
પોસ્ટ વિભાગ ‘અહર્નિશમ સેવામહે’ની ભાવના સાથે સમાજના છેવાડાના લોકો સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડી રહ્યું છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
સ્વાતંત્ર્ય દિવસ માત્ર એક પર્વ નહીં, પરંતુ ગૌરવ, સન્માન અને રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
80મો સ્વાતંત્ર્ય દિવસ પોસ્ટ વિભાગ દ્વારા હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે અમદાવાદ જીપીઓ ખાતે આયોજિત સમારોહમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ધ્વજવંદન કર્યું અને અધિકારીઓ તથા કર્મચારીઓને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે રાષ્ટ્રગાન, દેશભક્તિ ગીતો અને દેશ પ્રત્યે સમર્પણની ભાવનાથી ઓતપ્રોત વાતાવરણ જોવા મળ્યું. ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોસ્ટલ કર્મચારીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા. ડાક ચૌપાલ અંતર્ગત ખાતું ખોલાવનાર દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ ખાતા, પોસ્ટલ જીવન વીમા, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક વગેરેની પાસબુક તથા બોન્ડ્સ પણ અર્પણ કરવામાં આવ્યા.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ દિવસ આપણને માત્ર આઝાદીનું ગૌરવ જ અનુભવ કરાવતો નથી, પરંતુ આપણી ફરજો અને જવાબદારીઓનું પણ સ્મરણ કરાવે છે. જ્યારે-જ્યારે દેશ પર સંકટની ઘડી આવી છે, ત્યારે દેશવાસીઓએ એકજૂટ થઈને તેનો સામનો કર્યો છે અને ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવનાને સર્વોચ્ચ સ્થાન આપ્યું છે. પોસ્ટ વિભાગે હંમેશાં ‘અહર્નિશમ સેવામહે’ ની ભાવના સાથે કાર્ય કરતાં સમાજના છેવાડા સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડી છે. તેમણે વધુમાં જણાવ્યું કે એક વિભાગ તરીકે આપણી નૈતિક જવાબદારી છે કે આપણે આપણી ક્ષમતાઓનો સંપૂર્ણ વિકાસ કરીને સમાજ અને રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપીએ. સ્વાતંત્ર્ય દિવસની સાચી સાર્થકતા પણ આ જ હશે. પોસ્ટલ સેવાઓની ઐતિહાસિક અને સતત ભૂમિકાને રેખાંકિત કરતાં શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે નાણાકીય સમાવેશ અને ડિજિટલ ઈન્ડિયા સાથે દેશના સામાજિક તથા આર્થિક વિકાસમાં પોસ્ટ વિભાગ એક મજબૂત કડી તરીકે કાર્ય કરી રહ્યું છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પોતાના સંબોધનમાં જણાવ્યું કે સ્વાતંત્ર્ય દિવસ માત્ર એક પર્વ નથી, પરંતુ તે ગૌરવ, સન્માન અને રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક છે. સ્વાતંત્ર્ય દિવસ આપણને આઝાદીને નવેસરથી અનુભવવાની સાથે અધિકારોની સાથે આપણી ફરજો પ્રત્યે પણ જાગૃત થવાની તક આપે છે. સ્વતંત્રતાના મૂલ્યને ઓળખવા તેમજ દેશ માટે ત્યાગ અને બલિદાન આપનાર મહાપુરુષોને યાદ કરીને નવી પેઢીને તેમની સાથે જોડવાનું કાર્ય પણ આપણે કરવું પડશે.
આ પ્રસંગે અમદાવાદ જીપીઓના કર્મચારીઓએ સુંદર સમૂહગાનની પ્રસ્તુતિ કરી. મિવાન પટેલ, કિન્નરી વ્યાસ, નીવા રાઠોડ, વીરપાલ વાળા વગેરે કલાકારોએ પણ પોતાની મનમોહક પ્રસ્તુતિઓથી ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા. કાર્યક્રમના અંતે આકાશમાં રંગબેરંગી ફુગ્ગાઓ ઉડાવીને પણ આઝાદીની ખુશીની ઉજવણી કરવામાં આવી.
પોસ્ટલ વૉરિયર્સ અભિયાન હેઠળ ગોલ્ડ શ્રેણીમાં નિશાબેન દરજી, શિલ્પા વી. અંબાલિયા, હિતેશકુમાર કે. પ્રજાપતિ, યશ કે. પ્રજાપતિ, રોનક બી. પ્રજાપતિ, પ્રકાશભાઈ કે. શાહ, શોભના ડી. બારૈયા અને નિકુંજકુમાર એમ. રાઠોડ તેમજ પોસ્ટમેન શ્રેણીમાં વી. સી. મારૂ, ખ્યાતિબેન એમ. રાવલ, નયનાબેન કે. સોલંકી, પાર્થ પ્રજાપતિ, રામજીભાઈ પરમાર અને હિરેન પટેલને તથા વિશિષ્ટ રમતગમત સિદ્ધિ બદલ હર્ષદીપ પરમારને પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે સન્માનિત કર્યા.
સ્વાગત સંબોધન સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી સંદીપ કુશવાહાએ, આભારવિધિ શ્રી અલ્પેશ શાહે અને કાર્યક્રમનું સંચાલન નિશા નાયરે કર્યું. આ પ્રસંગે અમદાવાદ મંડળના પ્રવર અધિક્ષક શ્રી શિશિર કુમાર, ગાંધીનગર મંડળના નવનિયુક્ત પ્રવર અધિક્ષક શ્રી શુભમ ડોંગરદિવે, સહાયક નિદેશક શ્રી અલ્પેશ શાહ, શ્રી વી. એમ. વ્હોરા, શ્રી રિતુલ ગાંધી, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના ચીફ મેનેજર શ્રી અભિજીત જિભકાટે, પ્રિયંકા કુમારી, સહાયક અધિક્ષક શ્રી જીનેશ પટેલ, શ્રી રમેશ પટેલ, શ્રી જે. એસ. જીડ, શ્રી રોનક શાહ, ડેપ્યુટી મેનેજર શ્રી આર. એ. શેખ, શ્રી પરાગ વાસનિક, શ્રી એસ. એન. ઘોરી, નિરીક્ષક શ્રીમતી પાયલ પટેલ સહિતના તમામ અધિકારીઓ-કર્મચારીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા અને હર્ષોલ્લાસપૂર્વક સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી.
Matribhumi Samachar Gujarati

