ભારત સરકાર દેશના મીડિયા અને મનોરંજન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા અને તેની વૈશ્વિક અસરને વધારવા માટે પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES)નું આયોજન કરી રહી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા 22 ઓગસ્ટ, 2024ના રોજ ‘ક્રિએટ ઈન ઈન્ડિયા ચેલેન્જ – સીઝન 1’ હેઠળ 25 પડકારોની શરૂઆત સાથે, વેવ્સ વિશ્વભરના મીડિયા અને મનોરંજન સમુદાયના પ્રતિકો માટે મનોરંજન અર્થશાસ્ત્ર અને ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરતું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બનવા માટે તૈયાર છે.
આ ચેલેન્જનો હેતુ ભારતીય પ્રતિભાને વિવિધ ક્ષેત્ર જેવા કે એનિમેશન, ગેમિંગ, કોમિક્સ, પ્રિ અને પોસ્ટ પ્રોડક્શન, એઆર/એક્ષાર/વીઆર, જનરેટિવ એઆઈ, પ્રસારણ, રેડિયો, સોશ્યલ મીડિયા,કન્ટેન્ટ ક્રીએટર્સ, ફિલ્મ, સંગીત, નવી તકનીકમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓની શ્રેણી દ્વારા રસ લેતા કરવાનો છે. જે મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાના સહયોગથી આયોજિત કરવામાં આવશે.
WAVES અંગે યુવાનોમાં જાગૃતિ લાવવા અને તેમનો સક્રિય સહભાગ વધારવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે આજે પત્ર સૂચના કાર્યાલય અને કેન્દ્રીય સંચાર બ્યૂરો, અમદાવાદ દ્વારા ગાંધીનગર સ્થિત ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (DA-IICT) ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં દૂરદર્શન સમાચારના ઉપ નિયામક શ્રી ઉત્સવ પરમાર દ્વારા બહોળી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને WAVES અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. જેમાં કાર્યક્રમનો હેતુ, તેમાં કેવી રીતે ભાગ લઈ શકે અને પુરસ્કારની વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં પીઆઇબીના ઉપ નિયામક સુશ્રી આરોહી પટેલ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ અને સ્મૃતિ ચિન્હ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
સંસ્થાનાં ડો. પી એસ કલ્યાણ શશીધર, ડીન(સ્ટુડન્ટ્સ) દ્વારા કાર્યક્રમની રૂપરેખા જણાવવામાં આવી હતી. WAVES અંગે વધુમાં વધુ યુવાઓ સુધી માહિતી પહોંચાડવાના હેતુથી કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય સંચાર બ્યૂરો, અમદાવાદ દ્વારા પ્રદર્શની પણ તૈયાર કરવામાં આવી હતી.