रविवार, दिसंबर 22 2024 | 11:28:40 PM
Breaking News
Home / अन्य समाचार / કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં 50મી અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન પરિષદને મુખ્ય અતિથિ તરીકે સંબોધન કર્યુ

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં 50મી અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન પરિષદને મુખ્ય અતિથિ તરીકે સંબોધન કર્યુ

Follow us on:

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીનગરમાં મુખ્ય અતિથિ તરીકે 50મી અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન પરિષદને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહન અને બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (બીપીઆર એન્ડ ડી)ના મહાનિર્દેશક શ્રી રાજીવકુમાર શર્મા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પોતાના સંબોધનમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન પરિષદ વિના આજે આપણી પોલીસ વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થાને સુસંગત રાખવી અશક્ય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પોલીસ વિજ્ઞાન પરિષદ અપરાધ સામેની લડાઈમાં આપણી સંપૂર્ણ વ્યવસ્થાને સુસંગત રાખવા માટે છે. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનોમાં બીટ કોન્સ્ટેબલ સ્તર સુધી સંશોધન અને વિકાસનું માળખું, ભાગીદારી, ઇનપુટ્સ એકત્રિત કરવાની પદ્ધતિઓ તથા સંશોધન અને વિકાસને સંપૂર્ણપણે સ્થાપિત કરવાની વ્યવસ્થા પર નવેસરથી કામ કરવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, હવે આ પાસાંઓનું પુનઃમૂલ્યાંકન કરવાનો સમય પાકી ગયો છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે કોઈપણ સિસ્ટમ જો 50 વર્ષ સુધી યથાવત રહે તો તે અપ્રચલિત થઈ જાય છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે, છેલ્લાં કેટલાંક દાયકાઓમાં દેશ, દુનિયા, ગુનાખોરીનાં ક્ષેત્રમાં અને પોલીસવ્યવસ્થામાં નોંધપાત્ર ફેરફારો થયાં છે. જો કે, તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે શું પોલીસ સાયન્સ કોન્ફરન્સ આ ફેરફારોને અનુરૂપ વિકસિત થઈ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પોલીસ વિજ્ઞાન પરિષદમાં નિર્ણયોની કાર્યપ્રણાલી, ઉદ્દેશો અને અમલીકરણમાં સમયસર ફેરફારો કરવામાં આપણે થોડા પાછળ છીએ. શ્રી શાહે એમ પણ કહ્યું હતું કે, ભવિષ્યનાં પડકારોને સમજ્યા વિના આપણું આયોજન ક્યારેય સફળ નહીં થઈ શકે.

9B7A0782.JPG

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારતે વૈશ્વિક સ્તરે નેતૃત્વ ભૂમિકા અદા કરવા માટે દરેક ક્ષેત્રમાં આગેકૂચ કરી છે અને તેના પરિણામે આપણા પડકારોમાં વધારો થયો છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભારતનું અર્થતંત્ર દુનિયામાં 11માં ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનવાથી 5માં ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે અને વર્ષ 2028 સુધીમાં આપણે દુનિયામાં ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જઈશું. શ્રી શાહે જણાવ્યું હતું કે, મોદી સરકારે ડિજિટલ ક્રાંતિ મારફતે ન્યાયિક પ્રક્રિયાને વધારે ઝડપી અને પારદર્શક બનાવી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સ દરમિયાન નવા ફોજદારી કાયદાઓ, ફોરેન્સિક સાયન્સનો ઉપયોગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, બ્લોક-ચેઇન ટેકનોલોજીનો ઉપયોગ, સાયબર ફ્રોડ, સ્માર્ટ સિટીમાં પોલીસિંગ, આદિવાસી વિસ્તારોમાં કોમ્યુનિટી પોલીસિંગ અને જેલોમાં કટ્ટરવાદને દૂર કરવાનાં પગલાં જેવા વિષયો પર આઠ સત્રોમાં ચર્ચા થશે. ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારતે આંતરિક સુરક્ષા અને તેની અપરાધિક ન્યાય વ્યવસ્થામાં પરિવર્તનનો પવન ફૂંક્યો છે. આગામી 10 વર્ષમાં ભારતની અપરાધિક ન્યાય પ્રણાલી દુનિયાની સૌથી આધુનિક, વૈજ્ઞાનિક અને ઝડપી હશે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ત્રણ નવા ફોજદારી કાયદાઓનો સંપૂર્ણ અમલ થવાથી સુપ્રીમ કોર્ટનાં સ્તરે પણ ત્રણ વર્ષની અંદર કોઈ પણ સંજોગોમાં ન્યાય મળશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દાયકાઓથી કાશ્મીર, ઉત્તરપૂર્વ અને નક્સલપ્રભાવિત વિસ્તારોની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. જો કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, સરકારે સુરક્ષાને મજબૂત કરી છે અને આ ક્ષેત્રોની પરિસ્થિતિઓમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, પાછલા દાયકાની સરખામણીમાં છેલ્લાં 10 વર્ષમાં અમે સફળતાપૂર્વક હિંસામાં આશરે 70 ટકાનો ઘટાડો કર્યો છે. શ્રી શાહે નોંધ્યું હતું કે, મોદી સરકારનાં છેલ્લાં 10 વર્ષમાં સત્તાવાળાઓએ રૂ. 35,000 કરોડની કિંમતનાં 5,45,000 કિલોગ્રામ નશીલા દ્રવ્યો સફળતાપૂર્વક જપ્ત કર્યા છે, જે મોદી સરકાર સત્તામાં આવ્યાં અગાઉનાં 10 વર્ષમાં જપ્ત કરવામાં આવેલી રકમ કરતાં છ ગણી વધારે છે. તેમણે કહ્યું કે આનો અર્થ એ છે કે પાછલા 10 વર્ષોમાં, અમે વૈજ્ઞાનિક રીતે જપ્તીની પ્રક્રિયાને સુધારી છે અને તેમાં સફળતા મેળવી છે.

0I9A3886.JPG

કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું કે કમ્પ્યુટરાઇઝેશન એ નવા ગુનાહિત કાયદાઓને લાગુ કરવાની દિશામાં પહેલું પગલું છે. તેમણે જણાવ્યું હતું કે, દેશનાં 100 ટકા પોલીસ સ્ટેશનો એટલે કે તમામ 17,000 પોલીસ સ્ટેશનોનું કમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવ્યું છે અને તેમને ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ્સ (સીસીટીએનએસ) સાથે જોડવામાં આવ્યાં છે. આ ઉપરાંત 22,000 અદાલતોને ઇ-કોર્ટ સિસ્ટમ સાથે સંકલિત કરવામાં આવી છે અને ઇ-જેલ સિસ્ટમ હેઠળ હવે બે કરોડથી વધુ કેદીઓના ડેટા ઉપલબ્ધ છે. ઇ-પ્રોસિક્યુશન મારફતે, 1.5 કરોડથી વધુ કાર્યવાહી માટેના ડેટા ઉપલબ્ધ છે અને ઇ-ફોરેન્સિક મારફતે, 23 લાખથી વધુ ફોરેન્સિક પરિણામો માટેના ડેટા પણ સુલભ છે. નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (NAFIS) હેઠળ 1.6 કરોડ ફિંગરપ્રિન્ટ રેકોર્ડ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઇન્ટિગ્રેટેડ મોનિટરિંગ ઓફ ટેરરિઝમ (આઇએમઓટી) સિસ્ટમ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ) હેઠળ દેખરેખ રાખવા માટે આતંકવાદ સંબંધિત 22,000 કેસોની માહિતી પ્રદાન કરે છે. નેશનલ ઇન્ટીગ્રેટેડ ડેટાબેઝ ઓન અરેસ્ટેડ નાર્કો ઓફેન્ડર્સ (એનઆઈડીએએન) હેઠળ 7.6 લાખ નાર્કો અપરાધીઓનો ડેટા ઉપલબ્ધ છે. આ ઉપરાંત નેશનલ ડેટાબેઝ ઓફ હ્યુમન ટ્રાફિકિંગ ઓફેન્ડર્સ (એનડીએચટીઓ) હેઠળ લગભગ એક લાખ માનવ તસ્કરોનો ડેટા સુલભ છે. વળી, ક્રાઈમ મલ્ટી એજન્સી સેન્ટર (Cri-MAC)એ 16 લાખથી વધુ એલર્ટ જનરેટ કર્યા છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ત્રણ નવા ફોજદારી કાયદા લાવ્યા અગાઉ પણ મોદી સરકારે કોર્ટ, ફરિયાદી, પોલીસ, જેલ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)ને જોડવાની વિસ્તૃત વ્યવસ્થા ઊભી કરી છે. તેમણે કહ્યું કે અંગ્રેજોએ પોતાની સરકારની રક્ષા માટે 150 વર્ષ પહેલા કાયદા બનાવ્યા હતા અને નાગરિકો તેમના કેન્દ્રમાં નહોતા. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, મોદી સરકારે રજૂ કરેલા ત્રણ નવા ફોજદારી કાયદાઓમાં દેશના નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા અને બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારોની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ નવા ત્રણ કાયદાઓમાં લેટેસ્ટ ટેકનોલોજીને એવી રીતે સામેલ કરવામાં આવી છે કે ભવિષ્યમાં ટેકનોલોજીકલ ફેરફારોને કારણે કાયદામાં ફેરફાર કરવાની જરૂર નહીં પડે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ કાયદાઓમાં ઝડપથી ન્યાય મળે તેવી વ્યવસ્થા ઊભી થશે. તેમણે કહ્યું કે પોલીસને જવાબદાર અને મજબૂત બનાવવા માટે આ કાયદાઓમાં ઘણી જોગવાઈઓ પણ કરવામાં આવી છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે, ભારતનાં દરેક નાગરિકને ઝડપી અને સુલભ ન્યાય પ્રદાન કરવો એ મોદી સરકારની પ્રાથમિકતા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના ઉપયોગ દ્વારા વિવિધ એકત્રિત કરેલા ડેટાને સામૂહિક રીતે સંકલિત કરવા અને ઉપયોગી બનાવવાની દિશામાં કામ કરવાની જવાબદારી પોલીસ વિજ્ઞાન પરિષદની છે. તેમણે કહ્યું કે આ ડેટાના ઉપયોગથી જે પરિણામો આવશે તેનો ઉપયોગ આપણી પોલીસ સિસ્ટમમાં વિશ્લેષણ માટે એક પ્લેટફોર્મ બનાવવા માટે થઈ શકે છે. આ વિશ્લેષણ પછી, ગુનાની તપાસ અને ગુનાઓને રોકવા માટે ઝડપી ન્યાય માટે આપણી ન્યાયિક પ્રણાલીમાં ફેરફારો કરી શકાય છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, જ્યારે પોલીસ વિજ્ઞાન પરિષદ આ પ્રકારનાં મુદ્દાઓને પડકાર સ્વરૂપે સ્વીકારશે, ત્યારે જ આ સંપૂર્ણ પ્રક્રિયા લાભદાયક પુરવાર થશે. ગૃહમંત્રીએ કહ્યું કે આ હાંસલ કરવા માટે મોટી સંખ્યામાં હેકાથોનનું આયોજન થવું જોઈએ. વધુમાં, સમસ્યાઓના નિરાકરણ માટે, એઆઇ નિષ્ણાતો સાથે કામ કરીને વિવિધ એકત્રિત ડેટાની ઉપયોગિતા વધારવી જોઈએ, અને આમાંથી તારવવામાં આવેલા વિશ્લેષણનો ઉપયોગ સિસ્ટમને સુધારવા માટે થવો જોઈએ.

9B7A0558.JPG

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ભારત અને સમગ્ર વિશ્વ સમક્ષ અનેક પડકારો છે, જેનું સમાધાન આપણે ભારતમાં જ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. શ્રી શાહે જણાવ્યું હતું કે, 5 ક્ષેત્રો એવા છે, જેમાં કાયદાનું અમલીકરણ કરતી સંસ્થાઓએ હંમેશા અપરાધીઓ કરતાં આગળ રહેવું જોઈએ. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આમાં સાયબર ક્રાઇમનો સામનો કરવો, ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘૂસણખોરી અટકાવવી અને સરહદોની સુરક્ષા કરવી, ડ્રોનનો ગેરકાયદેસર ઉપયોગ અટકાવવો, નશીલા દ્રવ્યોની તપાસ અને જાગૃતિમાં આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો તથા ડાર્ક વેબનાં દુરુપયોગને અટકાવવો અને તેને દૂર કરવો સામેલ છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, બીપીઆરએન્ડડી તથા પોલીસ વિજ્ઞાન પરિષદે આ પાંચ ક્ષેત્રોમાં આગળ વધવા સંશોધન અને વિકાસમાં સક્ષમ વ્યક્તિઓ સાથે જોડાણ કરવું જોઈએ.

9B7A0540 (1).JPG

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે અદાલતો, ફરિયાદી, પોલીસ, સીએપીએફ અને રાજ્ય અનામત પોલીસ મળીને લગભગ 10 કરોડ લોકોનો સંયુક્ત પરિવાર બનાવે છે જે આપણા દેશની ગુનાહિત ન્યાય પ્રણાલીને મજબૂત બનાવે છે. તેમણે કહ્યું કે પોલીસ વિજ્ઞાન પરિષદમાં ભાગ લેનારા લોકો ચર્ચા અને સમાવિષ્ટ પદ્ધતિઓ દ્વારા સમગ્ર દેશને બદલવાની ક્ષમતા ધરાવે છે. ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે બીપીઆર એન્ડ ડીએ આગામી 10 વર્ષ માટે પોલીસ વિજ્ઞાન પરિષદ માટે એક રોડમેપ બનાવવો જોઈએ, જેમાં વાર્ષિક સમીક્ષાઓ, પાંચ વર્ષની સમીક્ષા અને પાંચ વર્ષ પછી પુનઃમૂલ્યાંકન સામેલ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ રોડમેપને એવી રીતે ડિઝાઇન કરવો જોઈએ કે જેથી આગામી 10 વર્ષમાં આપણે આપણા ગંતવ્ય સ્થાને પહોંચી શકીએ, કારણ કે ત્યારે જ બીપીઆર એન્ડ ડી અને પોલીસ સાયન્સ કોન્ફરન્સને સફળ ગણવામાં આવશે.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએસએએમ)ની 63મી વાર્ષિક પરિષદનું આયોજન કરશે

ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએસએએમ) 05થી 07 ડિસેમ્બર 2024 દરમિયાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએએમ), …