Thursday, June 11 2026 | 09:36:50 PM
Breaking News

પોસ્ટલ સેવાઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે કર્યા સન્માનિત

Connect us on:

‘ડાક સેવાજન સેવા’ હેઠળ પોસ્ટલ સેવાઓને અંતિમ છોર સુધી પહોંચાડવા પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે આપ્યા માર્ગદર્શક નિર્દેશો

ભારતીય પોસ્ટ વિભાગની દૂરદર્શિતા અને ‘ડાક સેવા – જન સેવા’ને અનુરૂપ કાર્યશૈલીએ ગ્રામિણ અને દૂરના વિસ્તારો સુધી તેની વિશ્વસનીય સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરી છે, જેના પરિણામે તે જનતા વચ્ચે એક અગત્યની અને પ્રભાવશાળી સંસ્થા તરીકે સ્થાપિત થયું છે. ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘નાણાકીય સમાવેશ’ની સંકલ્પનાઓને સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા માટે પોસ્ટ વિભાગ પ્રતિબદ્ધ છે, જેથી દરેક નાગરિકને સરળ, સુરક્ષિત અને વિશ્વસનીય સેવાઓ ઉપલબ્ધ થઈ શકે. ઉપરોક્ત ઉદગાર ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે 19 મે, 2026ના રોજ અમદાવાદમાં આયોજિત મંડળ અધ્યક્ષઓ અને ઉપમંડળ અધ્યક્ષોની કાર્યસમીક્ષા બેઠક તથા નાણાકીય વર્ષ 2025-26 માટેના ઉત્કૃષ્ટતા સન્માન વિતરણ કાર્યક્રમ દરમિયાન વ્યક્ત કર્યા.  આ પ્રસંગે ઉત્તર ગુજરાત હેઠળના 08 જિલ્લાઓની પોસ્ટ ઓફિસમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 100થી વધુ પોસ્ટલ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રાપ્તકર્તાઓમાં પ્રવર અધિક્ષક ઉપરાંત અધિક્ષક, સહાયક અધિક્ષક, નિરીક્ષક, પોસ્ટમાસ્ટર, પોસ્ટલ આસિસ્ટન્ટ્સ, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ, ડેવલપમેન્ટ ઓફિસર્સ (પોસ્ટલ જીવન વીમા), ડાયરેક્ટ એજન્ટ, પોસ્ટમેન, એમટીએસ, બ્રાંચ પોસ્ટમાસ્ટર તથા ગ્રામિણ ડાક સેવકો સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. પોસ્ટમાસ્ટર જનરલે પોસ્ટલ સેવાઓ અને તેની આધુનિક વિશેષતાઓને આવરી લેતી ગુજરાતી ભાષાની એક પુસ્તિકાનું પણ આ અવસરે વિમોચન કર્યું.

પ્રવર અધિક્ષકો અને પોસ્ટલ કર્મચારીઓનું થયું સન્માન

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી બદલ અમદાવાદ સિટી મંડળના પ્રવર અધિક્ષક શ્રી ચિરાગ મહેતાને સર્વોચ્ચ કુલ આવક સિદ્ધિ અને વૃદ્ધિ ટકાવારી, પોસ્ટ ઓફિસ બચત બેંકમાં સર્વાધિક નેટ એડિશન, ગ્રામિણ પોસ્ટલ જીવન વીમામાં સર્વોચ્ચ વૃદ્ધિ ટકાવારી, પાર્સલ ક્ષેત્રમાં સર્વાધિક આવક અને વૃદ્ધિ, મહત્તમ આધાર ટ્રાન્ઝેક્શન તેમજ સ્પીડ પોસ્ટ/પાર્સલમાં D+0 ડિલિવરીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કર્યા. અમદાવાદ મંડળના પ્રવર રેલવે અધિક્ષક શ્રી પિયુષ રજકને નાગરિક કેન્દ્રિત સેવાઓ શ્રેણીમાં સર્વાધિક વૃદ્ધિ નોંધાવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. ગાંધીનગર મંડળના પ્રવર અધિક્ષક શ્રી શિશિર કુમારને મેઈલ ઓપરેશન શ્રેણીમાં સર્વાધિક વૃદ્ધિ તથા પોસ્ટ ઓફિસ બચત બેંક નેટ એડિશન શ્રેણીમાં તૃતીય સ્થાન મેળવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. સુશ્રી મંજુલાબેન પટેલને સાબરકાંઠા મંડળમાં પોસ્ટ ઓફિસ બચત બેંક નેટ એડિશન શ્રેણીમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. શ્રી અલ્પેશ શાહને અમદાવાદ જીપીઓમાં સર્વોચ્ચ કુલ આવક સિદ્ધિ તથા પાર્સલ શ્રેણીમાં સર્વાધિક આવક સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. શ્રી હર્ષદ પરમારને પાટણ મંડળમાં પોસ્ટ ઓફિસ બચત બેંક શ્રેણી અને પોસ્ટલ જીવન વીમામાં સર્વાધિક વૃદ્ધિ નોંધાવવા તેમજ ગ્રામિણ પોસ્ટલ જીવન વીમામાં સર્વાધિક આવક સિદ્ધિ મેળવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. શ્રી રાજેન્દ્રપુરી ગોસ્વામીને બનાસકાંઠા મંડળમાં પોસ્ટલ જીવન વીમા અને મેઈલ ઓપરેશન શ્રેણીમાં સર્વોચ્ચ આવક સિદ્ધિ નોંધાવવા તથા ઇન્ટરનેશનલ મેઈલ્સમાં સર્વાધિક આવક અને વૃદ્ધિ પ્રાપ્ત કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. શ્રી સિરાજ મન્સુરીને મહેસાણા મંડળમાં પોસ્ટલ બચત બેંક શ્રેણીમાં સર્વોચ્ચ આવક સિદ્ધિ મેળવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. શ્રી પી. જે. સોલંકીને નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ તથા શ્રી ડી. એમ. રાઠોડને ગાંધીનગર હેડ પોસ્ટ ઓફિસમાં સર્વાધિક વ્યવસાય પ્રાપ્ત કરી ટોપ પરફોર્મર તરીકે સન્માનિત કરવામાં આવ્યા.

મંડળો ઉપરાંત ઉપમંડળ સ્તરે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા.  ‘પોસ્ટલ વોરિયર’ અભિયાન અંતર્ગત બ્રાંચ પોસ્ટ ઓફિસ સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ નિરીક્ષક બાયડ ઉપમંડળ શ્રી અર્જુનસિંહ પરમારને આઈપીપીબી ખાતાં ખોલવામાં સર્વાધિક સરેરાશ વ્યવસાય પ્રાપ્ત કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. નિરીક્ષક મોડાસા ઉપમંડળ શ્રી આર. એમ. જાદવને સમૂહ આઈપીપીબી  વ્યવસાયમાં સર્વાધિક સરેરાશ વ્યવસાય પ્રાપ્ત કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. સહાયક અધિક્ષક અમદાવાદ (ઉત્તર) સિટી મંડળના શ્રી વિશાલ ચૌહાણને “ગોલ્ડન વોરિયર” શ્રેણીમાં ક્વોલિફાય કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. સહાયક અધિક્ષક અમદાવાદ (દક્ષિણ) સિટી મંડળના શ્રી હાર્દિક રાઠોડને મેઈલ બુકિંગમાં સર્વાધિક સરેરાશ વ્યવસાય પ્રાપ્ત કરવા બદલ તથા નિરીક્ષક વિસનગર ઉપમંડળ શ્રી ચેતન સુથારને પોસ્ટ ઓફિસ બચત બેંક ખાતાં ખોલવા, પીએલઆઈ/આરપીએલઆઈ કલેક્શન, જનરલ ઇન્શ્યોરન્સ પોલિસી અને પીઓએસએ  લિંકિંગમાં બ્રાંચ સ્તરે સર્વાધિક સરેરાશ વ્યવસાય પ્રાપ્ત કરી પ્રથમ સ્થાન મેળવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. ડેવલપમેન્ટ ઓફિસર (પોસ્ટલ જીવન વીમા) શ્રી અરવિંદભાઈ પટેલ તથા ડાયરેક્ટ એજન્ટ સુશ્રી કિંજલબેન પ્રજાપતિને પણ સન્માનિત કરવામાં આવ્યા.

શ્રીમતી મીનાબેન ડી. પટેલ, ધરમપુર બ્રાંચ પોસ્ટમાસ્ટરને ગુજરાત પરિમંડળમાં સર્વાધિક એક્સપેન્ડિચર કવરેજ રેશિયો પ્રાપ્ત કરવા બદલ શ્રેષ્ઠ બ્રાંચ પોસ્ટમાસ્ટર તરીકે સન્માનિત કરવામાં આવ્યા. સબ પોસ્ટઓફિસ  કેટેગરીમાં વટવા આઈ.ઈ.ના સબ પોસ્ટમાસ્ટર શ્રી સલીમમિયાં અબ્બાસમિયાં મલિક, કુડાસણના સબ પોસ્ટમાસ્ટર સુશ્રી ભૂમિકા ભટ્ટ અને ગિફ્ટ સિટીના સબ પોસ્ટમાસ્ટર શ્રી શૈલેશ રાવલને સર્વાધિક વ્યવસાય પ્રાપ્ત કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. અમરાઈવાડી પોસ્ટ ઓફિસના પોસ્ટમેન શ્રી દિગ્વિજયસિંહ અનુપા વાઘેલાને ટપાલ વિતરણ સાથે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના 1466 ખાતાં ખોલવાના ઉત્કૃષ્ટ કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યા. ટી. બી. નગર પોસ્ટ ઓફિસના એમટીએસ શ્રી પી. કે. પટેલને પોસ્ટ ઓફિસ ખાતાઓને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ખાતાઓ સાથે સર્વાધિક લિંક કરવાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા.

સમીક્ષા બેઠક દરમિયાન પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ સમક્ષ વિવિધ મંડળોના અધિકારીઓ દ્વારા પોતાના વિસ્તારોમાં કરવામાં આવી રહેલા કાર્યોની રજૂઆત કરવામાં આવી, જેના પર વિગતવાર ચર્ચા અને વિશ્લેષણ કરવામાં આવ્યું. સમીક્ષા દરમિયાન ભવિષ્યની પ્રાથમિકતાઓને અનુરૂપ નિર્ધારિત લક્ષ્યોની સમયબદ્ધ સિદ્ધિ તથા વ્યવસાયિક વૃદ્ધિ સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આ નાણાકીય વર્ષ માટે નક્કી કરાયેલા લક્ષ્યો હાંસલ કરવા ઉત્સાહ, સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરવા પ્રેરિત કર્યા.

આ અવસરે વિવિધ મંડળાધ્યક્ષો અને ઉપમંડળાધ્યક્ષો ઉપરાંત સહાયક નિદેશક શ્રી વારિશ વોહરા, શ્રી અલ્પેશ શાહ, આઈપીપીબી ચીફ મેનેજેર શ્રી અભિજીત જીભકાટે, સહાયક અધિક્ષક શ્રી બિરંગ શાહ, શ્રી રોનક શાહ,  નિરીક્ષક શ્રી ભાવિન પ્રજાપતિ, સુશ્રી પાયલ પટેલ સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

About Matribhumi Samachar

Check Also

ધરતીના ફેફસા’ છે વૃક્ષો, પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ અત્યંત જરૂરી : પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પર્યાવરણ સંરક્ષણ આજની સૌથી મોટી જરૂરિયાત છે. આવનારી પેઢીને જીવવા માટે શુદ્ધ ઓક્સિજન મળી રહે …