્યાર સુધીની કામગીરીની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરતાં વ્યક્ત કર્યા હતા.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા ડાક વિભાગના વ્યવસાયની શ્રેણીવાર સમીક્ષા કરવામાં આવી. તેમાં ડોમેસ્ટિક મેઇલ, પાર્સલ, ઇન્ટરનેશનલ મેઇલ, બચત બેંક સેવાઓ, ડાક જીવન વીમા અને ગ્રામીણ ડાક જીવન વીમા, નાગરિક કેન્દ્રિત સેવાઓ– આધાર, પાસપોર્ટ, ફિલેટલી તથા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનો સમાવેશ કરવામાં આવ્યો. તેમણે આ બાબતની પ્રશંસા કરી કે નાણાકીય વર્ષ 2026-27ના કુલ ₹349.51 કરોડના આવક લક્ષ્યાંક સામે ઉત્તર ગુજરાત ડાક પરિક્ષેત્રે ઓગસ્ટ-2026 સુધીમાં ₹110.85 કરોડની આવક હાંસલ કરી છે, જે ગત વર્ષની સરખામણીએ 55 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. ઉત્તર ગુજરાતના ડાકઘરોને નાણાકીય રીતે આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલા ‘પોસ્ટલ વોરિયર્સ અભિયાન’ની પણ સઘન સમીક્ષા કરવામાં આવી અને આ અંતર્ગત ડાકઘરોને સિલ્વર, ગોલ્ડ, ડાયમંડ અને પ્લેટિનમ શ્રેણી હેઠળ વહેલી તકે આવરી લેવા માટે સૂચનાઓ આપવામાં આવી. સમીક્ષા દરમિયાન ભવિષ્યની પ્રાથમિકતાઓને અનુરૂપ નિર્ધારિત લક્ષ્યાંકોની સમયબદ્ધ પ્રાપ્તિ તેમજ વ્યવસાયિક વૃદ્ધિ સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. પોસ્ટમાસ્ટર જનરલે પોસ્ટ ઓફિસ કાઉન્ટરો પર ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધારવા, પોસ્ટમેન દ્વારા ડિલિવરી મોબાઇલ એપ મારફતે ડિલિવરી સુનિશ્ચિત કરવા, ડી+0 હેઠળ સ્પીડ પોસ્ટ અને પાર્સલનું ઝડપી વિતરણ કરવા, પીએમ વિશ્વકર્મા ટૂલ કિટ્સની ડોરસ્ટેપ ડિલિવરીનું સતત મોનિટરિંગ કરવા, સેવાઓ માટે અસરકારક માર્કેટિંગ વ્યૂહરચના તૈયાર કરવા, સોશિયલ મીડિયા અને ઓનલાઈન માધ્યમો દ્વારા પ્રાપ્ત ફરિયાદોનો ઝડપી નિકાલ કરવા તથા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક મારફતે સરળ અને સુલભ ડિજિટલ બેંકિંગ સેવાઓને પ્રોત્સાહન આપવા પર પણ વિશેષ ભાર મૂક્યો.
આ બેઠક દરમિયાન પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ સમક્ષ વિવિધ મંડળોના અધિકારીઓ દ્વારા પોતાના-પોતાના ક્ષેત્રમાં કરવામાં આવી રહેલી કામગીરીની રજૂઆત કરવામાં આવી હતી, જેના પર વિગતવાર ચર્ચા અને વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના ડાકઘરોમાં નાણાકીય સમાવેશ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં આશરે 5.10 લાખ નવા બચત ખાતાઓ અને 15,700 સુકન્યા સમૃદ્ધિ ખાતાઓ ખોલવામાં આવ્યા છે. ડાક જીવન વીમા હેઠળ ₹145 કરોડ અને ગ્રામીણ ડાક જીવન વીમા હેઠળ ₹27 કરોડની કુલ પ્રીમિયમ રકમ જમા થઈ છે. આ ઉપરાંત, 1.83 લાખ લોકોએ પોસ્ટ ઓફિસ મારફતે આધાર સેવાઓનો લાભ લીધો છે. સ્પીડ પોસ્ટમાંથી ₹25.15 કરોડ, પાર્સલમાંથી ₹17.20 કરોડ, આંતરરાષ્ટ્રીય ડાક સેવાઓમાંથી ₹5.96 કરોડ અને નાગરિક કેન્દ્રિત સેવાઓમાંથી ₹7.80 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં 1,346 ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’, 902 ગામોને ‘સંપૂર્ણ વીમા ગ્રામ’ અને 651 ગામોને ‘સંપૂર્ણ બચત ગ્રામ’ બનાવવામાં આવ્યા છે.
આ પ્રસંગે પ્રવર અધિક્ષક, રેલ ડાક સેવા શ્રી પિયૂષ રાજકને સૌથી વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા બદલ, શ્રી એચ.સી. પરમાર, અધિક્ષક ડાકઘર, બનાસકાંઠા મંડળને એક જ દિવસમાં ડાક જીવન વીમા અને ગ્રામીણ ડાક જીવન વીમા હેઠળ 1,029 પોલિસી સાથે ₹1.10 કરોડનું સર્વાધિક નવું પ્રીમિયમ પ્રાપ્ત કરવા બદલ , શ્રી એમ.એમ. ભરવાડ, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ, ફોરેન પોસ્ટ ઓફિસ, અમદાવાદને ફોરેન પોસ્ટ ઓફીસ મારફતે 4 ટનથી વધુ આંતરરાષ્ટ્રીય કન્સાઇનમેન્ટના બુકિંગ અને ટ્રાન્સમીશન માટે સેવાઓ પૂરી પાડવા તથા ₹14 લાખની આવક પ્રાપ્ત કરવા બદલ, શ્રી વિનુભાઈ ભરવાડ, નિરીક્ષક, વિસનગર, મહેસાણાને બ્રાન્ચ પોસ્ટ ઓફિસ મારફતે એક જ દિવસમાં સર્વાધિક આંતરરાષ્ટ્રીય મેઇલ બુકિંગ કરવા બદલ, કુ. નિરાલી પટેલ, બ્રાન્ચ પોસ્ટમાસ્ટર, ઉદલપુર, મહેસાણાને એક જ દિવસમાં સર્વાધિક 2,658 સ્પીડ પોસ્ટ બુકિંગ કરવા બદલ, કુ. રક્ષા રાજપૂત, બ્રાન્ચ પોસ્ટમાસ્ટર, દેણપ, મહેસાણા તથા શ્રી શ્વેતકુમાર પટેલ, બ્રાન્ચ પોસ્ટમાસ્ટર, ઇપલોડા, સાબરકાંઠાને ઉત્તર ગુજરાતમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય ‘પ્લેટિનમ પોસ્ટલ વોરિયર’ બનવા બદલ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
આ બેઠકમાં પ્રવર અધિક્ષક, રેલ ડાક સેવા શ્રી પિયૂષ રાજક, અમદાવાદ સિટી મંડળના પ્રવર ડાક અધિક્ષક શ્રી શિશિર કુમાર, ગાંધીનગર મંડળના પ્રવર ડાક અધિક્ષક શ્રી શુભમ ડોંગરદિવે, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના ચીફ મેનેજર શ્રી અભિજિત જીભકાટે, અમદાવાદ જીપીઓ ના સિનિયર પોસ્ટમાસ્ટર સુશ્રી મંજુલાબેન પટેલ, સાબરકાંઠા મંડળના ડાક અધિક્ષક શ્રી દીપક વાઢેર, બનાસકાંઠા મંડળના ડાક અધિક્ષક શ્રી એચ.સી. પરમાર, મહેસાણા મંડળના ડાક અધિક્ષક શ્રી એસ.કે. વર્મા, સહાયક નિદેશક શ્રી વારિસ વહોરા, શ્રી રિતુલ ગાંધી, શ્રી અલ્પેશ શાહ, શ્રી રોનક શાહ, શ્રી ભાવિન પ્રજાપતિ તથા સુશ્રી પાયલ પટેલ, તેમજ વિવિધ ઉપમંડળોના સહાયક અધિક્ષકો અને નિરીક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
Matribhumi Samachar Gujarati

