ભારતીય રિઝર્વ બૅન્ક (RBI) આ વર્ષે તેની સ્થાપનાના 90મા વર્ષની ઉજવણી કરી રહી છે. આ સીમાચિહ્નને યાદગાર બનાવવા માટે સમગ્ર વર્ષ દરમિયાન યોજાનાર શ્રેણીબદ્ધ કાર્યક્રમોના ભાગરૂપે, રિઝર્વ બૅન્ક દ્વારા આરબીઆઈ90ક્વિઝ શરૂ કરવામાં આવી છે, જે અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રવ્યાપી સામાન્ય જ્ઞાન-આધારિત ક્વિઝ સ્પર્ધા છે.
આરબીઆઈ90ક્વિઝ એક ટીમ-આધારિત સ્પર્ધા છે, જેનું આયોજન પાંચ તબક્કામાં કરવામાં આવ્યું છે. 19-21 સપ્ટેમ્બર 2024 દરમિયાન ઓનલાઇન તબક્કો હાથ ધરવામાં આવ્યો હતો. ઓનલાઈન તબક્કાના પ્રદર્શનના આધારે, રાજ્ય કક્ષાના રાઉન્ડમાં ભાગ લેવા માટે કોલેજની ટીમોની પસંદગી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય તેમજ દમણ-દીવ અને દાદરા નગર હવેલી કેંદ્ર શાસિત પ્રદેશો માટે આરબીઆઈ90ક્વિઝ નો રાજ્ય કક્ષાનો રાઉન્ડ 19 નવેમ્બર 2024 ના રોજ હોટલ હયાત રિજન્સી, અમદાવાદ ખાતે યોજાયો હતો, જેમાં 166 વિદ્યાર્થીઓ (83 ટીમો) એ ભાગ લીધો હતો. વિજેતા બનેલી ટીમમાં પ્રથમ સ્થાને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગરના વિદ્યાર્થીઓ શ્રી પ્રજ્વલ અને સુશ્રી કાવ્યા, ત્યારબાદ ડીએઆઈઆઈસીટી, ગાંધીનગર અને ન્યૂ એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, અમદાવાદની ટીમ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહી હતી. ટોચની ત્રણ ટીમોને અનુક્રમે ₹2 લાખ, ₹1.5 લાખ અને ₹1 લાખ ઇનામ સ્વરૂપે આપવામાં આવ્યા.
આ વિજેતા ટીમ ઝોનલ રાઉન્ડમાં ભાગ લેશે, જે 3 ડિસેમ્બર, 2024 યોજાશે. રાષ્ટ્રીય ફાઇનલ 06 ડિસેમ્બર 2024માં મુંબઇ ખાતે યોજાશે.