Saturday, April 18 2026 | 07:47:02 PM
Breaking News

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ સ્થિત રેલ્વે મેઇલ સર્વિસ ખાતે ડિવિઝનલ લેવલ તાલીમ કેન્દ્રનું કર્યું ઉદ્ઘાટન

Connect us on:

વર્તમાન સમયમાં પોસ્ટ વિભાગ ઝડપી ડિજિટલ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે સતત તાલીમ અને કૌશલ્ય વિકાસ અત્યંત આવશ્યક છે. પોસ્ટલ સેવાઓમાં કાર્યક્ષમતા, ટેકનિકલ સશક્તિકરણ અને સતત ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પહેલરૂપે 17 એપ્રિલ 2026ના રોજ રેલવે મેઇલ સર્વિસ “એ એમ” મંડળ, અમદાવાદમાં ડિવિઝનલ લેવલ ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યું. તેમણે ‘ફંડામેન્ટલ્સ ઓફ જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ તાલીમ પૂર્ણ કરનાર પ્રશિક્ષાર્થીઓને પ્રમાણપત્રો પણ વિતરણ કર્યા. આ અવસરે પ્રવર અધીક્ષક, રેલવે મેઇલ સર્વિસ શ્રી પિયુષ રજક પણ ઉપસ્થિત રહ્યા.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આઇગોટ (ઇન્ટિગ્રેટેડ ગવર્નમેન્ટ ઑનલાઇન ટ્રેનિંગ) – કર્મયોગી પ્લેટફોર્મ આ દિશામાં એક શક્તિશાળી માધ્યમ તરીકે ઉભર્યું છે, જેના માધ્યમથી અધિકારીઓ અને કર્મચારીઓને આધુનિક વહીવટી, ટેકનિકલ અને મેનેજમેન્ટ સંબંધિત તાલીમ આપવામાં આવી રહી છે, જેના પરિણામે સેવા ગુણવત્તામાં સતત સુધારો થઈ રહ્યો છે. આઇગોટ – કર્મયોગીની શરૂઆત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા મિશન કર્મયોગી અંતર્ગત કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ દેશના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સતત, ટેકનોલોજી આધારિત અને કાર્યક્ષમતા કેન્દ્રિત તાલીમ આપી તેમને વધુ સક્ષમ, જવાબદાર, નવીનતાસભર અને નાગરિક કેન્દ્રિત બનાવવાનો છે. આ સમગ્ર પહેલ ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્યને સાકાર કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વધુમાં જણાવ્યું કે હાલમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં 08 ડિવિઝનલ લેવલ ટ્રેનિંગ સેન્ટર અને 01 રીજનલ લેવલ ટ્રેનિંગ સેન્ટર સક્રિય રીતે કાર્યરત છે, જે પોસ્ટલ કર્મચારીઓના સતત તાલીમ અને કૌશલ્ય વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં 13,000થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે, જેમાંથી 10,000ને ડિવિઝનલ લેવલ ટ્રેનિંગ સેન્ટરો મારફતે અને 3,000ને ઑનલાઇન માધ્યમથી તાલીમ આપવામાં આવી છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે પોસ્ટ વિભાગ દ્વારા આઇગોટ પ્લેટફોર્મ મારફતે વિવિધ સમયોચિત અને ઉપયોગી તાલીમ કોર્સો ચલાવવામાં આવી રહ્યા છે, જેમાં કન્ડક્ટ રૂલ્સ, ઇફેક્ટિવ કમ્યુનિકેશન, પોસ્ટ ઑફિસ રેગ્યુલેશન્સ 2024, એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી 2.0 હેઠળ એમઆઇએસ રિપોર્ટ્સ, મેનેજિંગ એન્ડ લીડિંગ ટીમ તેમજ ફંડામેન્ટલ્સ ઓફ જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ થાય છે. આ કોર્સોના માધ્યમથી કર્મચારીઓને માત્ર ટેકનિકલ કુશળતા જ પ્રાપ્ત થતી નથી, પરંતુ નેતૃત્વ ક્ષમતા અને નિર્ણય લેવાની ક્ષમતા પણ વધુ મજબૂત બની રહી છે.

આ અવસરે પ્રવર અધીક્ષક, રેલવે મેઇલ સર્વિસ શ્રી પિયૂષ રજકે જણાવ્યું કે આ ટ્રેનિંગ સેન્ટર દ્વારા રેલવે મેઇલ સર્વિસના કર્મચારીઓને તાલીમ માટે અન્યત્ર જવાની જરૂર રહેશે નહીં. આ સેન્ટર મારફતે 800થી વધુ કર્મચારીઓને સીધો તાલીમનો લાભ મળશે, જેના કારણે તેમની કાર્યક્ષમતા, નેતૃત્વ ક્ષમતા અને ટેકનિકલ કુશળતામાં વધારો થશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ તાલીમ કેન્દ્રનો પૂર્ણ અને મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરવામાં આવશે.

આ અવસરે પ્રવર અધીક્ષક, રેલવે મેઇલ સર્વિસ શ્રી પિયૂષ રજક, સહાયક નિદેશક શ્રી વી. એમ. વહોરા, શ્રી અલ્પેશ શાહ, સહાયક અધિક્ષક શ્રી રિતુલ ગાંધી, સુશ્રી પ્રેયલ શાહ, નિરીક્ષક સુશ્રી સોનલ દેસાઈ, શ્રી વિજય રાઠોડ, શ્રી રોનક શાહ, ડીસીટીસી ટ્રેનર શ્રી સંજય ચૌહાણ સહિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.

About Matribhumi Samachar

Check Also

કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે ભારતના વારસાની ઉજવણી કરતા ફિલાટેલિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું

ટપાલ વિભાગ, પ્રધાનમંત્રી સંગ્રહાલયના સહયોગથી, 14 થી 17 એપ્રિલ 2026 દરમિયાન “એક ભારત, શ્રેષ્ઠ ભારત: ટપાલ ટિકિટો દ્વારા ભારતની એકતા અને લોકશાહીની ઉજવણી” શીર્ષક હેઠળ એક ફિલાટેલિક (ટપાલ ટિકિટ સંગ્રહ) પ્રદર્શનનું આયોજન કરી રહ્યું છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કેન્દ્રીય સંચાર અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે ખૂબ જ રસપૂર્વક પ્રદર્શિત વસ્તુઓનું નિરીક્ષણ પણ કર્યું હતું. તેમની મુલાકાત દરમિયાન, તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત ફિલાટેલિસ્ટ્સ (ટિકિટ સંગ્રહકો), સ્ટેમ્પ કલેક્ટર્સ અને ડિઝાઇનર્સ સાથે વાતચીત કરી હતી અને ભારતના સમૃદ્ધ ટપાલ વારસાને સાચવવા અને પ્રોત્સાહન આપવા માટે તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. આ પ્રદર્શન ભારતની સાંસ્કૃતિક વિરાસત, ઐતિહાસિક વારસો અને ટપાલ પરંપરાઓને પ્રતિબિંબિત કરતી ટપાલ ટિકિટોનો સંગ્રહ રજૂ કરે છે, જેમાં રાષ્ટ્રના રાષ્ટ્રપતિઓ, પ્રધાનમંત્રીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ પરના વિષયો આધારિત હાઇલાઇટ્સ છે, જે મુલાકાતીઓને આકર્ષક અને સમૃદ્ધ અનુભવ પ્રદાન કરે છે. શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે ફિલાટેલિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરે છે અને નિહાળે છે. આ પ્રસંગે બોલતા શ્રી સિંધિયાએ જણાવ્યું હતું કે આ દિવસ ટપાલ વિભાગ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને તેમણે પ્રધાનમંત્રી સંગ્રહાલયની ટીમના સમર્થન અને સહયોગ માટે તેમનો નિષ્ઠાવાન આભાર વ્યક્ત કર્યો હતો. આઝાદીના યુગથી અમૃત કાળ અને તેનાથી આગળ શતાબ્દી કાળ સુધીની ભારતની સફર પર પ્રતિબિંબ પાડતા, તેમણે પુનરોચ્ચાર કર્યો કે ટપાલ વિભાગ રાષ્ટ્ર નિર્માણમાં તેની મુખ્ય ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે, જે તેણે સમગ્ર ઇતિહાસમાં કર્યું છે. તેમણે વધુમાં ભાર મૂક્યો હતો કે ટપાલ વિભાગ અને પ્રધાનમંત્રી સંગ્રહાલય દેશભરમાં ફિલાટેલિક પ્રદર્શનોનું આયોજન કરવા માટે તેમની ભાગીદારીને મજબૂત બનાવશે, જે ભારતનો સમૃદ્ધ વારસો અને વિરાસત પ્રદર્શિત કરશે.    આ પ્રસંગે પિક્ચર પોસ્ટકાર્ડ્સનું વિમોચન આ પ્રસંગે, પ્રધાનમંત્રી સંગ્રહાલયના 4થા સ્થાપના દિવસ, 14 એપ્રિલ, 2026 ના રોજ ડૉ. બી.આર. આંબેડકરની જન્મજયંતિ અને ભારતના બંધારણની યાદમાં પિક્ચર પોસ્ટકાર્ડના ત્રણ અલગ-અલગ સેટ બહાર પાડવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી સંગ્રહાલય અને ટપાલ વિભાગ વચ્ચે એમઓયુ (MoU) પર હસ્તાક્ષર પ્રદર્શનો, આઉટરીચ કાર્યક્રમો અને સહ-બ્રાન્ડેડ ફિલાટેલિક ઉત્પાદનો દ્વારા ભારતની સાંસ્કૃતિક અને ટપાલ વિરાસતને પ્રોત્સાહન આપવા માટે સહયોગ મજબૂત કરવા માટે ટપાલ વિભાગ અને સંગ્રહાલય વચ્ચે એક સમજૂતી પત્ર (MoU) પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ભાગીદારી મ્યુઝિયમમાં સમર્પિત ઈન્ડિયા પોસ્ટ કાઉન્ટર સ્થાપવાની શક્યતા પણ તપાસશે. આ કાર્યક્રમ સાંસ્કૃતિક સંસ્થાઓ અને ટપાલ વારસા વચ્ચેના સંકલનને મજબૂત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું હતું. મ્યુઝિયમની મુલાકાત દરમિયાન, શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરના સમર્પિત પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પ્રધાનમંત્રીના જીવન, નેતૃત્વ અને મુખ્ય પહેલોને પ્રદર્શિત કરતા પ્રદર્શનો નિહાળ્યા હતા.