આજે રાજ્યસભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં ત્રણ અઠવાડિયાથી ચાલી રહેલા યુદ્ધ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ સંઘર્ષ માત્ર પ્રાદેશિક નથી, પરંતુ તેનાથી ગંભીર વૈશ્વિક ઊર્જા સંકટ ઊભું થયું છે, જેની સીધી અસર ભારતના પેટ્રોલ, ડીઝલ અને ગેસના પુરવઠા પર પડી શકે છે.
પીએમ મોદીના સંબોધનના મુખ્ય અંશો:
-
૧ કરોડ ભારતીયોની સુરક્ષા: ખાડી દેશોમાં વસતા ભારતીયોની આજીવિકા અને સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અત્યાર સુધીમાં ૩.૭૫ લાખથી વધુ ભારતીયોને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે.
-
હોર્મુઝની સામુદ્રધુની પર નજર: વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા આ જળમાર્ગમાં ફસાયેલા ભારતીય ક્રૂ મેમ્બર્સ અને જહાજોની સુરક્ષા માટે ભારત સતત ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા સાથે રાજદ્વારી સંપર્કમાં છે.
-
૭ નવા ‘એમ્પાવર્ડ ગ્રુપ’ ની રચના: મોંઘવારી, સપ્લાય ચેઈન અને ઈંધણના પુરવઠા પર નજર રાખવા માટે કોવિડ-૧૯ સમયની જેમ ૭ નવા સશક્ત જૂથો બનાવવામાં આવ્યા છે.
-
ઊર્જા આયાતનું વૈવિધ્યકરણ: ભારતે પોતાની નિર્ભરતા ઘટાડવા માટે તેલ આયાત કરતા દેશોની સંખ્યા ૨૭ થી વધારીને ૪૧ કરી છે અને ૫૩ લાખ મેટ્રિક ટનથી વધુનો પેટ્રોલિયમ રિઝર્વ સ્ટોક તૈયાર રાખ્યો છે.
“આ યુદ્ધમાં માનવ જીવન માટેનો કોઈપણ ખતરો માનવતા વિરુદ્ધ છે. ભારતનો પ્રયાસ તમામ પક્ષોને શાંતિપૂર્ણ ઉકેલ તરફ પ્રોત્સાહિત કરવાનો છે.” – પીએમ નરેન્દ્ર મોદી
રાજ્યોને ‘ટીમ ઈન્ડિયા’ બનવા આહવાન
પ્રધાનમંત્રીએ તમામ રાજ્ય સરકારોને અપીલ કરી હતી કે તેઓ કાળાબજારિયાઓ પર લગામ કસે અને ‘પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના’ નો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સાથે મળીને કામ કરે.
Matribhumi Samachar Gujarati

