Wednesday, October 07 2026 | 05:52:38 PM
Breaking News

ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ (WFA) હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ના લાભાર્થીઓને સહાય રકમ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ખાતામાં મળશે

Connect us on:

ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓને નાણાકીય સહાય પ્રદાન કરીને તેમને સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવા માટે શરૂ કરવામાં આવેલી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના‘, જેને ‘વિધવા નાણાકીય સહાય‘ (WFA) યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો લાભ હવે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક  મારફતે પણ મેળવી શકાશે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં કુલ 1,47,647 ડબલ્યુએફએ  લાભાર્થીઓ પોસ્ટ ઓફિસ ખાતાઓ દ્વારા આર્થિક સહાય મેળવી રહ્યા છે. આ અનુસંધાને તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર  દ્વારા તમામ ડબલ્યુએફએ લાભાર્થીઓના આધાર-સીડેડ આઈપીપીબી ખાતા ખોલવા માટે પહેલ કરવામાં આવી છે, જેથી આધાર આધારિત ડીબીટી દ્વારા લાભ સીધો લાભાર્થીઓ સુધી પહોંચાડી શકાય. હાલમાં જે લાભાર્થીઓ પોસ્ટ ઓફિસ ખાતાઓ મારફતે લાભ મેળવી રહ્યા છે, તેઓ હવે પોતાનો લાભ આઈપીપીબી ખાતાઓમાં પ્રાપ્ત કરશે. આ માટે ઉત્તર ગુજરાત હેઠળના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાઓમાં પોસ્ટ વિભાગ દ્વારા 14 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી વિશેષ અભિયાન ચલાવી ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ નવા આઈપીપીબી ખાતાઓ ખોલવામાં આવશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ડબલ્યુએફએ લાભાર્થીઓ પોતાનું આઈપીપીબી ખાતું ખોલાવવા માટે નજીકની પોસ્ટઓફિસનો સંપર્ક કરી શકે છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (આઈપીપીબી) ખાતાઓ પોસ્ટમેન અને ગ્રામિણ ડાક સેવક દ્વારા વિનંતી પર લાભાર્થીના ઘરે જઈને પણ ખોલી આપવામાં આવશે. ખાતું ખોલવા માટે આધાર કાર્ડ, આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર અને બચત ખાતાની પાસબુક જરૂરી રહેશે. આ ખાતાઓ શૂન્ય બેલેન્સથી પણ ખોલી શકાય છે. આઈપીપીબી ખાતું ખુલ્યા બાદ તેમાં આધાર સીડિંગ કરવામાં આવશે. જો કોઈ લાભાર્થી પાસે પહેલેથી જ આઈપીપીબી ખાતું હોય, તો ડબલ્યુએફએ ચુકવણી મેળવવા માટે માત્ર આધાર સીડિંગ કરાવવું જરૂરી રહેશે. લાભાર્થીનું આઈપીપીબી ખાતું પહેલેથી હાજર પોસ્ટ ઓફિસ બચત ખાતા સાથે પણ લિંક કરી શકાય છે, જેથી પોસ્ટઓફિસ બચત ખાતા અને આઈપીપીબી બંનેના લાભ એક સાથે મેળવી શકાય.

અમદાવાદ મંડળના પ્રવર અધિક્ષક શ્રી ચિરાગ મહેતાએ જણાવ્યું કે અમદાવાદમાં કુલ 33,990 ડબલ્યુએફએ લાભાર્થીઓ પોસ્ટ ઓફિસ ખાતાઓ મારફતે આર્થિક સહાય પ્રાપ્ત કરી રહ્યા છે. જો કોઈ લાભાર્થીને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (આઈપીપીબી) ખાતું ખોલવામાં કોઈ મુશ્કેલી પડે, તો તેઓ સહાય માટે 8210608040 પર સંપર્ક કરી શકે છે.

About Matribhumi Samachar

Check Also

પાટણ ડાક ટિકિટ પ્રદર્શન ‘પાટણપેક્સ-2026’નું પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ સી. રાજપૂતે કર્યું ઉદ્ઘાટન

ડાક ટિકિટોના માધ્યમથી ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત સાથે જોડાઈ શકશે જેન-ઝેડ અને જેન-આલ્ફા યુવા પેઢી …