કેન્દ્રીય મંત્રી ડૉ મનસુખ માંડવીયાએ સપ્તાહની શરૂઆતમાં જાહેર કર્યું હતું કે, આગામી વર્ષે 11 અને 12 જાન્યુઆરીમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવ દરમિયાન વિકસિત ભારતને આકાર આપવામાં દેશનાં યુવાઓને સામેલ કરવા, સશક્ત બનાવવા માટેનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં દ્રષ્ટિકોણ મુજબ રાષ્ટ્રીય યુવા મહોત્સવની કલ્પના કરવામાં આવી છે. જે માટે “વિકસિત ભારત યંગ લીડર્સ સંવાદ”નું આયોજન કરવામાં આવશે. બે દિવસીય કાર્યક્રમ દરમિયાન ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દિલ્લી ખાતે ભારત મંડપમમાં 3000 યંગ લીડર્સ સાથે વાતચીત કરશે.
પ્રધાનમંત્રી શ્રી મોદીનાં દ્રષ્ટિકોણ ઓછામાં ઓછા એક લાખ યુવા નેતાઓનો વિકાસ કરવાનો છે.એ “વિકસિત ભારત યંગ લીડર્સ સંવાદ” નેતૃત્વ પ્રતિભા, યુવાઓની જરૂરિયાતોની એક ઝલક પૂરી પાડશે અને વિકસિત ભારતનાં ઉદ્દેશ્યમાં યોગદાન આપવામાં તેમની ભૂમિકા અને જવાબદારીઓની સમજણ આપશે.
આ બાબતે આજે નેહરુ યુવા કેન્દ્રનાં રાજ્ય નિયામક શ્રી દુષ્યંત ભટ્ટે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, વિકસિત ભારત સ્પર્ધાનાં પ્રથમ રાઉંડમાં અખિલ ભારતીય ડિજિટલ ક્વિઝ હશે. જેનું તા.25 નવેમ્બર, 2024થી તા.05 ડિસેમ્બર,2024 વચ્ચે આયોજન કરવામાં આવશે. જે લોકો 15 થી 29 વર્ષની આયુ ધરાવે છે તેઓ “MYBharat” પ્લેટફોર્મ પર જઈ તેમાં પોતાની નોંધણી કરાવી શકે છે. ક્વિઝ સ્પર્ધાનાં વિજેતાઓ આગળ નિબંધ/બ્લોગ લેખન સ્પર્ધામાં ભાગ લેશે. જેમાં વિજેતા થનારા યુવા રાજ્ય સ્તરે “વિકસિત ભારત વિઝન” પ્રસ્તુતિ અને અંતે ભારત મંડપમમાં રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં સામેલ થશે.
આ પ્રસંગે ભારતીય ખેલ પ્રાધિકરણ, ગાંધીનગરના પ્રાદેશિક નિયામક શ્રી મનીકાંત શર્મા અને તેમની સાથે પેરિસ પેરાલિમ્પિકનાં સ્વર્ણ પદક વિજેતા નવદીપ, પેરાલિમ્પિયન ભાવનાબેન અને એશિયાઈ પેર સ્વર્ણ પદક વિજેતા નિમિષ સી એસ ઉપસ્થિત રહ્યા હતા. રામતવીરોએ વિકસિત ભારત યુવા નેતા સંવાદમાં વધુમાં વધુ યુવાઓ ભાગ લેવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમનું સંચાલન પત્ર સૂચના કાર્યાલયનાં ઉપ નિયામક આરોહી પટેલે કર્યું હતું. તેમજ ભારતીય ખેલ પ્રાધિકરણ, ગાંધીનગરનાં નિયામક, અદિતી સિંઘ, રાષ્ટ્રીય સેવા યોજનાનાં યુવા અધિકારી મનીન્દર પાલ સિંઘ, પ્રિતેશ ઝવેરી અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.