પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના દ્વિતીય દીક્ષાંત સમારોહમાં આજે રેલવે મંત્રી અને કુલાધિપતિ શ્રી અશ્વિની વૈષ્ણવે સંબોધન કર્યું હતું.
યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી અશ્વિની વૈષ્ણવની ગરિમામય ઉપસ્થિતિમાં 239 વિદાર્થીઓને વિવિધ વિદ્યાશાખાની પદવી એનાયત કરવામાં આવી હતી.
ગતિશક્તિ યુનિવર્સિટીના કુલાધિપતિ અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનરી નેતૃત્વ અને દ્રઢ સંકલ્પને કારણે વડોદરામાં આ યુનિવર્સિટી કાર્યરત થઇ છે અને તેમાં એવા અભ્યાસક્રમોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેને બહારના ઔદ્યોગિક સમુહને જરૂરિયાત હોય.
તેમણે એમ પણ જણાવ્યું કે, વડોદરા શહેરમાં ટાટા એરબસનો પ્લાન્ટ પણ કાર્યરત થયો છે અને એરબસને આગામી સમયમાં 15 હજાર જેટલા ઇજનેરોની જરૂરિયાત ઉભી થવાની છે, આ બાબતને ધ્યાને રાખીને ગતિશક્તિ યુનિવર્સિટી દ્વારા એરબસ સાથે સંકલન સાધીને એમને જરૂરી હોય તે પ્રકારે અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો છે. જે ક્લાસ રૂમમાં ભણાવવામાં આવે છે, તે જ ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ કામ આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
ટ્રાન્સપોર્ટેશન અને લોજીસ્ટિકનું જ શિક્ષણ આપે એવી વૈશ્વિક કક્ષાની શૈક્ષણિક સંસ્થાનું નિર્માણ કરવાની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની નેમ હતી અને તેને ગતિશક્તિ યુનિવર્સિટી સાકાર કરી રહી છે, તેમ કહેતા રેલવે મંત્રી શ્રી વૈષ્ણવે ઉમેર્યું કે, અહીંથી અભ્યાસ કરીને બહાર આવતા છાત્રોનું ટેલેન્ટ દેશના વિકાસમાં નવી ઊર્જા ભરશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં વિવિધ ક્ષેત્રમાં થઇ રહેલા વિકાસની ભૂમિકા આપતા રેલવે મંત્રીશ્રીએ કહ્યું કે, મેટ્રો, બૂલેટ ટ્રેન, હાઇવે અને પૂલોના નિર્માણનું કામ તીવ્ર ગતિએ થઇ રહ્યું છે. સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે જરૂરી એવા માનવ સંસાધન મળી રહે તેવા અભ્યાસ ક્રમો પણ ડિઝાઇન કરવામાં આવ્યા છે.
વડોદરાની ગતિશક્તિ યુનિવર્સિટી દેશની શ્રેષ્ઠ યુનિવર્સિટી પૈકીમાં સ્થાન પામે છે, એવો આશાવાદ વ્યક્ત કરતા રેલવે મંત્રીશ્રીએ છાત્રોને તેમની ઉજ્જવળ કારકીર્દિ માટે શુભકામનાઓ પાઠવી હતી. મહાનુભાવોના હસ્તે ચાર ગોલ્ડ મેડાલિસ્ટ છાત્રોને પદવિ એનાયત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે, આઝાદીના અમૃતકાળમાં પોતાની કારકિર્દી શરૂ કરનારા ગતિ શક્તિ વિદ્યાલયના યુવા પદવીધારકોને વિકસિત ભારત @ 2047ના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા આહવાન કર્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓના જીવનમાં આજથી એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ પદવીધારકોને માર્ગદર્શન આપતા કહ્યું હતું કે, ભવિષ્યમાં તેઓ જ્યાં પણ કાર્ય કરે, હંમેશા સૌ એક વાત યાદ રાખે કે તેમની મહેનત, શિસ્ત અને સારા ઈરાદા સાથે સમાજમાં-રાષ્ટ્રમાં શું યોગદાન આપે છે તેના પર તેમની સફળતાનો આધાર રહેશે.
આ વેળાએ યુનિવર્સિટીના કોર્ટ મેમ્બર અને સાંસદ ડો. હેમાંગ જોશીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને છાત્રોને ડિગ્રી એનાયત કરી હતી. ઉપકુલપતિ શ્રી મનોજ ચૌધરીએ સ્વાગત પ્રવચન સાથે સંસ્થાની શૈક્ષણિક પ્રગતિઓ અહેવાલ આપ્યો હતો.
આ વેળાએ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રેલ્વે, માહિતી અને પ્રસારણ, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે કીમ ગામમાં અત્યાધુનિક બુલેટિન ટ્રેન ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી અને ગુજરાતમાં વડોદરા નજીક પ્લાસર ઈન્ડિયા કરજણ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. કિમ ખાતેની સુવિધા એક દિવસમાં 120 સ્લેબનું ઉત્પાદન કરી શકે છે અને 10000 સ્લેબ સ્ટોર કરી શકે છે. મંત્રીએ સુવિધામાં આધુનિક રેલ લોડિંગ-અનલોડિંગ સિસ્ટમ, યુનિવર્સલ ટેમ્પિંગ મશીન અને અન્ય રેલવે ટ્રેક મેઇન્ટેનન્સ મશીનો પર ચાલી રહેલા કામોનું નિરીક્ષણ કર્યું અને મેક ઇન ઇન્ડિયા પહેલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા અને એન્જિનિયરો માટે તકો વધારવામાં કંપનીના પ્રયાસોની પ્રશંસા કરી. અને ટેકનિશિયનો તેમના કૌશલ્ય સ્તરો વિકસાવવા માટે. તેમણે વડોદરાની ગતિ શક્તિ યુનિવર્સિટી સાથે કંપનીના સહયોગ પર પ્રકાશ પાડ્યો જેનો ઉદ્દેશ્ય રેલ્વે મેન્ટેનન્સ મશીનોના ઉત્પાદન, ડિઝાઇન અને પરીક્ષણમાં વિશેષ અભ્યાસક્રમો ઓફર કરવાનો છે, જે ભારતીય યુવાનોને ભારતમાં અને વિદેશમાં કારકિર્દીની ઉન્નત તકો પ્રદાન કરે છે.