શ્રમિકો માટે સામાજિક સુરક્ષા, તેમના આરોગ્યલક્ષી લાભો અને તબીબી સંભાળ સુનિશ્ચિત કરવા માટે કામ કરવું એ સરકારની પ્રાથમિકતા છે. તેનાથી વધુ ઉત્પાદક શ્રમબળની દિશામાં કામ થશે, જે ‘વિકસિત ભારત’ની દિશામાં કામ કરશે.
આ સંદર્ભમાં શ્રમ અને રોજગાર મંત્રી ડૉ.મનસુખ માંડવિયાના માર્ગદર્શન હેઠળ કામ કરીને ઈએસઆઈસી એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ઈએસઆઈસી)ને આયુષ્યમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (એબી-પીએમજેએવાય)ની સુવિધાઓ સાથે જોડીને કાર્યબળ અને તેમના આશ્રિતો સુધી આરોગ્ય સેવાઓની સુલભતા વધારવા માટે કામ કરી રહી છે. આ પહેલથી 14.43 કરોડથી વધારે ઇએસઆઈ લાભાર્થીઓ અને તેમનાં પરિવારજનોને લાભ થશે, જેથી તેમને સમગ્ર ભારતમાં ગુણવત્તાયુક્ત અને વિસ્તૃત તબીબી સારસંભાળ સુલભ થશે. આ સંદર્ભમાં ભારત સરકારના શ્રમ અને રોજગાર સચિવ સુશ્રી સુમિતા દાવરાએ 26.11.2024ના રોજ આ બંને યોજનાઓના સમન્વયની સંપૂર્ણ પ્રક્રિયાની પ્રગતિ અને તેના અમલીકરણની સમીક્ષા કરી હતી.
ઇએસઆઇસીનાં ડીજી શ્રી અશોક કુમાર સિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ સમન્વય મારફતે ઇએસઆઇસીનાં લાભાર્થીઓ દેશભરમાં 30,000 એબી-પીએમજેએવાય-પેનલમાં સામેલ હોસ્પિટલોમાં દ્વિતીયક અને તૃતીયક તબીબી સેવાઓનો લાભ લઈ શકશે, જેમાં સારવારનાં ખર્ચ પર કોઈ નાણાકીય ટોચમર્યાદા નહીં હોય. આ ભાગીદારી માત્ર હેલ્થકેર સેવાઓની સુલભતામાં જ વધારો નહીં કરે, પણ સાથે સાથે એ પણ સુનિશ્ચિત કરશે કે સારવારના ખર્ચને સંપૂર્ણપણે આવરી લેવામાં આવ્યો છે, જેનાથી તમામ લાભાર્થીઓ માટે આરોગ્ય સંભાળ સરળતાથી સુલભ અને સસ્તી બનશે. ઇએસઆઈ લાભાર્થીઓની સારવાર માટે દેશભરની ચેરિટેબલ હોસ્પિટલોને પણ પેનલમાં સામેલ કરવામાં આવશે.
ઇએસઆઈ યોજના હેઠળ હાલની તબીબી સારસંભાળ 165 હોસ્પિટલો, 1590 દવાખાનાંઓ, 105 ડિસ્પેન્સરી કમ બ્રાન્ચ ઓફિસો (ડીસીબીઓ) અને 2900 જેટલી પેનલમાં સામેલ ખાનગી હોસ્પિટલોનાં વર્તમાન સ્વાસ્થ્ય માળખાગત સુવિધાઓ દ્વારા લેવામાં આવી રહી છે. એબી-પીએમજેએવાયની સાથે ઈએસઆઈ યોજનાનો સમન્વય દેશનાં કાર્યબળ અને તેમનાં આશ્રિતોને ગુણવત્તાયુક્ત અને સુલભ તબીબી સારસંભાળ પ્રદાન કરવાનાં ઇએસઆઇસીનાં પ્રયાસોને વધારે પૂરક અને મજબૂત બનાવશે.
ઇએસઆઈ યોજના હવે દેશના 788 જિલ્લાઓમાંથી 687 જિલ્લાઓમાં (2014માં 393 જિલ્લાઓની સરખામણીમાં) લાગુ કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં છેલ્લા 10 વર્ષમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. પીએમજેએવાય સાથે જોડાણ કરીને ઇએસઆઈ યોજનાને હવે તબીબી સારસંભાળની આ વ્યવસ્થાની જોગવાઈ સાથે અમલીકરણ વિનાનાં બાકીનાં જિલ્લાઓમાં પણ લંબાવી શકાશે.
એબી-પીએમજેએવાય સાથે ઇએસઆઇસીનો સમન્વય એકંદર સામાજિક સુરક્ષા વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો કરશે, સ્વાસ્થ્ય સમાનતાને પ્રોત્સાહન આપશે અને એ સુનિશ્ચિત કરશે કે ગુણવત્તાયુક્ત સારસંભાળ તે લોકોને મળે જેમને તેની સૌથી વધારે જરૂર છે.